પંડ્યા, અરવિંદ (જ. 21 માર્ચ 1923, ભાદરણ; અ. 22 જુલાઈ 1980) : ગુજરાતી ચિત્રોના ચરિત્ર-અભિનેતા. બચપણથી સંગીત-અભિનયના સંસ્કાર પામેલા અરવિંદ પંડ્યા 1937માં મુંબઈ આવ્યા. દેવધર ક્લાસીઝમાં પ્રારંભિક સંગીત-શિક્ષણ લઈને પછી પંઢરીનાથ કોલ્હાપુરે પાસે સંગીતની તાલીમ મેળવી. સેન્ટ ઝેવિયર્સ કૉલેજના એક સંગીતજલસામાં ફિલ્મી સંગીતકાર એસ. એન. ત્રિપાઠીએ તેમને સાંભળીને ‘માનસરોવર’(1946)માં પાર્શ્વગાયક તરીકે પસંદ કર્યા. ફિલ્મમાં એકલ-ગીત ઉપરાંત શમશાદ બેગમ સાથે યુગલ-ગીત પણ ગાયું. અભિનેતા તરીકે હિન્દી ફિલ્મોમાં પ્રવેશ મેળવવા ફતેલાલ દામલેના સ્ટુડિયોનાં છ મહિના ચક્કર કાપ્યાં, પરંતુ કામ ન મળ્યું. આ દરમિયાન નાટકોમાં તેઓ ભૂમિકા ભજવતા હતા. ‘કચ-દેવયાની’ નાટકમાં કચની ભૂમિકા ભજવતાં પ્રકાશ ચિત્રના નિર્દેશક શાન્તિકુમાર દવેની નજરમાં તેઓ વસી ગયા. શાન્તિકુમારે ગુજરાતી ફિલ્મ ‘ભક્ત સુરદાસ’(1947)માં તેમને મૂખ્ય ભૂમિકા આપી. ગીતો પણ અરવિંદભાઈ પાસે ગવડાવ્યાં. આ પછી 1948માં ‘જોગીદાસ ખુમાણ’, 1950માં ‘દીવાદાંડી’, 1952માં ‘ભક્ત નરસૈંયો’ વગેરે ફિલ્મોમાં તેમણે અભિનયનાં અજવાળાં પાથર્યાં. 1953માં બનેલી હિન્દી ફિલ્મ ‘નૌલખા હાર’માં મીનાકુમારી સાથે કામ કર્યું. અન્ય કેટલીક હિન્દી ફિલ્મો ‘તિલોત્તમા’, ‘જગદ્ગુરુ શંકરાચાર્ય’, ‘રાજપ્રતિજ્ઞા’, ‘રાની રૂપમતી’, ‘જય ચિતોડ’, ‘હમીરહઠ’, ‘મહાભારત’, ‘પ્રિયા’, ‘વીર છત્રસાલ’, ‘બોલો હે ચક્રધારી’ વગેરેમાં પણ નાનીમોટી ભૂમિકાઓ તેમણે ભજવી. ફિલ્મ-અભિનયની સમાંતરે તેમણે ગુજરાતી નાટકોમાં પોતાની અભિનય-કારકિર્દીનું ઘડતર ચાલુ રાખ્યું. ગુજરાતી રંગભૂમિનાં પ્રસિદ્ધ નાટકો ‘સપનાનાં સાથી’, ‘જેસલતોરલ’, ‘ઊંડા અંધારેથી’, ‘ગઢ જૂનો ગિરનાર’, ‘મારી વેણીમાં ચાર-ચાર ફૂલ’, ‘સ્વયંસિદ્ધા’, ‘મેજર ચંદ્રકાંત’, ‘પાછલે બારણે’, ‘સંભારણાં’ વગેરેમાં અભિનય આપી તેઓ મશહૂર થયા. ‘સપનાનાં સાથી’માં ઉત્તમ અભિનયનો મહારાષ્ટ્ર સરકારનો પુરસ્કાર પણ તેમણે મેળવ્યો. તેમનું મહત્વનું પ્રદાન તો ગુજરાતી ફિલ્મક્ષેત્રે રહ્યું. 73 જેટલી ગુજરાતી ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો. એમની નોંધપાત્ર ગુજરાતી ફિલ્મોમાં ‘જોગીદાસ ખુમાણ’ (1948, 1962, 1975), ‘કાદુ મકરાણી’, ‘જીવણો જુગારી’, ‘અખંડ સૌભાગ્યવતી’, ‘રમત રમાડે રામ’, ‘મારે જાવું પેલે પાર’, ‘મજિયારાં હૈયાં’, ‘હસ્તમેળાપ’, ‘વિધિના લેખ’, ‘ઉપર ગગન વિશાળ’, ‘રાણકદેવી’, ‘વાલો નામોરી’, ‘શેણી વિજાણંદ’, ‘મેનાં ગુર્જરી’, ‘તાના રીરી’, ‘જાલમસંગ જાડેજા’, ‘જસમા ઓડણ’, ‘મોટા ઘરની વહુ’, ‘આપો જાદરો’, ‘પારકી થાપણ’, ‘ માનવીની ભવાઈ’ વગેરેને ગણાવી શકાય. આઠેક વાર ગુજરાત સરકારનાં અભિનયનાં પારિતોષિકો પ્રાપ્ત કર્યાં. લગભગ 35 વર્ષની અભિનય-કારકિર્દીમાં તેમણે 100થી વધુ હિન્દી-ગુજરાતી ફિલ્મોમાં વિવિધ પાત્રો ભજવ્યાં. ચિત્રીકરણ પહેલાં પૂજાપાઠ-ગાયત્રીની માળા કર્યા બાદ જ તેઓ મેકઅપ કરતા. નવરાશના સમયે પુસ્તકોનું વાચન કરતા. અંગ્રેજી ફિલ્મ ‘ધ મિલ્કી વે’માં પણ તેમણે અભિનય કર્યો હતો. ફિલ્મમાં વાસ્તવિક દૃશ્યો ભજવવાના તેઓ આગ્રહી હતા. ‘વાલો નામોરી’માં જેલની દીવાલ કૂદી જવાનું વાસ્તવિક દૃશ્ય ભજવતાં જખ્મી પણ થયેલા. તેમણે જેમ સંતોની તેમ બહારવટિયાઓની ભૂમિકા પણ ભજવી. જેમ નાયક તેમ ખલનાયક તરીકેય અદાકારી કરી. ઐતિહાસિક, સામાજિક અને ગ્રામીણ સમાજનાં પાત્રોને ફિલ્મોમાં તાદૃશ કરીને પ્રેક્ષકોના તેઓ માનીતા નટ બની રહ્યા. ગુજરાતી ફિલ્મોના ‘અશોકકુમાર’ તરીકે તેઓ જાણીતા થયા. 57 વર્ષની વયે તેમનું નિધન થયું.
હરીશ રઘુવંશી