પંડ્યા, છગનલાલ હરિલાલ (. 17 ઑક્ટોબર 1859, નડિયાદ; . 23 મે 1936, નડિયાદ) : ગુજરાતી વિદ્વાન. 11 વર્ષની વયે અંગ્રેજી શાળામાં દાખલ થયા. 1871થી 1875 સુધી હાઈસ્કૂલમાં રહ્યા.

છગનલાલ હ. પંડ્યા

1876માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. મ. ન. દ્વિવેદી અને તેઓ એકસાથે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા, ત્યારે તેમના સહાધ્યાયીઓમાં કેશવલાલ હ. ધ્રુવ, નરસિંહરાવ ભો. દિવેટિયા અને કમળાશંકર પ્રા. ત્રિવેદી હતા.

1878માં એફ. ઈ. એ.ની પરીક્ષા પાસ કર્યા પછી તેઓ ઇતિહાસ અને પોલિટિકલ ઇકૉનૉમિક્સ વિષય સાથે ઉત્તીર્ણ થયા. તે સાથે એ વિષયોમાં તેમને ‘જેમ્સ ટેલર પ્રાઇઝ’ તથા ‘કોલ્ડન ફલન પ્રાઇઝ’ મળ્યાં.

1885માં જૂનાગઢ રાજ્યમાં તેમની નિમણૂક થઈ. ત્યાં એકનિષ્ઠાથી નોકરી કરીને 1924માં નિવૃત્ત થઈ નડિયાદ આવ્યા.

બાણની ‘કાદંબરી’(1882)ના તેમણે કરેલા ભાષાંતરની છ આવૃત્તિઓ થઈ છે. તેમની અન્ય કૃતિઓમાં ‘બાલ કાદંબરી’, ‘એક અપૂર્વ લગ્ન’ (1916), ‘વિશુદ્ધ સ્નેહ’ (1919), ‘મનોરંજક વાર્તાઓ’, ‘ક્રાઇસ્ટનું અનુકરણ’ (1915), `ક્રોબેટનો ઉપદેશ’ (1918) ‘એ કોણ હતી?’, ‘સચિત્ર મૂળાક્ષરો’, ‘હાસ્યજનક વાર્તાલાપ’, ‘સોનાની ચકલી’ વગેરેનો સમાવેશ થાય છે.

ઉપેન્દ્ર છ. પંડ્યા