પંચમહાભૂત સિદ્ધાંત : આ સૃષ્ટિ(જગત)ની ઉત્પત્તિ સંબંધી ભારતીય સંસ્કૃતિના પ્રાચીન ઋષિ-મુનિઓની સાંખ્ય મતાનુસાર માન્યતા. તેને આયુર્વેદના ચરક અને સુશ્રુત બંનેએ સ્વીકારેલ છે.
સૃષ્ટિક્રમ : સમગ્ર સૃષ્ટિ 24 (અન્ય મતે 25) તત્વોથી બની છે. સર્વપ્રથમ પુરુષ-સંયોગી પ્રકૃતિ ઉત્પન્ન થાય છે. પ્રકૃતિ સત્વ, રજસ અને તમસ્ આ ત્રણ ગુણોવાળી હોય છે. આવી પ્રકૃતિમાંથી સર્વપ્રથમ મહત્વ (બુદ્ધિ) ઉત્પન્ન થયું. તે ત્રિગુણાત્મક બુદ્ધિ કે મહતમાંથી અહંકારની ઉત્પત્તિ થઈ. આ અહંકાર પણ સત્વ, રજસ તથા તમસ એવા ત્રણ ગુણોથી યુક્ત હોય છે.
મુખ્યત્વે સાત્ત્વિક અહંકાર અને અમુક ભાગ રાજસ અહંકાર(તથા અલ્પાંશે તમોગુણ)ની મદદથી 11 ઇંદ્રિયો ઉત્પન્ન થઈ. તે 11 ઇંદ્રિયો આ પ્રમાણે છે : કાન, ત્વચા, આંખ, જીભ, નાક, વાચા (જીભ), હાથ, ઉપસ્થ (લિંગ), ગુદા, પગ અને મન. આમાં પ્રથમ પાંચ ઇંદ્રિયોને ‘જ્ઞાનેન્દ્રિય’ તથા પછીની પાંચને ‘કર્મેન્દ્રિય’ કહે છે, જ્યારે ‘મન’ને ઉભયેન્દ્રિય (જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય) કહેલ છે.
મુખ્યત્વે તામસ અહંકાર, મધ્યમાંશે રાજસ અહંકાર અને અલ્પાંશે સાત્ત્વિકના સંમિશ્રણથી પાંચ તન્માત્રાઓ ઉત્પન્ન થઈ. આ પાંચ તન્માત્રાઓ છે : શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ.
આ પાંચેય તન્માત્રાઓમાં એક એક વિશેષ ગુણ રહેલ છે; જેમ કે,
શબ્દ તન્માત્રાનો વિશિષ્ટ ગુણ છે – શબ્દ (અવાજ),
સ્પર્શ તન્માત્રાનો વિશિષ્ટ ગુણ છે – સ્પર્શ,
રૂપ તન્માત્રાનો વિશિષ્ટ ગુણ છે – રૂપ (રંગ : આકાર),
રસ તન્માત્રાનો વિશિષ્ટ ગુણ છે – રસ (સ્વાદ)
અને
ગંધ તન્માત્રાનો વિશિષ્ટ ગુણ છે – ગંધ.
આ પાંચેય તન્માત્રાઓમાં પણ તેમની આદિ જનેતા પ્રકૃતિમાં રહેલ સત્વ, રજસ અને તમસ ગુણો ઓછાવત્તા અંશે રહેલા હોય છે.
પંચમહાભૂતોની ઉત્પત્તિ : આ પાંચ તન્માત્રાઓ એક એક ‘મહાભૂત’ની જન્મદાતા છે. સ્થૂલ દૃષ્ટિએ જેને ‘પાંચ મહાભૂતો’ કહે છે અને સામાન્ય લોકદૃષ્ટિએ જેને આ જગતનાં ઉત્પાદક પાંચ મુખ્ય કારણ-તત્વો કહે છે, તેમની ઉત્પત્તિ આ તન્માત્રાઓમાંથી નીચે મુજબ થઈ છે (સાંખ્યદર્શન મુજબ) :
શબ્દ તન્માત્રામાંથી આકાશ મહાભૂત,
સ્પર્શ તન્માત્રામાંથી વાયુ મહાભૂત,
રૂપ તન્માત્રામાંથી અગ્નિ મહાભૂત,
રસ તન્માત્રામાંથી જલ મહાભૂત અને
ગંધ તન્માત્રામાંથી પૃથ્વી મહાભૂત ઉત્પન્ન થયાં છે.
આ મહાભૂતોનો ઉત્પત્તિક્રમ આ મુજબ છે : પ્રથમ આકાશ, તેમાંથી વાયુ, તેમાંથી અગ્નિ, અગ્નિમાંથી જલ અને છેવટે જલમાંથી પૃથ્વી મહાભૂત પેદા થયાં. આ પાંચેય તત્વોનો નિયમ ‘પંચમહાભૂત સિદ્ધાંત’ નામથી ઓળખાય છે.
મહાભૂતોના ગુણો : દરેક મહાભૂતમાં તેના પૂર્વના જનક તન્માત્રામાં રહેલ વિશેષ ગુણો આવેલ હોય છે; જેમકે, શબ્દ તન્માત્રામાંથી ઉત્પન્ન આકાશ મહાભૂતમાં ‘શબ્દ’ ગુણ આવે છે. સ્પર્શ તન્માત્રામાંથી ઉત્પન્ન વાયુ મહાભૂતમાં ‘શબ્દ’ (અવાજ) અને ‘સ્પર્શ’ બંને ગુણો ઊતરે છે. રૂપ તન્માત્રામાંથી ઉત્પન્ન અગ્નિ મહાભૂતમાં શબ્દ, સ્પર્શ અને રૂપ – ત્રણેય ગુણો હોય છે. રસ તન્માત્રામાંથી પેદા થયેલ જલ મહાભૂતમાં શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ આ ચાર ગુણો હોય છે. જ્યારે ગંધ તન્માત્રામાંથી જન્મેલ પૃથ્વી મહાભૂતમાં તેની આગળના મહાભૂત(તન્માત્રા)ના શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ આ ચાર ઉપરાંત પોતાનો ‘ગંધ’ ગુણ હોય છે.
આમ (પુરુષસંયોગી) પ્રકૃતિ મહત્ (બુદ્ધિ), અહંકાર, 11 ઇંદ્રિયો, 5 તન્માત્રાઓ અને 5 મહાભૂતો બધાં મળી 24 તત્વોને મૂળ કારણ પ્રકૃતિનાં કાર્યો કહે છે. આ 24 તત્વોમાં પચ્ચીસમો પ્રાણ ઉમેરાતાં તે પચ્ચીસ તત્વોનો બાંધો થાય છે. જેણે જન્મ લીધો છે, તે આ તત્વોનું એક સંયોગી સ્વરૂપ હોય છે. તેને આયુર્વેદમાં ‘પુરુષ’ કહેલ છે; જે નામ માનવ, પશુ તથા વૃક્ષાદિના સંદર્ભમાં વપરાયેલ છે.
પંચમહાભૂતોનું મહત્વ : ભારતીય તત્વચિંતકો અને લોકકવિઓ-ભક્તો બધા જ આયુર્વેદોક્ત પંચમહાભૂતોના સુમેળથી આપણો આ દેહ ઉત્પન્ન થયો છે તેમ માને છે. આયુર્વેદ તો સ્પષ્ટ કહે છે : ‘આ સૃષ્ટિની તમામ જડ અને ચેતન સૃષ્ટિમાં આ પાંચ મહાભૂતો વત્તાઓછા અંશે વિદ્યમાન હોય જ છે.’ હિન્દુ ધર્મની પ્રચલિત માન્યતા અનુસાર પંચમહાભૂતોમાંથી જ પિંડ (દેહ) અને જગતનાં બધાં દ્રવ્યોની ઉત્પત્તિ થઈ છે. ભારતમાં પંચમહાભૂત સિદ્ધાંત સર્વસ્વીકાર્ય છે.
દરેક પ્રાણી(માનવ)ના શરીરમાં આ પાંચ મહાભૂતરૂપી તત્વો જો સપ્રમાણ રહે, તો વ્યક્તિ ‘સ્વસ્થ’ રહે છે. પરંતુ તેના કુદરતી પ્રમાણમાં જો કંઈ વધ-ઘટ થાય તો ‘રોગ’ પેદા થાય છે.
મહર્ષિ ચરક અને સુશ્રુત બંનેએ તમામ આહાર અને ઔષધ (જડ અને ચેતન) દ્રવ્યોને ‘પંચભૌતિક’ માન્યાં છે; એટલું જ નહિ, મન અને સૂક્ષ્મ ઇંદ્રિયોને પણ આયુર્વેદે ‘પંચભૌતિક’ કહી છે.
મહાભૂતોમાં ત્રિગુણાત્મકતા : પંચભૌતિક પદાર્થમાં સત્વ, રજસ અને તમસ આ ત્રણ ગુણો ન્યૂનાધિકપણે રહે છે. આકાશ મહાભૂતમાં સત્વગુણ, વાયુમાં રજોગુણ, અગ્નિ કે તેજ મહાભૂતમાં સત્વ અને રજોગુણ, જલ મહાભૂતમાં સત્વ અને તમસ્ ગુણ તથા પૃથ્વી મહાભૂતમાં તમોગુણની પ્રધાનતા (બહુલતા) હોય છે.
પંચમહાભૂતોનું સંક્ષિપ્તીકરણ : આયુર્વેદવિજ્ઞાને ચિકિત્સા તથા નિદાનકાર્ય વધુ સરળ-સહેલું બનાવવા માટે, પાંચ મહાભૂતોનો ત્રણ તત્વોમાં સંક્ષેપ કર્યો છે. અર્થાત્ જે બે મહાભૂતો સમાન ગુણ-ધર્મ ધરાવતા હતા, તેમને બેમાંથી એક બનાવી, તેને નવું નામ આપ્યું છે. જેમ કે : આકાશ અને વાયુ મહાભૂતના સમન્વયને ‘વાયુદોષ’ નામ આપ્યું અને જલ તથા પૃથ્વી મહાભૂતનો સમન્વય કરી તેને ‘કફદોષ’ એવું નામ આપ્યું. અગ્નિ મહાભૂતમાંથી થનારા દેહતત્વને તેમણે ‘પિત્તદોષ’ એવું નામ આપ્યું. આમ વાયુ, પિત્ત અને કફ આયુર્વેદ વિજ્ઞાનનાં ત્રણ મૂળભૂત દેહતત્વો છે. આ ત્રણ તત્વો શરીરના સ્વાસ્થ્યના ખાસ આધારભૂત છે. જો આ ત્રણ તત્વો સમતોલ રહે, સમપ્રમાણ રહે કે અવિકૃત રહે તો મનુષ્ય શરીરથી તંદુરસ્ત રહે છે, પરંતુ આ તત્વો જો અસમતોલ થાય, અસમ પ્રમાણનાં થાય કે વિકૃત બને તો પછી મનુષ્ય ‘રોગી’ બને છે. દેહના મૂળ આધારરૂપ આ ત્રણ તત્વોને આયુર્વેદે ‘ત્રિદોષ’ સંજ્ઞા આપી છે, કારણ આ તત્વો બગડે કે દૂષિત થાય તો તે શરીરની બીજી ધાતુઓ, મળો અને અંગોને દૂષિત કરે છે. તેથી જે બીજાંને દૂષિત કરે છે, તે ત્રિતત્વોને ‘દોષ’ સંજ્ઞા આપી છે.
સત્વ, રજસ અને તમસને આયુર્વેદે મનના ત્રણ ગુણો કહ્યા છે. આયુર્વેદવિજ્ઞાને પંચમહાભૂતનો સિદ્ધાંત મૂળમાં સ્વીકાર્યો છે; પણ ચિકિત્સાવ્યવહારમાં રોગનિદાન, ચિકિત્સા, ઔષધ-પરિચય, શરીરક્રિયા-વિજ્ઞાન આદિની સરળ સમજૂતી માટે પાંચમાંથી સંક્ષેપ કરેલ વાયુ, પિત્ત અને કફરૂપી ત્રણ તત્વો કે જેને આયુર્વેદે ‘દોષ’ (દૂષિત થઈ રોગ કરે છે, તે દોષ) સંજ્ઞા આપી છે તેનો વધુ ઉપયોગ કરેલો છે.
જ્ઞાનેન્દ્રિયોમાં પંચભૌતિકતા : માનવશરીરની જ્ઞાનેન્દ્રિયોમાં પણ પંચમહાભૂતો છે. દરેક ઇંદ્રિયમાં એક મહાભૂતની પ્રધાનતા હોય છે; જેમ કે : આંખમાં અગ્નિ (તેજ) મહાભૂત, કાનમાં આકાશ મહાભૂત, નાકમાં પૃથ્વી મહાભૂત, જીભમાં જલ મહાભૂત અને ત્વચા(સ્પર્શેન્દ્રિય)માં વાયુ મહાભૂત મુખ્યત્વે રહે છે.
દેહમાં પંચમહાભૂતો : આપણા માનવ કે પ્રાણીશરીરમાં જે કોઈ નક્કર (ઘન, કઠણ) ભાગ છે તે પૃથ્વી મહાભૂતમાંથી બનેલ હોય છે. શરીરમાં જે દ્રવ (પ્રવાહી) કે ભીનાશપણું હોય છે તે જલ મહાભૂતનું પરિણામ છે. શરીરમાં જે ઉષ્મા (ગરમી) પેદા થાય છે, તે અગ્નિ મહાભૂતને કારણે હોય છે. દેહમાં વાયુ (પ્રાણ) સ્વયં મહાભૂત છે, જે શરીરનાં છિદ્રોમાંથી અવરજવર કરે છે અને શરીરમાં રસ, લોહી વગેરેને ગતિ આપે છે. આકાશ મહાભૂત શરીરના તમામ પોલા (અવકાશમય) ભાગમાં કાયમ રહે છે.
શરીરમાં મહાભૂતોનું કાર્ય અને સ્થાન : માનવદેહમાં પાંચેય મહાભૂતોનું શું કાર્ય છે અને તેનાં કયાં સ્થાન છે તે હવે વિગતે જોઈએ.
(1) આકાશ મહાભૂત : ખાસ ગુણ કે મુખ્ય લક્ષણ : શબ્દ (અવાજ).
કાર્ય : શરીરમાં અવાજ પેદા કરવો, કાન વડે સાંભળવું, શરીરના બધા ભાગોમાં પોલાણ (અવકાશ ખાલી જગ્યા) પેદા કરવું; શિરા, ધમની, રસાયની (રસને વહેનારી નાડી વચ્ચેની બારીક ગાંઠ), હોજરી તથા પેટ જેવાં અંગોમાં ખાલી જગ્યા પેદા કરવી; શિરા, સ્નાયુ, હાડકાં, પેશી જેવાં વિવિધ અંગો ઉત્પન્ન કરવાં અને એકબીજાંથી ભિન્નતા પેદા કરવી; તે અંગોમાં હળવાશ અને સૂક્ષ્મતા પેદા કરવી એટલાં આકાશ મહાભૂતનાં કાર્યો છે. સ્થાન : શરીરની હોજરી, ગર્ભાશય, આંતરડાં, મસ્તક, પેટ, હૃદય, નાડી, શિરા, ધમની એ બધાં અંગોમાં આકાશ મહાભૂતનું ખાસ સ્થાન છે.
(2) વાયુ મહાભૂત : ખાસ ગુણ કે મુખ્ય લક્ષણ : સ્પર્શ. કાર્ય : વાયુ સ્પર્શ ગુણવાળો છે. (ત્વચાના સંપર્કથી વાયુ ઠંડું-ગરમ, લિસ્સું-ખરબચડું, હળવું-ભારે જેવાં સંવેદનોનો ખ્યાલ આપે છે.) તે શરીરમાં બધી ઐચ્છિક ક્રિયાઓ કરે છે. શરીરમાં બધી જાતનાં સ્પંદનો (અનૈચ્છિક ક્રિયાઓ) પેદા કરે છે; તે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને અંત:કરણને પ્રેરણા આપે છે. શરીરમાં દોષો, ધાતુઓ અને મળોની રચના (ઉત્પત્તિ અને પુષ્ટિ) તથા પોતપોતાના માર્ગો દ્વારા તે બધાંનું વહન કરે છે. તે પ્રાણ, અપાન, સમાન, વ્યાન તથા ઉદાન વાયુને પોષે છે; શરીરમાં તે હળવાશ (લઘુતા) અને રુક્ષતા પેદા કરવાનું કાર્ય કરે છે. સ્થાન : વાયુ શરીરમાં તમામ અંગોમાં, ત્વચાનાં છિદ્રોમાં તથા પોલા ભાગોમાં રહે છે. તે શરીરમાં સર્વત્ર ફરે છે.
(3) અગ્નિ મહાભૂત : મુખ્ય લક્ષણ (ખાસ ગુણ) : રૂપ.
કાર્ય : શરીરનાં અંગોમાં રૂપ તથા રંગ પેદા કરવાં; ત્વચાના વિવિધ રંગ પેદા કરવા (શરીર ગોરું-કાળું, પીળું-લાલ બનાવવું); શરીરમાં સંતાપ (ગરમી, ઉષ્મા) પેદા કરવો, દીપ્તિ કે ચમક ઉત્પન્ન કરવાં, શરીરમાં અને આંખમાં પ્રકાશ પેદા કરવો; અન્નનું રસ-રૂપમાં અને રસનું અન્ય સાત ધાતુમાં રૂપાંતર કરવું (પકાવવું); શરીરની વૃદ્ધિ કરવી, ક્રોધ કરવો; શરીરમાં તીક્ષ્ણતા (ઝડપ) તથા શૂરવીરતા (પરાક્રમ) પેદા કરવી; દેહમાં રક્ત અને આર્તવ (માસિકસ્રાવ) પેદા કરવાં આ બધાં અગ્નિ મહાભૂતનાં કાર્યો છે. સ્થાન : અગ્નિ મહાભૂત મુખ્યત્વે શરીરમાં પક્વાશય, ગ્રહણી, યકૃત, પ્લીહા, હૃદય, આંખ તથા ત્વચા વગેરેમાં રહે છે.
(4) જલ મહાભૂત : ખાસ ગુણ કે લક્ષણ : રસ (સ્વાદ).
કાર્ય : શરીરમાં (જીભમાં) મધુર, ખાટો, ખારો, કડવો, તૂરો ને તીખો આ છ રસોનું જ્ઞાન પેદા કરવું; શરીરના દરેક અંગમાં દ્રવતા (ભીનાશ), ભેજ, ભારેપણું, ઠંડક, સ્નિગ્ધતા તથા મૃદુતા ઉત્પન્ન કરવાં તથા લોહી, માંસ, મેદ, વીર્ય અને કફનું નિર્માણ કરવું એ જલ મહાભૂતનાં કાર્યો છે.
સ્થાન : જલ મહાભૂત શરીરમાં પ્રવાહી તત્વો, જેમ કે લોહી, માંસ, મેદ, વીર્ય તથા કફમાં ખાસ રહે છે. અંગોના સાંધામાં તથા તેના બંધારણમાં તે ખાસ ભાગ ભજવે છે.
(5) પૃથ્વી મહાભૂત : ખાસ ગુણ/લક્ષણ : ગંધ.
કાર્ય : શરીરનાં તમામ કઠણ અને ભારે અંગોનું નિર્માણ કરવું; શરીરમાં ભારેપણું, પોષણ (પુષ્ટિ), સ્થિરતા, કદ અને વજન પેદા કરવાં એ પૃથ્વી મહાભૂતનાં ખાસ કાર્ય છે. સ્થાન : શરીરની પ્રત્યેક ધાતુ, મળ તથા અંગોમાં તેનું ખાસ સ્થાન છે. નાક તેનું ખાસ અંગ છે.
ધાતુઓમાં પંચભૂતાત્મકતા : શરીરને જે તત્વો ધારણ કરે, તેને આયુર્વેદમાં ‘ધાતુ’ કહેલ છે. માનવ-શરીરમાં રસ, રક્તાદિ સાત ધાતુઓ છે. તે દરેકમાં નીચે મુજબ મહાભૂતની પ્રધાનતા રહેલી છે. રસ ધાતુમાં જલ; રક્ત ધાતુમાં અગ્નિ; માંસ ધાતુમાં પૃથ્વી, મેદ ધાતુમાં પૃથ્વી અને જલ; અસ્થિ ધાતુમાં પૃથ્વી અને વાયુ તથા મજ્જા અને વીર્ય ધાતુમાં જલ મહાભૂતની અધિકતા રહેલી છે. ઝાડા(મળ)માં પૃથ્વી; મૂત્રમાં જલ અને અગ્નિ; આર્તવ(માસિક)માં અગ્નિ; પરસેવો અને ધાવણમાં જલ મહાભૂતની અધિકતા હોય છે.
દોષોનાં કોપક-શામક મહાભૂત : આયુર્વેદ વાયુ, પિત્ત અને કફ – આ ત્રણ દેહધારક તત્વોને ‘દોષ’ સંજ્ઞાથી ઓળખે છે. દેહના સ્વાસ્થ્યનો મુખ્ય આધાર આ ત્રણેય દોષોની સમતા-સ્વસ્થતા ઉપર રહેલ છે. જ્યારે તે દોષો વિષમ – અસ્વસ્થ કે ઓછાવત્તા કે વિકૃત થાય છે ત્યારે જ ‘રોગ’ પેદા થાય છે.
(1) પૃથ્વી, જલ અને વાયુ મહાભૂતોથી ઉત્પન્ન દ્રવ્યોના પ્રયોગથી પિત્ત-દોષની શાંતિ થાય છે.
(2) પૃથ્વી, અગ્નિ અને જલ મહાભૂતોથી ઉત્પન્ન દ્રવ્યોના પ્રયોગથી વાયુ-દોષની શાંતિ થાય છે.
(3) આકાશ, અગ્નિ અને વાયુ મહાભૂતની અધિકતાવાળાં દ્રવ્યોના ઉપયોગથી કફ-દોષની શાંતિ થાય છે.
તેથી વિપરીત (i) આકાશ અને વાયુથી ઉત્પન્ન દ્રવ્યોના વધુ પડતા સેવનથી શરીરમાં વાયુ-દોષ વધે છે. (ii) અગ્નિ (તેજ) મહાભૂત-પ્રધાન દ્રવ્યોના વધુ સેવનથી શરીરમાં પિત્તદોષ પ્રકુપિત થાય છે. (iii) પૃથ્વી અને જલપ્રધાન દ્રવ્યોના વધુ સેવનથી દેહમાં કફ-દોષ કોપે છે.
મહાભૂતનું વિશિષ્ટ લક્ષણ : પાંચેય મહાભૂતોમાં એકસાથે અનેક ગુણો કે તેનાં ખાસ લક્ષણો હોય છે; આમ છતાં કોઈ પણ પદાર્થ તેના એક ખાસ વિશિષ્ટ ગુણ માત્રથી તે કયા મહાભૂત-પ્રધાન છે, તે જાણી શકાય છે; જેમ કે પૃથ્વી મહાભૂતમાં કઠણપણું કે વજન; જલ મહાભૂતમાં દ્રવત્વ; વાયુમાં ચલત્વ (સ્પંદન-ગતિ); અગ્નિ મહાભૂતમાં ઉષ્ણત્વ અને આકાશ મહાભૂતમાં સ્પર્શરહિતતા કે ગતિમાં અનવરોધકતા એ તેનાં ખાસ પરિચાયક લક્ષણો છે.
પંચમહાભૂત તત્વોના ગુણધર્મો : (1) પૃથ્વીતત્વ-પ્રધાન મહાભૂતાત્મક દ્રવ્યોમાં આ પ્રમાણે ગુણો હોય છે : ભારેપણું, કર્કશતા, કઠણતા, મંદતા, સ્થિરતા, વિશદતા, સાંદ્રતા અને સ્થૂલતા. તેમાં ગંધનો ગુણ સવિશેષ હોય છે. તેનો રસ (સ્વાદ) જરા તૂરો અને પ્રાય: મધુર હોય છે. તેના ઉપયોગથી શરીરમાં પુષ્ટિ, કઠિનતા, ભારેપણું (વજન), સ્થિરતા (દૃઢતા) અને બળની વૃદ્ધિરૂપ પરિણામો મળે છે. આ મહાભૂતવાળા પદાર્થો ખાસ કરીને નીચે ગતિ કરનારા હોય છે.
(2) જલ મહાભૂતની પ્રધાનતાવાળાં દ્રવ્યોમાં આ પ્રમાણે ગુણો હોય છે : દ્રવત્વ, સ્નિગ્ધતા, ઠંડક, મંદતા, કોમળતા, ચીકણાશ, ભીનાશ કે જડતા, ભારેપણું, સરકવાનો ગુણ તથા સાંદ્રતાના ગુણો ખાસ હોય છે. તેમાં રસ (સ્વાદ) ગુણની ખાસ અધિકતા હોય છે. તેનો રસ (સ્વાદ) જરા તૂરો, ખાટો, ખારો અને મુખ્યત્વે મધુર હોય છે. તેના ઉપયોગથી શરીરમાં આર્દ્રતા, સ્નિગ્ધતા, બંધન (અંગો પરસ્પર જોડવાં), મૂળ સ્રોતોમાંથી દ્રવોનો સ્રાવ, મૃદુતા અને અંગો તથા મનનો સંતોષ – આ પરિણામ મળે છે.
(3) આગ્નેય (તેજસ) મહાભૂત-પ્રધાન દ્રવ્યોમાં ઉષ્ણતા, તીક્ષ્ણતા, સૂક્ષ્મતા, હળવાશ, રુક્ષતા, વિશદતા અને કરકરાપણું જેવા ગુણો હોય છે. તેમાં રૂપ(રંગ)નો ગુણ સવિશેષ હોય છે. તેનો રસ (સ્વાદ) મુખ્યત્વે તીખો અને ગૌણ રૂપે જરાક ખાટો અને ખારો હોય છે. તેનો સ્વભાવ ઊંચે ગતિ કરવાનો છે. તેના ઉપયોગથી શરીરમાં દાહ, પાક, પ્રભા (કાન્તિ), પ્રકાશ, વર્ણ, ત્વચા, વ્રણ આદિને ફોડવા અને તાપ (ગરમી) પેદા કરવો એ તેનાં પરિણામો છે.
(4) વાયુ મહાભૂતની અધિકતાવાળાં દ્રવ્યોમાં હળવાશ, ઠંડક, રુક્ષતા, ખરબચડાપણું, વિશદતા અને સૂક્ષ્મતા જેવા ગુણો ઉપરાંત સ્પર્શ ગુણ સવિશેષ હોય છે. તે દ્રવ્યોનો રસ મુખ્યત્વે તૂરો અને ગૌણ રૂપે જરા કડવો હોય છે. તેનો વધુ ઉપયોગ કરવાથી શરીરમાં રુક્ષતા, ગ્લાનિ, વીર્યનાશ, વિચાર(મન)ની અસ્થિરતા કે શરીરમાં ચક્કર આવવાં, વિશદતા, કૃશતા અને હળવાશ એ તેનાં પરિણામ હોય છે.
(5) આકાશ મહાભૂતની અધિકતાવાળાં દ્રવ્યોમાં ખાલીપણું (અવકાશ), છિદ્રત્વ તથા અલ્પ ઘનત્વના સામાન્ય ગુણો અને શબ્દ(અવાજ) વિશેષ ગુણ હોય છે. તે દ્રવ્યોમાં મૃદુતા, હળવાપણું, સૂક્ષ્મતા, શ્ર્લક્ષ્ણતા, વિશદતા, વ્યવાયિતા અને વિવિક્તતા (અંગો અલગ અલગ તથા સછિદ્ર હોવાં) જેવા ગુણો હોય છે. તેનો રસ અવ્યક્ત (કે ન પરખાય તેવો ફિક્કો) હોય છે. આ દ્રવ્યોના ઉપયોગથી દેહમાં મૃદુતા, છિદ્રત્વ, ઘનત્વની ન્યૂનતા અને હળવાશપણું જેવાં પરિણામો મળે છે.
આમ ભારતના પ્રાચીન મહર્ષિઓ કે હિંદુ ધર્મના પ્રણેતાઓ દ્વારા સંસ્થાપિત ‘પંચમહાભૂતનો સિદ્ધાંત’ વૈજ્ઞાનિક દૃષ્ટિએ વધુ ગહરાઈથી જોવા-તપાસવા જેવો મહત્વનો જણાય છે.
બળદેવપ્રસાદ પનારા