પંડિત, એકનાથ (જ. 1870–1936; અ. 30 એપ્રિલ 1950, ગ્વાલિયર) : શાસ્ત્રીય સંગીતના જાણીતા ભારતીય ગાયક. એમના પિતા વિષ્ણુશાસ્ત્રી પંડિત જાણીતા કીર્તનકાર હતા.
તેમના મોટા ભાઈ શંકર પંડિત પણ સુપ્રસિદ્ધ ગાયક હતા. પિતાએ બેઉ ભાઈઓને ગ્વાલિયર ઘરાણાના પ્રકાંડ ઉસ્તાદો હદ્દુખાં તથા હસ્સુખાં પાસેથી તાલીમ મળે એ માટેનો પ્રબંધ કર્યો હતો. ત્યારે એકનાથની ઉંમર 21 વર્ષની હતી. ઉસ્તાદ હદ્દુખાંના દેહાંત પછી તેમણે 8થી 10 માસ સુધી ગ્વાલિયર ઘરાણાના ઉસ્તાદ નત્થુખાં તથા ત્યારપછી 6 વર્ષ સુધી ઉસ્તાદ નાસિરહુસેનખાં પાસેથી સંગીતની અધિક તાલીમ મેળવી હતી. વધુમાં, પંડિત એકનાથે બાબુખાંસાહેબ, જોરાવરસિંહ તથા મિયાં મુઝફ્ફરખાંસાહેબ જેવા પ્રખર ઉસ્તાદો પાસેથી અનુક્રમે સિતાર, તબલાં તથા વીણાવાદનની તાલીમ પણ મેળવી હતી.
તે સમયમાં ટપ્પાની શૈલીના પ્રવર્તક મિયાં શોરીની પરંપરાના લાલજી બુવા નામના ટપ્પાની શૈલીના એક ગાયક મધ્ય ભારતના ધાર રિયાસતમાં રહેતા હતા. તેમની પાસેથી પણ પંડિત એકનાથે ટપ્પાની ગાયકી આત્મસાત્ કરી હતી.
1903-13 દરમિયાન એકનાથ અને શંકર પંડિતે મુંબઈમાં ઘણા જાહેર કાર્યક્રમો આપ્યા હતા. 1914-15માં મુંબઈમાં પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે પોતાની હિંદુસ્તાની સંગીતપદ્ધતિની ક્રમિક પુસ્તકમાલિકા માટે ઘરાણેદાર બંદિશોનો સંગ્રહ કરતા હતા. પંડિત એકનાથે તેમને ઘણી ઉત્કૃષ્ટ બંદિશોની ભેટ કરી. તેમણે 1917 પછી થોડાં વર્ષો માટે પુણેના ‘પૂના ગાયન સમાજ’માં તથા 1930-36 દરમિયાન ગ્વાલિયરના ‘માધવ સંગીત વિદ્યાલય’માં સંગીતની તાલીમ આપી હતી.
બટુક દીવાનજી