પંચતંત્ર : ભારતીય પશુકથાઓ અને બોધવાર્તાઓનો સંસ્કૃત ભાષામાં લખાયેલો લોકપ્રિય ગ્રંથ. તેનું શીર્ષક સૂચવે છે તે મુજબ તે પાંચ તંત્રોનો બનેલો ગ્રંથ છે. તેનો પ્રારંભ કથામુખથી થાય છે તેમાં તેની રચના કેવી રીતે થઈ તેની વિગત આપી છે. દક્ષિણ ભારતના મહિલારોપ્ય નામના નગરમાં અમરશક્તિ નામના રાજાને વસુશક્તિ, ઉગ્રશક્તિ અને અનેકશક્તિ નામના ત્રણ રાજકુમારો હતા કે જેઓ રાજનીતિમાં ઠોઠ અને અન્ય શાસ્ત્રથી વિમુખ અને ઓછી બુદ્ધિવાળા હતા. રાજાએ તેમને રાજનીતિમાં નિપુણ અને જીવનવ્યવહારના જ્ઞાની બનાવવા પોતાના સુમતિ નામના પ્રધાન દ્વારા વિષ્ણુશર્મા નામના વિદ્વાન બ્રાહ્મણને વિનંતી કરી. વિષ્ણુશર્માએ છ માસમાં જે પશુપક્ષીઓની વાર્તાઓ કહી તેમને રાજનીતિ અને જીવનવ્યવહારમાં કુશળ બનાવ્યા તે વાર્તાઓનો સંગ્રહ તે આ ‘પંચતંત્ર’ નામનો ગ્રંથ.
એ પછી ‘મિત્રભેદ’ નામના પ્રથમ તંત્રમાં પરસ્પર વિશ્વાસ અને પ્રેમવાળા પિંગલક નામનો સિંહ અને સંજીવક નામના બળદ એ બે મિત્રો વચ્ચે દમનક નામનું શિયાળ કપટ દ્વારા ફાટફૂટ પડાવી સિંહ દ્વારા બળદને ખતમ કરાવે છે એ મુખ્ય વાર્તા છે અને તેમાં બીજી બાવીસ ગૌણ વાર્તાઓ પશ્ચિમ ભારતીય પાઠ-પરંપરા મુજબ આપી છે.
‘મિત્રપ્રાપ્તિ’ નામના બીજા તંત્રમાં ચિત્રગ્રીવ નામનો કબૂતર-રાજા જાળમાં ફસાઈ ગયેલાં અન્ય કબૂતરો સાથે પોતાના મિત્ર હિરણ્યક નામના ઉંદરરાજા પાસે જઈ જાળ કપાવી મુક્ત થાય છે એ મુખ્ય વાર્તા છે. એમની સાથે લઘુપતનક નામનો કાગડો, મંથરક નામનો કાચબો અને ચિત્રાંગ નામના હરણની પણ મિત્રપ્રેમની વાત છ ગૌણ વાર્તાઓ સાથે રજૂ કરી છે.
‘સંધિવિગ્રહ’ નામના ત્રીજા તંત્રમાં કાગડાના રાજા મેઘવર્ણ અને ઘુવડના રાજા અરિમર્દન વચ્ચે લડાઈ અને સુલેહની વાર્તા મુખ્ય છે અને તેમાં અન્ય પાંચ ગૌણ વાર્તાઓ છે.
‘લબ્ધપ્રણાશ’ નામના ચોથા તંત્રમાં જાંબુના ઝાડ પર રહેતા વાંદરા અને જળમાં રહેતા મગરની મુખ્ય વાર્તા છે. મળેલી વસ્તુનો નાશ કેવી રીતે થાય છે તે આ તંત્રનો પ્રમુખ મુદ્દો છે અને મુખ્ય વાર્તામાં અન્ય સોળ ગૌણ વાર્તાઓ આપવામાં આવી છે.
‘અપરીક્ષિતકારક’ નામના પાંચમા તંત્રમાં અવિચારી વાળંદ સોનું મેળવવા સાધુઓનાં માથાં ફોડતાં ગુનેગાર બની રાજાની સજા પામે છે એ મુખ્ય વાર્તા છે અને તેમાં અન્ય 14 ગૌણ વાર્તાઓ રજૂ થઈ છે. પ્રસ્તુત ગ્રંથની બસોથી વધુ પાઠપરંપરાઓમાં પ્રત્યેક તંત્રમાં વાર્તાઓની સંખ્યામાં વધઘટ છે.
વળી પ્રસ્તુત ગ્રંથની અનેક આવૃત્તિઓ પણ વિદ્વાનોએ પ્રગટ કરી છે. પચાસથી વધુ ભાષાઓમાં આ ગ્રંથના અનુવાદો થયા છે. તેમાં સર્વપ્રથમ પહેલવી ભાષામાં તેનું ભાષાંતર ઈ. સ. 570માં થયું હતું. વળી તેમાં આવતા પ્રયાગ, વારાણસી વગેરેના ઉલ્લેખો તેને ઈ. સ.ની બીજી સદીમાં રચાયેલો સિદ્ધ કરે છે. તેમાં લેખકે ઈ. સ. પૂર્વે થઈ ગયેલા મનુ, બૃહસ્પતિ, શુક્રાચાર્ય, પરાશર, વ્યાસ અને ચાણક્ય રાજનીતિશાસ્ત્રના કર્તાઓનો ગૌરવપૂર્વક પૂર્વસૂરિઓ તરીકે ઉલ્લેખ કર્યો હોવાથી ઈ. સ.ની પહેલી સદી પછી આ ગ્રંથ રચાયો હોવાનું વિદ્વાનો માને છે. વળી તેના લેખક વિષ્ણુશર્મા શાસ્ત્રજ્ઞાની, આત્મવિશ્વાસ અને ગૌરવથી ભરેલા, વણલોભી અને દક્ષિણ ભારતના વતની વિદ્વાન બ્રાહ્મણ હતા.
‘પંચતંત્ર’ની વસ્તુસંકલના અદભુત છે. એક વાર્તામાંથી બીજી, બીજીમાંથી ત્રીજી, ત્રીજીમાંથી ચોથી એમ ક્રમે ક્રમે જાદુઈ પેટીની જેમ વાર્તાઓ રજૂ થતી જાય છે અને વાર્તાના વક્તાઓ પણ બદલાતા જાય છે. પ્રત્યેક પાત્રના તેની લાક્ષણિકતા કે ગુણ મુજબ નામો આપવામાં આવ્યાં છે. પશુપક્ષીઓ પ્રસ્તુત ગ્રંથમાં ચોક્કસ ગુણ ધરાવતા માણસોનાં પ્રતીકો છે. પશુપક્ષીઓની જેમ તેમાં માનવ-પાત્રોની વાર્તાઓ પણ આવે છે. પ્રત્યેક વાર્તાનો સાર આપતા સંગ્રહશ્લોકો અને નીતિ અને વ્યવહારના નિયમો રજૂ કરતા શ્લોકો પણ ગદ્યની વચ્ચે આવે છે. બાળકોને ગમ્મત પડે તેવી મનોરંજક શૈલી એ તેનો મહત્વનો ગુણ છે. વર્ણનોના અભાવે વાર્તાનો પ્રવાહ સાદી અને સરળ ભાષામાં આગળ ધપે છે જ્યારે વચ્ચે આવતાં પદ્યો જગતના વ્યવહાર અને રાજનીતિનો બોધ મનોરંજન સાથે આપે છે. જેવા સાથે તેવા થઈ કોઈથી ન છેતરાવાનો અભિગમ લેખકે સતત રાખ્યો છે. ભારતનો આ ગ્રંથ વિશ્વભરમાં સૌથી વધુ આદર મેળવનારો ગ્રંથ છે. ગુજરાતી ભાષામાં તેનું અનુવાદ સહિત સંપાદન ડૉ. ભોગીલાલ સાંડેસરાએ કરેલું તે ગુજરાત વિદ્યાસભા દ્વારા પચાસના દાયકા દરમિયાન પ્રગટ થયું હતું.
પ્ર. ઉ. શાસ્ત્રી