પંડિત, પ્રકાશરાવ (અઢારમી શતાબ્દી)
January, 1999
પંડિત, પ્રકાશરાવ (અઢારમી શતાબ્દી) : કાશ્મીરી કવિ. કાશ્મીરના કુર્કગ્રામમાં જન્મ. ત્યાં જ એમની લેખનપ્રવૃત્તિ ચાલતી હતી. એ ‘દિવાકર’ નામથી પણ જાણીતા હતા. એમણે કાશ્મીરના રાજા સુખજીવનના રાજ્યકાળ (1754-1762) દરમિયાન ‘રામાવતાર-ચરિતકાવ્ય’ની રચના કરી હતી. એવી લોકવાયકા છે કે પંડિત પ્રકાશરાવ આંધળા હતા. એમના કાવ્યનો મૂલાધાર વાલ્મીકિ-રામાયણ છે. એમણે એમના કાવ્યમાં અનેક પ્રસંગો ઉમેર્યા છે : એમાં સીતાને મંદોદરીની પુત્રી દર્શાવી છે ! કાવ્ય કરુણરસપ્રધાન છે. પંડિત પ્રકાશરાવ ફારસીના પણ વિદ્વાન હતા. એથી ફારસી-મિશ્રિત કાશ્મીરીનો એમના કાવ્યમાં પ્રચુર માત્રામાં પ્રયોગ થયો છે. રામના જન્મ સમયે અયોધ્યામાં કેવો ઉત્સવ ઊજવાયો એનું વર્ણન એમની કાવ્યપ્રતિભાનો સુભગ પરિચય કરાવે છે. રામ વનમાં ગયા તે સમયનું કૌશલ્યાની કરુણ દશાનું વર્ણન પણ કવિની કરુણરસ નિરૂપવાની શક્તિનો પરિચય કરાવે છે.
કાવ્યમાં કવિ કાશ્મીરનાં વનો, હિમાચ્છાદિત પર્વતો, નદીઓ, સરોવરો, ઉદ્યાનો વગેરેનું ચિત્તહારી પ્રકૃતિ-દર્શન કરાવે છે. આ કૃતિના પાઠક અથવા શ્રોતાને જાણે સદેહે કાશ્મીરયાત્રા કર્યાનો અનુભવ થાય છે. યુદ્ધનાં વર્ણનો સિવાય, બીજા પ્રસંગોના નિરૂપણમાં દેશકાળની ઘેરી અસર છે. કાવ્યના પરિશિષ્ટમાં ‘લવકુશચરિત’ છે, જેમાં સીતાનું કરુણ નિવેદન કવિની ભાવનિરૂપણશક્તિના અજોડ દૃષ્ટાંતરૂપ છે.
ચન્દ્રકાન્ત મહેતા