પંડિત, આનંદનારાયણ મુલ્લા (જ. 24 ઑક્ટોબર 1901, લખનૌ; અ. 12 જૂન 1997) : ઉર્દૂ ભાષાના ખ્યાતનામ કવિ તથા પ્રખર ન્યાયવિદ. તે કાશ્મીરી બ્રાહ્મણ હતા. તેમણે 1921માં બી. એ. તથા 1923માં એમ. એ. અને એલએલ.બી.ની પદવી મેળવી. 1926માં તેમણે લખનૌમાં વકીલાત શરૂ કરી. તે વિદ્યાર્થીકાળમાં અંગ્રેજીમાં કવિતા લખતા હતા, પરંતુ 1926થી તેમણે ઉર્દૂ ભાષામાં શાયરી કરવાની શરૂઆત કરી હતી. તેમનો પહેલો ઉર્દૂ કાવ્યસંગ્રહ ‘જૂએ શીર’ 1949માં, બીજો ‘કુછ ઝર્રે કુછ તારે’ 1959માં અને ત્રીજો ‘મેરી હદીસે ઉમ્રે ગુરીઝાં’ 1963માં પ્રગટ થયો હતો. તેમને 1964માં ‘મેરી હદીસે ઉમ્રે ગુરીઝાં’ને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમણે ગઝલ તથા મુક્તક સ્વરૂપનાં કાવ્યો લખ્યાં છે. તેમણે પહેલું અને બીજું વિશ્વયુદ્ધ, ત્યારપછીનું મહાસત્તાઓ વચ્ચેનું શીત-યુદ્ધ, ભારતની સ્વાતંત્ર્યલડતના વિવિધ પ્રવાહો અને 1947માં દેશના વિભાજનની પ્રક્રિયાને નજીકથી જોઈ હતી અને એ સંઘર્ષભર્યા સમયના અનુભવોના કારણે માનવતાવાદની ઊંડી લાગણી તેમનામાં જન્મી હતી. આ લાગણી તેમનાં બધા જ પ્રકારનાં કાવ્યોમાં જોવા મળે છે. ઉર્દૂ ગઝલ પ્રેમભાવ વ્યક્ત કરવાનું માધ્યમ ગણાય છે; પરંતુ તેમણે તેમાં પણ જીવનસંઘર્ષનાં બધાં જ પાસાંની બુલંદ બાંગ પોકારી હતી. માનવપ્રેમ તથા માનવીની ભૌતિક અને આધ્યાત્મિક સમસ્યાઓને સમજવાનો પ્રયત્ન કરીને તેમણે તેનો ઉકેલ શોધવાનો અભિગમ અપનાવ્યો હોવાથી તેમની કવિતા ભારતીય ઉપખંડમાં લોકપ્રિય બની હતી. તે ઉર્દૂ ભાષા અને સભ્યતાને દિલથી ચાહતા હતા. એ સભ્યતા જ તેમનો ધર્મ હતો. મુલ્લાએ વિશ્વસાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો હતો અને તેનાં વિવિધ વલણો વિશે પોતાના વિચારો અવારનવાર વ્યક્ત કરતા.
તેમણે લખનૌમાં વકીલ તરીકે સારી પ્રતિષ્ઠા મેળવી હતી. કાયદો અને ન્યાયની બાબતોમાં તેમની વિદ્વત્તાને લક્ષમાં લઈ, 1946માં તેમને ઇન્ડો-પાક ટ્રિબ્યૂનલના ચૅરમૅન બનાવવામાં આવ્યા હતા, તે પદે 1952 સુધી રહ્યા હતા. 1954થી 1961 સુધી અલાહાબાદ હાઇકૉર્ટના ન્યાયાધીશ તથા કેટલાક સમય માટે મુખ્ય ન્યાયાધીશપદે પણ રહ્યા હતા. 1961માં નિવૃત્તિ પછી સુપ્રીમ કૉર્ટમાં તેમણે વકીલાત કરી હતી. 1967-1970 દરમિયાન 4થી લોકસભાના સભ્ય અને 1972-1978 દરમિયાન રાજ્યસભાના સભ્ય હતા.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી