પંડિત, શિવશર્મા (જ. 12 માર્ચ 1906, પતિયાળા; અ. 20 મે 1980, મુંબઈ) : દેશ-વિદેશમાં નામાંકિત આયુર્વેદ-નિષ્ણાત. તેમના પિતા પંડિત રામપ્રસાદજી વીસમી સદીના બીજા દશકામાં પતિયાળાના રાજવૈદ્ય હતા. તેમણે ત્યાં આયુર્વેદ વિદ્યાલય સ્થાપ્યું હતું, જે આજે પતિયાળામાં આયુર્વેદ કૉલેજ તરીકે વિકસ્યું છે. પંડિત શિવશર્મા સૌપ્રથમ પોતાના પિતા પાસે જ આયુર્વેદ શીખ્યા અને પછી તેના પર ખૂબ જ નાની વયમાં પૂર્ણ અધિકાર પ્રાપ્ત કરી લીધો.
આયુર્વેદક્ષેત્રે વધુ શિક્ષણ મેળવવા તેમના પિતાજીએ પતિયાળામાં સ્થાપેલ આયુર્વેદ વિદ્યાલયમાં અભ્યાસ કરી, તેમણે તેની ડિગ્રી મેળવેલી. અંગ્રેજી ભાષા તથા આધુનિક વિજ્ઞાન શીખવા ઉપરાંત, આયુર્વેદનાં ગૂઢ દાર્શનિક તત્વો સમજવા માટે તેમણે ન્યાયાચાર્ય શ્રી હેમરાજ શર્મા પાસેથી ભારતીય દર્શનશાસ્ત્રનાં ત્રણ મહત્વનાં અંગો ન્યાયશાસ્ત્ર, સાંખ્યશાસ્ત્ર તથા વેદાંતદર્શનનું વિધિવત્ જ્ઞાન મેળવ્યું.
પોતાનું શિક્ષણ પૂર્ણ કરી, તેઓ 1927-28માં લાહોરના શ્રી દયાનંદ આયુર્વેદ મહાવિદ્યાલયમાં સિનિયર પ્રોફેસર તરીકે જોડાયા. ત્યાં તેમને એક જ વર્ષમાં ખૂબ સફળતા અને લોકપ્રિયતા મળી.
તેઓ ગિલ્લી-દંડા જેવી રમતથી માંડીને છેક ગૉલ્ફ સુધીની રમતો રમી શકતા હતા. તેઓ પોતાની સંસ્કૃત સ્કૂલમાં ક્રિકેટ ટીમના કૅપ્ટન હતા. તેઓ સુદૃઢ બૅટધર, ખૂબ પરિશ્રમી બૉલર તથા કુશળ ફિલ્ડર હતા. શાળાજીવન દરમિયાન તેઓ એક સફળ ક્રિકેટ ખેલાડી રહ્યા હતા. હૉકીની રમતમાં તેઓ એક સફળ ગોલરક્ષક નીવડ્યા હતા. ટેબલ-ટેનિસ, બૅડમિન્ટન તથા વૉલીબૉલના પણ તેઓ ઉત્તમ ખેલાડી રહ્યા હતા. 1948માં તેમણે પ્રેસિડન્ટ-કપ તથા મુંબઈનો ગ્રીવ્ઝ-કપ જીત્યા હતા.
આયુર્વેદિક સભાઓ ઉપરાંત, તેમણે અનેક શહેરોની સનાતન ધર્મસભા, આર્યસમાજ, વાય.એમ.સી.એ., રોટરી ક્લબ, લાયન્સ ક્લબ, વૈજ્ઞાનિક તથા મેડિકલ પરિષદો તથા ખાનગી ટ્રસ્ટોના ઉપક્રમે વિદવત્તાપૂર્ણ ભાષણો આપી આયુર્વેદની સેવા કરી છે. આખા દેશમાં એકમાત્ર પં. શિવશર્માજી જ એવા વિશિષ્ટ આયુર્વેદિક ચિકિત્સક હતા, જેમને અનેક દેશોના સંસદ અને વિધાનસભાના સભ્યો સમક્ષ ખાસ ભાષણ આપવાના હેતુસર નિમંત્રણ મળતું.
પંડિતજીએ અનેક વખત વિદેશ-યાત્રાઓ કરી હતી. તેમની વિદેશ-યાત્રાઓમાં 1973ના ફેબ્રુઆરીમાં ‘હેલન વેલ ફાઉન્ડેશન’ના નિમંત્રણથી તેમણે કરેલ ઑસ્ટ્રેલિયા અને કેટલાક પૂર્વ-એશિયાઈ દેશોની યાત્રા ખાસ મહત્વપૂર્ણ હતી. આ વિદેશયાત્રા દરમિયાન શિવશર્માજીએ આયુર્વેદિક ચિકિત્સાશાસ્ત્ર, યોગ, ભારતીય સંસ્કૃતિ અને આજના ભૌતિકતાપ્રધાન સમાજમાં રહેવાની મનોવૈજ્ઞાનિક પદ્ધતિ જેવા વિષયો પર લગભગ 130 જેટલાં મનનીય ભાષણ આપેલાં. તેમણે લખેલાં અનેક પુસ્તકો અને લેખો પ્રગટ થયાં છે. તેમાં 1975માં તેમણે અંગ્રેજીમાં લખેલ ‘યોગ અગેઇન્સ્ટ સ્પાઇન પેઇન’ નામે લખેલ પુસ્તક ખાસ ગણનાપાત્ર છે. આ પુસ્તકની હજારો પ્રતો ઇંગ્લૅન્ડ, અમેરિકા, જર્મની, ફિનલૅન્ડ અને ડેન્માર્ક જેવા દેશોમાં છપાઈને વેચાઈ છે. ભારતમાં પણ તેની 2થી 3 આવૃત્તિઓ પ્રગટ થઈ હતી. વિદેશી પ્રકાશકો દ્વારા તથા ભારતમાં તેમનું એક અન્ય પુસ્તક ‘યોગ ઍન્ડ સેક્સ’ પણ પ્રગટ થયેલું છે. ભારતમાં તેમનું એક બીજું પુસ્તક ‘સિસ્ટમ ઑવ્ આયુર્વેદ’ પણ ઘણા સમય પૂર્વે પ્રગટ થયેલું. આયુર્વેદ અંગે ખાસ સલાહ-માર્ગદર્શન આપવા માટે તેમને નિમંત્રણ અપાતાં રહ્યાં હતાં. અમેરિકા, જર્મની, ચીન, રુમાનિયા, હંગેરી, શ્રીલંકા, મ્યાનમાર (બર્મા) તથા અન્ય અનેક દેશોના વિશેષજ્ઞોએ અવારનવાર તેમનું માર્ગદર્શન મેળવેલું. શ્રીલંકામાં તો તેમને વારંવાર આમંત્રિત કરાયા હતા. આયુર્વેદવિજ્ઞાનના વિકાસ, પ્રસાર અને પ્રચારમાં તેમના માર્ગદર્શનનું મહત્વનું યોગદાન રહેલું છે.
ન્યૂયૉર્કની ‘રૉચેસ્ટર યુનિવર્સિટી’માં ત્યાંની મેડિકલ ફૅકલ્ટીમાં આયુર્વેદ વિશે માર્ગદર્શન આપવા 1964માં તેમને ખાસ આમંત્રણ મળ્યું હતું.
તેમને મળેલાં સન્માનમાં મુખ્ય આ પ્રમાણે છે : સ્વતંત્રતા-પ્રાપ્તિ પૂર્વે ભારત સરકારે આપેલી ‘વૈદ્યરત્ન’ની સર્વોચ્ચ માનાર્હ ડિગ્રી; ભારત સરકારના યોજના-આયોગમાં ‘ભારતીય ચિકિત્સા પદ્ધતિઓ’ના માનાર્હ પરામર્શદાતા; શ્રીલંકા સરકાર તરફથી ‘આયુર્વેદચક્રવર્તી’ની પદવી; ભારત સરકાર તરફથી ‘પદ્મભૂષણ’નું સન્માન; ધન્વન્તરિ ફાઉન્ડેશન દ્વારા ‘ધન્વન્તરિ ઍવૉર્ડ’; અખિલ ભારતવર્ષીય વેદાન્ત સંમેલન તરફથી ‘વિદ્યાવારિધિ’ની પદવી; ગુરુકુલ કાંગડી વિશ્વવિદ્યાલય તરફથી ‘આયુર્વેદમાર્તંડ’ની પદવી; ઝાંસી આયુર્વેદ વિશ્વવિદ્યાલય તરફથી ‘આયુર્વેદબૃહસ્પતિ’(D.Sc.A.)ની ઉપાધિ; ઋષિકુલ વિદ્યાપીઠ-હરિદ્વાર તરફથી ‘આયુર્વેદશિરોમણિ’ની પદવી. વૅટિકન સિટી(ઇટાલી)ના હિઝ હાઈનેસ પોપ પૉલ છઠ્ઠાએ તેમને ‘પોપ’નો મેડલ આપેલો.
પંડિતજી આયુર્વેદ સાથે સંબંધિત અનેક કેન્દ્રીય અને રાજકીય સંસ્થાઓના માનાર્હ અધિકારી તથા સભ્ય રહ્યા હતા. અખિલ ભારતીય આયુર્વેદિક કૉંગ્રેસ(દિલ્હી)ના અધ્યક્ષ, કેન્દ્રીય દેશી ચિકિત્સા અનુસંધાન પરિષદના અધ્યક્ષ; આયુર્વેદિક અનુસંધાન પરામર્શદાતા મંડળના અધ્યક્ષ; 1961થી ઘણાં વર્ષો સુધી રાષ્ટ્રપતિના માનાર્હ આયુર્વેદિક ચિકિત્સક; મહારાષ્ટ્ર સરકારના આયુર્વેદ (અવૈતનિક) પરામર્શદાતા; ભારત સરકારની કેન્દ્રીય ભારતીય ચિકિત્સા અને હોમિયોપથીની અનુસંધાન પરિષદના સભ્ય; ઉસ્માનિયા વિશ્વવિદ્યાલયની આયુર્વેદ અધ્યયન પરિષદના સભ્ય; નાગપુર વિશ્વવિદ્યાલયની આયુર્વેદ અધ્યયન પરિષદના સભ્ય; બનારસ વિશ્વવિદ્યાલયની સ્નાતકોત્તર આયુર્વેદિક પાઠ્યક્રમની પરામર્શદાતા સમિતિના સભ્ય, ભારત સરકારના કેન્દ્રીય આયુર્વેદ શિક્ષણમંડળના સભ્ય; ભારતીય ચિકિત્સા કેન્દ્રીય પરિષદ-નવી દિલ્હીના અધ્યક્ષ; ભારત સરકારના પ્લાનિંગ કમિશન(પાંચમા પંચવર્ષીય આયોજન પંચ)ના ‘ટાસ્ક ફૉર્સ ફૉર ડેવલપમેન્ટ ઑવ્ ઇન્ડિયન મેડિસિન’ના ચૅરમૅન.
પંડિતજી અખિલ ભારતીય આયુર્વેદ મહાસંમેલનના અનેક વાર અધ્યક્ષ બન્યા હતા. આ ઉપરાંત ઘણી આયુર્વેદિક કૉન્ફરસના અધ્યક્ષપદે રહી ચૂક્યા હતા. વિદેશોમાં અનેક સ્થળે આયોજિત આયુર્વેદીય સંમેલનોમાં પણ તેઓ મુખ્ય અતિથિ રહ્યા હતા. 1974 પૂર્વે તેઓ ચૂંટણીમાં ઊભા રહી લોકસભાના સભ્ય બન્યા હતા એ રીતે તેમણે આયુર્વેદના હિતનાં અનેક કામો કરેલાં.
બળદેવપ્રસાદ પનારા