પંજાબી ભાષા અને સાહિત્ય : પંજાબી ભાષા એટલે ઇન્ડો-આર્યન ભાષાકુલની એક આધુનિક ભારતીય ભાષા. લિપિ ગુરુમુખી. કેટલાક લોકો માત્ર અરબી લિપિનો ઉપયોગ કરે છે. તે ભારતના પંજાબ રાજ્ય અને પાકિસ્તાનના પંજાબ પ્રાંતની પ્રમુખ ભાષા છે. ગઝનીના મેહમૂદે ઈ. સ.ની અગિયારમી સદીની શરૂઆતમાં પંજાબ ઉપર જીત મેળવી તે સમયથી પ્રચલિત ભાષા. વાસ્તવમાં પૂર્વી પંજાબી અને પશ્ચિમી પંજાબી (લેંહદા) અને ડોગરી (જમ્મુ-કાશ્મીરના અગ્નિદિશાના પ્રદેશ અને કાંગડાની આસપાસ બોલાતી) પંજાબીની બોલીઓ છે. લુધિયાના-પતિયાલામાં બોલાતી મલવઈનો પ્રભાવ વિશેષ છે. શિષ્ટમાન્ય ભાષા તરીકે અમૃતસર અને તેની આસપાસ પ્રચલિત માઝી વિકસી છે. પશ્ચિમની બોલીઓમાં મુલતાની, ડેરાવાલી, અવાણકારી અને પોઠોહારી તેમજ પૂર્વી પંજાબીની બોલીઓમાં પહાડી, માઝી, દુઆબી, પુઆધી, મલવઈ અને રાઠી પ્રસિદ્ધ છે. આ ઉપરાંત પતિયાલા અને સગૂરની પત્યાવલી, ચંબા અને મંડીની અસુન, પાકિસ્તાન-પંજાબની પોટભાષા, લ્યાલપુરની લ્યાલપુરી અને હિસ્સારની હિંડકો પંજાબીની ઉપભાષાઓ કે બોલીઓ છે. ભાષા પરત્વે પણ પશ્ચિમ પંજાબ અને પૂર્વ પંજાબની સીમારેખા રાવી નદી છે.
1670માં કવિ હાફિઝ બરખુદારે ‘પંજાબી ભાષા’ શબ્દપ્રયોગ પ્રથમ વાર કર્યો. તે ‘હિંદી’ અને ‘હિંદવી’ તરીકે પણ ઉલ્લેખાઈ છે. કવિ હાશિમે મહારાજા રણજિતસિંહના દરબારમાં પંજાબી ભાષાને હિંદી તરીકે ઓળખાવેલી. ખરેખર તો સોળમી સદીના અંત સુધી હિંદુ અને શીખોની ભાષાનો ઝોક વ્રજભાષા તરફ વિશેષ રહ્યો છે.
છેલ્લા છ-સાત દશકાથી સાહિત્યિક પંજાબીએ કાઠું કાઢ્યું છે. વીસમી સદીના પૂર્વાર્ધમાં પંજાબીએ ફારસી અને અંગ્રેજી શબ્દો અને પ્રયોગો ગ્રહણ કર્યા. એમાં સંસ્કૃત અને હિંદી શબ્દોનો પણ સમાવેશ થતો રહ્યો છે.
પંજાબી અને હિંદી ખડી બોલીમાં સામ્ય છે; દા. ત., પુંલ્લિગંના એકવચની શબ્દોની આકારાન્ત રચના અને તેની સાથેનો વિશેષણ અને ક્રિયાપદનો મેળ; સંજ્ઞાઓ અને સર્વનામોનાં પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપો અને ક્રિયાપદોનો કાલભેદ દર્શાવતા પ્રત્યયો. પંજાબી ભાષાના કારક પ્રત્યયો ને, નું; થો, યા, ઓં; દા, દે, દી અને વિચ છે, જેમનાં સમાંતર રૂપ હિન્દીમાં કો; સે; કા, કે, કી તથા મેં મળે છે. પુંલ્લિંગ અને સ્ત્રીલિંગ શબ્દોના બહુવચનમાં ‘ઑ’ પ્રત્યય જોવા મળે છે; દા.ત., વાતૉ, કુડિયૉ, મુંડયૉ, સાધુઑ. હિન્દીમાં પણ તેમને મળતાં રૂપો જોવા મળે છે.
ધ્વનિવિકાસની દૃષ્ટિએ પંજાબી હજુ સુધી તેની પ્રાકૃતિક અવસ્થાથી બહુ આગળ વધી નથી દા.ત., હત્થ, કન્ન, જંઘ, સત્ત, કત્તણા, છડણા. (હિંદી : હાથ, કાન, જૉંઘ, સાત, કાતના, છોડના). પૂર્વી પંજાબીમાં ઘોષ, મહાપ્રાણ ધ્વનિ (ઘ, ઝ, ઢ, ધ, ભ) અઘોષ આરોહી સૂરની સાથે બોલાય છે. પંજાબીની આ વિશેષ ખાસિયત છે.
પંજાબી સાહિત્ય : શેખ ફરીદને પંજાબી ભાષાના આદિ કવિનું બિરુદ આપવામાં આવ્યું છે. લોકહૃદયમાં બિરાજતી તેમની ભાષા બાઇબલ અને કુરાનના જેવી સરળ છે. ગુરુગ્રંથમાં તેમનાં ત્રણ સ્તોત્ર અને 250 પંક્તિઓમાં રચાયેલા 112 શ્લોકનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે પંજાબીના આદિ કવિ ગુરુ નાનક (1469-1539) ગણાય છે. એમણે રચેલ ‘બારા માહ’માં ઊર્મિકાવ્યની ઝલક વર્તાય છે. શીખ લોકોના ધર્મગ્રંથ ‘આદિગ્રંથ’ કે ‘ગ્રંથસાહેબ’માં સાત ગુરુઓ અને સોળ ભક્તોની રચનાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. તેમાં 3,384 પદ છે. ગુરુ નાનકની સુપ્રસિદ્ધ રચનાઓમાં ‘જપુ’, ‘સિદ્ધગોષ્ઠિ’ અને (સંભવત:) આકાર છે. આ ઉપરાંત તેમણે ‘આસા દી વાર’, ‘સોહિલા’, ‘રહિરાસ’ તથા 500 જેટલાં પદોની રચના કરી છે, ભાવ, અભિવ્યક્તિ, કલા અને સંગીતની દૃષ્ટિએ આ વાણી સુંદર અને પ્રભાવશાળી છે. ભક્તિમાં ‘સિમરન’ અને જીવનમાં ‘સેવા’ નાનકની વાણીના મુખ્ય સૂર છે. પછીના ગુરુઓ આ ભાવને અનુસરે છે. બીજા ગુરુ અમરદાસ અને ત્રીજા ગુરુ રામદાસ છે. પાંચમા ગુરુ અરજનદેવે (1561-1606) ‘ગુરુગ્રંથ’નું સંકલન કર્યું. ત્યારપછી તેમાં કંઈ સુધારા-વધારા કરવામાં આવ્યા નથી. લગભગ અડધો ગ્રંથ તેમનું સર્જન છે. આ ઉપરાંત તેમનું ‘સુખમની’ સુદીર્ઘ કાવ્ય છે. ગુરુ ગોવિંદસિંહના ‘દશમ ગ્રંથ’માં ‘ચડી દી વાર’ એકમાત્ર પંજાબી કૃતિ છે. તેમાં દેવી દુર્ગા અને દૈત્યો વચ્ચે થયેલા યુદ્ધનું વર્ણન છે. તે સિવાય ભાઈ ગુરુદાસ(1558-1637)ની વાણીને ગુરુમત સાહિત્યની અંતર્ગત માન્યતા આપવામાં આવી છે. તેમની રચનાઓ વ્રજ ભાષા ઉપરાંત શુદ્ધ પંજાબીમાં છે. વારનાં કાવ્યોને નામે ઓળખાતાં અને પ્રત્યેક કાવ્યમાં 20થી 30 કડીઓ હોય તેવાં ચાલીસ જેટલાં સુદીર્ઘ કાવ્યો પણ તેમણે રચ્યાં છે.
સૂફી કવિઓમાં લુત્ફ અલીની રચના ‘સૈફુલમલૂક’ સંવેદના અને વૈરાગ્યની ભાવનાથી સભર છે. શાહ હુસ્સેન લાહોરી (1538-1599) તેમની નિરપેક્ષ પ્રેમની કાફીઓથી જાણીતા છે. સુલતાન બાહુએ (1629-1690) ‘સિરફિયૉ’માં ગુરુકૃપા, અહંકારત્યાગ અને આત્મચિંતનનાં પદો અને કાફીઓની રચના કરી છે. આ તત્વચિંતક કવિને એવી દુનિયામાં જવું છે જ્યાં ‘હું-મારું’ના કલહ કે વૈમનસ્યનું અસ્તિત્વ ન હોય. તેમની કાફીઓમાં રૂપકો દ્વારા ‘હકીકી’નાં રહસ્યો પ્રગટ થયાં છે. બુલ્લેશાહ પ્રેમ, સાધના અને મિલનના કવિ છે. અલી હૈદર (1690-1785) સિરફિયૉ અને કાફીઓના દાર્શનિક કવિ છે. અન્ય સૂફી કવિઓમાં વજીદ, ફરીદ, ગુલામ જીલાની, હાશિમ, બહાદુર વગેરે છે.
પંજાબી લોકસાહિત્ય વાર-તહેવાર અને શૃંગારપ્રધાન ઘટનાઓના સંદર્ભમાં રચાયેલું છે. આમાં હીર-રાંઝાની કથા જૂની અને સુપ્રસિદ્ધ છે. વારિસ શાહ(1735-1781)ની શ્રેષ્ઠ રચના ‘હીર’ છે. આ રીતે ‘મિરઝા સાહિબા’ની પ્રેમકથા પર પીલુએ કાવ્યસર્જન કર્યું છે. હાફિઝ બરખુદારે પુન: ‘મિરઝા સાહિબા’ ઉપરાંત ઇજિપ્તનાં ‘યૂસુફ-જુલેખાં’ અને બલૂચિસ્તાનના ‘સસ્સી પુન્નૂ’ વિશે પ્રેમકથા આલેખી છે. ભાવની સૂક્ષ્મ અભિવ્યક્તિના અદ્વિતીય કવિ હાશિમ(1753-1823)ની ‘સસ્સી’ પણ પ્રેમકથા છે. આ કાવ્ય ઉપર ફારસીના ‘શીરીં-ફરહાદ’ અને ‘લૈલા-મજનૂં’ની સીધી અસર જણાય છે. અહમદ યાર(1768-1845)ની કૃતિઓમાં ‘હીર-રાંઝા’, ‘સસ્સી પુન્નૂ’, ‘કામરૂપ’, ‘રાજબીબી’, ‘ચંદર બદન’ વગેરે છે. અમામબક્ષની ‘બહરામગોર’ નોંધપાત્ર કાવ્યકૃતિ છે. કદિરયારે ‘પૂરન ભગત’, ‘હરિસિંહ નલવા દિમંત’ અને ‘રાજારસાલૂ’ એ કાવ્યરચનાઓ આપી છે. શાહ મોહમ્મદે અંગ્રેજ-શીખ વિગ્રહને અનુલક્ષીને દેશાભિમાનનું કાવ્ય લખ્યું છે. ફઝલ શાહે ‘સોહની-મહિવાલ’ની કથાને ફારસીની અસર નીચે કાવ્યમાં ઢાળી છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધની પંજાબી કવિતા લાગણીઓનું દમન સૂચવતી અને પલાયનવૃત્તિમાં રાચતી આધ્યાત્મિક પ્રકારની છે. પંજાબની ‘સિંહસભા’ની વિચારસરણીને લીધે, કવિતા અને ગદ્ય સામાજિક અને ધાર્મિક સુધારણા તરફ વળે છે. આ સમયના મુખ્ય સાહિત્યકાર આ સમયના મુખ્ય સાહિત્યકાર ભાઈ વીરસિંઘે (1872-1957) ઐતિહાસિક પ્રણયકથા આલેખતી નવલકથા ‘સુંદરી’ લખી છે. એમના પછી બિજાઈ સિંઘ (1897) અને સતવંત કૌર (1900) એ પણ ઐતિહાસિક પ્રેમકથા લખી. મુઘલ સામ્રાજ્ય સાથેના શીખોના સંઘર્ષની એ બધી વીરગાથાઓ છે. તેમની ‘બાબા નોઢસિંહ’ (1946) હિંદુ વિધવાને કેન્દ્રમાં રાખીને લખાયેલી સામાજિક નવલકથા છે. મોહનસિંહ વૈદે (1881-1936) મધ્યમવર્ગનાં સામાજિક વલણોને દર્શાવતી નવલકથાઓ લખી છે. ચરણસિંઘ સાહીદે (1881-1939) પણ ભાઈ વીરસિંઘની ધારામાં નવલકથાઓનું લેખન કર્યું, હાલેર કૌર અને રણજિત કૌર એમની જાણીતી કૃતિઓ છે. ભાઈ વીરસિંહ આધુનિક પંજાબી કવિતાના જનક ગણાય છે. ‘રાણા સૂરતસિંહ’ તેમનું નોંધપાત્ર કાવ્યસર્જન છે. તેમનાં ટૂંકાં કાવ્યો ‘માતક હુલારે’, ‘લહરૉ દી હાર’, ‘બિજલિયૉ દી હાર’ સંગ્રહોમાં પ્રસિદ્ધ થયાં છે. ‘મેરે સાયૉ જીઓ’ તેમની જીવનસંધ્યાએ લખાયેલાં કાવ્યો છે.
બિહારીલાલ પુરી અને બિશનદાસ પુરીએ પંજાબી ભાષાના વ્યાકરણનાં પુસ્તકો લખ્યાં છે. તેમણે અન્ય પાઠ્યપુસ્તકોનું સંપાદન પણ કર્યું છે. બ્રિજલાલ શાસ્ત્રીએ સંસ્કૃત પરંપરામાં ‘સાવિત્રી સુકનિયા’, ‘પ્રતિજ્ઞા વાસવદત્તા’ અને ‘પૂરણ ભગત’ નાટકો રચ્યાં છે. ધનીરામ ‘ચાત્રિકે’ (1876-1954) શિષ્ટ હિંદુ પરંપરામાં પરંતુ આધુનિક સ્વરૂપમાં ‘ચંદન વારી’, ‘કેસર કિયારી’, ‘સૂફીખાના’, ‘નવા જહૉ’ જેવી કૃતિઓ રચી છે. 1968માં ‘યાત્રિક પુષ્પમાલા’ પ્રસિદ્ધ થયેલ. એમના અભિનંદન ગ્રંથમાં ચાર અપ્રસિદ્ધ પુસ્તકો પ્રગટ થયાં છે. એમાં એક વાર્તાસંગ્રહ છે. પંજાબી સાહિત્યમાં વાસ્તવવાદનો આરંભ એમણે કર્યો હોવાનું મનાય છે. 1913માં એમણે ‘દુલ્હન’ નામક એકાંકી લખ્યું હતું. જે નોરા રિચાર્ડ્સ દ્વારા યોજાયેલ નાટ્યસ્પર્ધા નિમિત્તે લખાયેલું. ઈશ્વરચંદ્ર નંદા પૂર્વે પંજાબમાં ‘નૌટંકી’ અને ‘રામલીલા’ જેવા નાટ્યપ્રયોગો હતા.
નંદા પછી બાવા બુધસિંઘ અને ભાઈ વીરસિંઘે નાટકો લખ્યાં. નંદાલિખિત ‘સુભદ્રા’ નાટક ભજવાયું પણ હતું. શૅક્સપિયરના ‘મરચન્ટ ઑફ વેનિસ’ની અસર તળે તેમણે ‘શામી શાહ’ નાટક લખ્યું હતું. એ પછીના ગાળામાં ક્રિયા સાગરે મહારાજા રણજિતસિંઘના જીવન પર આધારિત ત્રિઅંકી નાટક રચ્યું હતું. પારસ નાટ્યશૈલીની અસર એ નાટક પર હતી. વીસમી સદીમાં મેશુઆ ફઝેલ દિને સમાજના ઉત્કર્ષ માટે નાટ્યસર્જન કરેલું. પ્રગતિશીલ લેખકોની ચળવળના ભાગ રૂપે પંજાબી ભાષા નાટકો લખાયાં. સંત સિંઘ સેખોન લિખિત ‘છ ઘર’ (1941)માં સામાજિક નિસબત છે. એમનું પૂર્ણ કદનું નાટક ‘કલાકાર’ ખૂબ લોકપ્રિય બન્યું છે.
નિબંધ : અન્ય સ્વરૂપોની જેમ નિબંધ પણ પંજાબીમાં પશ્ચિમી અસરથી લખાયા છે. ભાઈ બિહારીલાલ પુરી પ્રારંભના નિબંધકાર છે. ભાઈ વીરસિંઘ, ભાઈ જોધ સિંઘ અને પુરણ સિંઘ સાહિબ સિંઘ વીસમી સદીના મહત્વના નિબંધકારો છે. તેજા સિંઘ સારા નિબંધકાર છે. આ નિબંધકારોએ ધર્મને તત્વજ્ઞાનને કેન્દ્રમાં રાખી નિબંધોનું લેખન કર્યું છે. પુરણ સિંઘના નિબંધોની શૈલી કાવ્યાત્મક છે. હળવા નિબંધમાં હરીન્દ્રસિંઘ રૂપ સુવિખ્યાત છે. એ ધારામાં લાલ સિંઘ કમળા અકાલી, જ્ઞાતી ગુર્દિત સિંઘ અને સુબા સિંઘ ગુરનામ સિંઘ આવે છે. સ્વાતંત્ર્યાંતર નિબંધકારોમાં તરન સિંઘ, વમીર સિંઘ, રતન સિંઘ, જગ્ગી, હરભજન સિંઘ, જસબીર સિંઘ, આહુવાલિયા, અત્તાર સિંઘ, એસ. એસ. કોહલી અને એસ. સ. ઉપ્પલ નોંધપાત્ર છે.
કિરપા સાગર(1875-1939)નું ‘લક્ષ્મીદેવી’ સુદીર્ઘ વર્ણનાત્મક કાવ્ય છે. તેમનું દીર્ઘ નાટક ‘મહારાજા રણજિતસિંહ’ છે.
અકાલી ચળવળ અને કૉંગ્રેસ તથા સામ્યવાદની વિચારસરણીની અસર નીચે લખનાર કવિઓ ફીરોઝ દીન ‘શર્ફ’ (1889-1955) અને ગુરમુખ સિંહ ‘મુસાફિર’ (1899-1975) છે. કવિ હીરાસિંહ ‘દર્દ’નું વલણ સામ્યવાદતરફી છે.
પંજાબી નાટ્યસાહિત્યની શરૂઆત ઈશ્વરચંદ્ર નંદાએ (1892-1967) ‘સુભદ્રા’થી કરી. ‘વરગૃહ’ અને ‘શમુશાહ’ એમનાં અન્ય નાટકો છે. પંજાબી સામાજિક નવલકથા નાનકસિંહ(1897-1972)ની ‘ચિત્ત લહુ’થી શરૂ થાય છે. તેમની અન્ય નવલકથાઓ ‘ફૌલાદી ફૂલ’, ‘ગરીબ દી દુનિયા’, ‘પિયાર દી દુનિયા’, ‘ખૂન દી સોહિલે’, ‘આગ દી ખેદ’, ‘આદમખોર’, ‘ચિત્રહાર’, ‘ઇક મિયાન દો તલવારૉ’ છે. ભારત-પાકિસ્તાન યુદ્ધ વિશે તેમણે ‘ગગન દમામા બજિયા’ (1966) નવલકથા આપી. તેમની છેલ્લી કૃતિ ‘કોઈ હરિયા બુત રદિયો રી’ પંજાબમાં સર્વત્ર ફેલાયેલી રુશવત-બદીની વાત કરે છે. માસ્ટર તારા સિંઘે (188-1968) ‘પ્રેમ લગન’ અને ‘બાબા તેઘસિઁઘ’ એ બે નવલકથા આપી છે. નિરંજન સિંઘ, રુપલાલ, ઈશ્વરચંદ્ર નંદા, ગુરુબક્ષ સિંઘ, યોગીન્દ્ર સિંઘ, જોસુખા ફાસલ, જસવંત સિંઘ કનલાલ, ગુરુદયાલ સિંઘ, સોહન સિંઘ ઇત્યાદિ નવલકથાકારોએ પંજાબી નવલકથામાં પોતાનું યોગદાન આપ્યું છે. પંજાબી નવલકથામાં વાસ્તવવાદની અસર સુરિન્દ્ર સિંઘે નવલકથામાં પ્રયોગ કર્યા. કરતાર સિંઘ દુગ્ગરે પણ ટૂંકી વાર્તા સાથે નવલકથાના સ્વરૂપમાં કામ કર્યું છે. અહીં અમૃતા પ્રીતમને યાદ કરવા પડે. તો સુરજિત સિંઘ સેઠીનું સ્મરણ કરવું જ પડે. નારીવાદ દલિપ કૌર દીવાનાની નવલકથામાં દેખા દે છે. લોકકથા અને ઐતિહાસિક પ્રણકથાથી આરંભાયેલી પંજાબી નવલકથા બદલાનાં પ્રવાહ પ્રમાણે બદલાતી રહી છે. સામાજિક ચેતના પણ આવી અને ગાંધીવિચારધારાનો પ્રભાવ પણ ઝીલ્યો. વીસમીના અંત સુધીમાં પંજાબી નવલકથા અનેક રૂપે વિકસતી ગઈ. સામાજિક નવલકથાકાર ગુરબક્ષસિંહની નોંધપાત્ર કૃતિઓમાં ‘સૉવિન પઢારી જિંદગી’, ‘પરમ માનુખ’, ‘જિંદગી દી રાસ’, ‘નવન શિવાલા’ છે. તેમની ટૂંકી વાર્તાઓના સંગ્રહો ‘અનોખે તે ઇકલે’, ‘ભાભી મૈના’ અને ‘પ્રીતન દી પહરેદાર’ છે.
પંજાબના અગ્રણી કવિ મોહનસિંહ(1906-1978)ની નોંધપાત્ર કૃતિઓમાં ‘સાવે પત્તર’, ‘કસુંભરા’, ‘અધવાટે’ એ કાવ્યસંગ્રહો છે.
અમૃતા પ્રીતમ(1919)ના ‘અમૃત લેહરૉ’, ‘જીઉન્દા જીવન’, ‘ત્રેણ ધોલે ફૂલ’, ‘ગીતૉ વાલિયૉ’, ‘બાદલૉ દે પલ્લે વિચ’, ‘સાંઝ દી લાલી’ અને ‘લોક પીર’ કાવ્યસંગ્રહો છે. તેમણે ‘પાથેર ગીતે’માં પુરુષના સ્ત્રી પ્રત્યેના ક્રૂર વર્તાવની વાત કરી છે. તેમણે દેશને સ્વતંત્રતા મળ્યા પછીની કરુણ અસરોની અને નિર્વાસિતોની પરિસ્થિતિની રજૂઆત કરી છે. આની રજૂઆત ‘લમીઆનવતન’ અને ‘સરધીવેલા’માં પણ થઈ છે. તેમના ‘સુનહરે’, ‘અશોક ચેટી’, ‘નાગમણી’ અને ‘કાગઝતે કૅનવાસ’ – એ કાવ્યસંગ્રહોમાં અસ્તિત્વવાદની અસર સ્પષ્ટ વરતાય છે.
વીસમી સદીના ઉત્તરાર્ધમાં સંતોકસિંહ ધીર, હરભજનસિંહ, પ્રભજોત કોર, સોહનસિંહ મિશા જેવા કવિઓનાં નામ નોંધપાત્ર છે. શિવકુમાર (1936-1973) મોટા ગજાના કવિ છે. તેમના કાવ્યસંગ્રહોમાં ‘પિરન દ પરાગા’, ‘લાજવંતી’, ‘મૈંનુ વિદા કરો’, ‘આતે દિયૉ શિરિયન’ છે. તેમનું પદ્યનાટક ‘લુના’ ગ્રીકરોમન કૃતિઓની સ્પષ્ટ અસર તળે લખાયેલું છે. તેમની છેલ્લી કૃતિ ‘મૈં તે મૈં’ તેમના સ્વાનુભવની કથા છે. પરદેશમાં વસતા છતાંય પંજાબી ભાષામાં ગદ્ય-પદ્યક્ષેત્રે યોગદાન આપતા રવિંદરસિંહ ગિલ અને અજીબ કમાલનાં નામ નોંધપાત્ર છે. કેટલાક નીવડેલા નવલકથાકારોમાં સુરિન્દરસિંહ નરુલા, જસવંતસિંહ કઁવલ, નરિંદર પાલસિંહ, સોહનસિંહ સિતલનાં નામ ગણાવી શકાય. અમૃતસરના સુરિન્દરસિંહ નરુલાની ‘પિયો પુત્તર’ અને ‘રંગમહલ’ જેવી શહેરી જીવનની નવલકથાઓ અને સોહનસિંહની ‘રાત બાકી હૈ’ જેવી નવલકથામાં ગ્રામજીવનનું હૂબહૂ દર્શન થાય છે. પંજાબની સ્ત્રીનું તેમણે આલેખેલું ચરિત્ર ‘શક્તિ’, ‘ત્રિયાજાલ’ જેવી નવલકથાઓમાં જોવા મળે છે. દિલીપકોર ટિવાણા અને ગુરદિયાલ સિંહ પણ નવલકથાના સર્જકો છે. આ સમયના નાટ્યકારોમાં કરતારસિંહ દુગ્ગલ, હરચરણસિંહ, સંતસિંહ શેખોન, બલવંત ગાર્ગી, હરસરનસિંહ, કપૂરસિંહ ગુમાન, સુજનસિંહ, સંતસિંહ શેખોન, સંતોક ધીરનાં નામ નોંધપાત્ર છે. ઉપરાંત કરતારસિંહ દુગ્ગલ, કુલવંતસિંહ વિર્ક, સરજિતસિંહ સેઠી અને ગુલઝારસિંહ સંધુ વગેરેનું ટૂંકી વાર્તા અને નવલકથાક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન છે.
વિ. પ્ર. ત્રિવેદી