પંચાસર : પાટણની સ્થાપના પૂર્વેની ચાવડા વંશના રાજા જયશિખરીની રાજધાની. તાલુકામથક સમીથી તે 35 કિમી. અને ચાણસ્માથી 13 કિમી. દૂર વઢિયાર પ્રદેશમાં રૂપેણના કાંઠે આવેલું છે.
ઈ. સ.ના સાતમા સૈકાના અંતભાગમાં ચાવડા વંશનો જયશિખરી અહીં રાજ કરતો હતો. ગુજરાતની સમૃદ્ધિનાં વખાણ સાંભળીને કલ્યાણકટકના રાજા ભૂવડના સામંત મિહિરે અને પછી ભૂવડે પંચાસર ઉપર ચડાઈ કરી હતી. જયશિખરીના મૃત્યુના સ્થળે ભૂવડે ‘ગુર્જરેશ્વર’નું મંદિર બંધાવ્યું હતું. વનમાં રહેતા જયશિખરીના બાળપુત્રનાં સામુદ્રિક લક્ષણો જોઈને તથા રાણી પાસેથી વિગત જાણીને શીલગુણસૂરિએ તેમને ઉપાશ્રયમાં આશ્રય આપ્યો. વનરાજ પુખ્ત વયનો થતાં પ્રતીહાર રાજાના સૂબાને તેણે હરાવ્યો અને આગળ જતાં પાટણની તેણે સ્થાપના કરી. સૂરિ દ્વારા પંચાસરથી લવાયેલ પાર્શ્વનાથની પ્રાચીન મૂર્તિ હાલ પાટણમાં ધીમટામાં આવેલ પાર્શ્વનાથના નવા મંદિરમાં છે.
મુસ્લિમ ઇતિહાસકારોના જણાવ્યા પ્રમાણે સિંધના સૂબા જુનૈદે ઈ. સ. 725માં પંચાસર ઉપર ચડાઈ કરી હતી. ત્યારબાદ યોગરાજે પંચાસરનો પુનરુદ્ધાર કર્યો હતો.
પંચાસરમાં હાલ પુનરુદ્ધાર કરાયેલ ભૂતેશ્વર મહાદેવ તથા વિશ્વેશ્વરનાં મંદિરો તથા તળાવ છે.
શિવપ્રસાદ રાજગોર