પંચાસરા પાર્શ્વનાથનું મંદિર : ઈ. સ.ની નવમી સદીમાં વનરાજે બંધાવેલ પ્રસિદ્ધ મંદિર. અણહિલવાડ પાટણના સ્થાપક વનરાજે પોતાના ગુરુ શીલગુણસૂરિના આદેશથી પાટણમાં શ્રી પંચાસરા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું હતું, એ ઘટના ઇતિહાસ-પ્રસિદ્ધ છે. આ મંદિરનો વખતોવખત ર્જીણોદ્ધાર થયેલો છે. બાવન જિનાલય ધરાવતા આ ભવ્ય મંદિરનો સળંગસૂત્ર વૃત્તાન્ત સાહિત્ય અને ઉત્કીર્ણ લેખોમાં જે પ્રકીર્ણ ઉલ્લેખો મળે છે એ બધાને આધારે જ પ્રાપ્ત થાય છે. પાટણની સ્થાપના ઈ. સ. 846માં થઈ હતી. એટલે ત્યારપછી થોડા સમયમાં આ મંદિર બંધાયું હશે.
પાટણનગરીની મધ્યમાં આવેલ આ ભવ્ય જિનાલયમાં 24 તીર્થંકરો સહિત 86 પ્રતિમાઓ આવેલી છે. મંદિરના પ્રવેશદ્વાર પાસેના ગવાક્ષો પૈકી દક્ષિણ બાજુ હેમચંદ્રાચાર્યની, ઉત્તર બાજુ આશાક મંત્રીની, બીજા ગવાક્ષોમાં પાર્શ્વયક્ષ અને સામે યક્ષિણી પદ્માવતીની મૂર્તિ છે. ત્રીજા ગવાક્ષમાં શીલગુણસૂરિ અને તેની સામેના ગવાક્ષમાં વનરાજની પ્રાચીન મૂર્તિઓ આવેલી છે.
આ મંદિરમાં પ્રવેશદ્વાર આગળનો ઘુમ્મટ કલામય છે. તેના સ્તંભોમાં દિક્પાલો, વિદ્યાદેવીઓની મૂર્તિઓ મૂકેલી છે. ઘુમ્મટના ઉપરના ભાગમાં સંવર્ણા, તેની ચારે તરફ ઝરૂખા અને ફરતાં દેવ-દેવીઓનાં સુંદર શિલ્પો કંડારેલાં છે. તેને ફરતી છ પ્રવેશચોકીઓ છે.
આગળ જતાં વિશાળ નૃત્યમંડપ આવે છે. તેની આગળ ત્રણ ચોકીઓ છે. તેની છત કોતરણીયુક્ત છે અને દીવાલો ઉપર ચૌદ સ્વપ્ન અને અષ્ટમંગલ કોતરેલાં છે. અંદર પ્રવેશતાં ગૂઢમંડપ છે. તેમાં પૂર્વે ત્રણ પ્રવેશદ્વારો અને ઉત્તર-દક્ષિણમાં એક એક દ્વાર છે. નૃત્યમંડપ અને ગૂઢમંડપના ઘુમ્મટો કોતરકામથી અલંકૃત છે. પદ્મશિલા, તીર્થંકરો, વિદ્યાધરો, હંસપંક્તિ, વૃષભ, હસ્તી, અશ્વ, ગ્રાસમુખ વગેરે પંક્તિબદ્ધ કંડારેલાં છે.
ગૂઢમંડપ અને ગર્ભગૃહની વચ્ચે અંતરાલના પડખેના ગવાક્ષોમાં પ્રતિમાઓ છે. ગર્ભગૃહનાં ત્રણ પદ છે, જેમાં મધ્યમાં મૂળનાયક શ્રી પંચાસરા પાર્શ્વનાથની સપરિકર પ્રતિમા છે. તેની દક્ષિણ બાજુ મહાવીર સ્વામી અને ઉત્તરબાજુ ચંદ્રપ્રભસ્વામીની પ્રતિમાઓ છે. ગર્ભગૃહની દ્વાર-શાખાઓ અને ઉત્તરાંગોમાં સોળ વિદ્યાદેવીઓ તથા જૈન પ્રતિહારોનાં સ્વરૂપો મૂકેલાં છે.
ગર્ભગૃહ તથા મંડપોની બહારની દીવાલોનાં થરો શિલ્પો અને કોતરકામથી વિભૂષિત છે. મંડપો અને ચોકીઓ તથા સંવર્ણામાંની અનેક દેવ-દેવીઓનાં શિલ્પો છે.
ગર્ભગૃહ તથા દેરીઓ ઉપર કળાથી અલંકૃત સુંદર શિખરો કરેલાં છે. મુખ્ય શિખરમાં એક મજલો (ભૂમિ) છે અને ફરતા મધ્યમાં ઝરૂખાઓ છે. પ્રાસાદની પીઠિકા ઊંચી છે, જેની નીચે ભૂમિગૃહ છે.
મુખ્ય પ્રાસાદને ફરતી એકાવન દેરીઓ છે. ગર્ભગૃહ અને શિખરયુક્ત દેરીઓ વિવિધ પ્રકારના કોતરકામથી શણગારેલી છે. દરેક દેરીના શિખરના મધ્યમાં એક મજલો અને ફરતા મધ્યમાં ઝરૂખા છે.
આ પ્રમાણે અદભુત કારીગરીવાળું આ સંપૂર્ણ બાવન જિનાલય છે.
રામજીભાઈ ઠા. સાવલિયા