પંકપ્રવાહ : પંક પથરાવાથી અને પ્રસરણ પામવાથી તૈયાર થતી રચના. પહાડી પ્રદેશોમાં અવારનવાર થતા ભૂપાતના ભીના દ્રવ્યજથ્થાનો વિનાશકારી પ્રકાર. સૂક્ષ્મ માટીદ્રવ્ય તેમાં આગળ પડતું હોય છે. પહાડોના ઉગ્ર ઢોળાવો પર કે કોતરોમાં આ પ્રકારનું દ્રવ્ય જળધારક બનતાં નરમ બને તો તેમાંથી પ્રવાહની રચના થાય છે. આ પ્રકારના દ્રવ્યનો 50 %થી વધુ જથ્થો જો રેતીકણકદ કરતાં સ્થૂળ હોય તો તેને શિલાચૂર્ણ સહિતનો પંકપ્રવાહ કહે છે. આવા પંકપ્રવાહમાં જળપ્રમાણ તેના કુલ કદ કરતાં 10 %થી 60 % વચ્ચેના ગાળાનું હોય છે. પ્રવાહજથ્થામાં રહેલાં દ્રવ્યોની વિશિષ્ટ ઘનતા વધુ હોય તો તેમાં સમાવિષ્ટ વિશાળ કદના ગુરુગોળાશ્મો (boulders) આછા ઢોળાવો પરથી ગબડતાં ગબડતાં ઘણા અંતર સુધી પહોંચી શકે છે. સામાન્ય રીતે પંકપ્રવાહની વહનગતિ સામાન્ય માણસની ચાલવાની ઝડપ કરતાં વધુ, પરંતુ જળવહન કરતાં ઓછી હોય છે; ક્યારેક પાછળ ધસતો આવતો પ્રવાહ અગાઉના પ્રવાહ પર ચઢી પણ જાય છે.
પંકપ્રવાહો ત્રણ પ્રકારોમાં જુદા પાડી શકાય છે :
(1) રણના પંકપ્રવાહો : રણમાં ઉદભવતા વંટોળમાંની માટીમિશ્રિત રેતી જો આછી વનસ્પતિવાળા ઢોળાવોની સપાટી પર પથરાય તો તેમાં રહેલા ભેજથી સંતૃપ્ત બને છે. આ પ્રકારના જથ્થા ત્યાંના ઢોળાવો પર ખસે છે અને ખસતાં ખસતાં કોતર જેવા વિભાગોમાંથી પસાર થઈ તેમના મુખ પર પંખાકાર કાંપ(alluvial fan)ના આકારો રચે છે. મોટા ભાગના રણ-પંકપ્રવાહો આશરે 2 મીટરની જાડાઈવાળા હોય છે. વસાહતો હોય તો ક્યારેક તે જાનમાલને નુકસાન પણ કરે છે. લૉસ ઍન્જલિસ નજીકના પ્રદેશમાં આ પ્રકારની ઘટના બનેલી હોવાનો દાખલો છે.
(2) આલ્પાઇન પ્રકારના પંકપ્રવાહ : ઢોળાવો પર છૂટો પડતો વિશાળ કદનો દ્રવ્યજથ્થો હિમગલિત જળથી તરબતર બની રહે છે. આલ્પ્સ અને હિમાલયમાં આ રીતે તૈયાર થતા પંકપ્રવાહોથી આખાં ને આખાં ગામડાં તારાજ થયાના દાખલા છે.
(3) જ્વાળામુખીજન્ય પંકપ્રવાહો : આ પંકપ્રવાહો લહાર (lahars) તરીકે પણ ઓળખાય છે. તે પ્રસ્ફુટન દરમિયાન કે પછીના તરતના ગાળામાં જ્વાળામુખી પર્વતોના ઢોળાવો પર ઉદભવે છે; તેમાં જ્વાળામુખી-ભસ્મ તથા ચૂર્ણજથ્થા પ્રસ્ફુટન દરમિયાન નીકળતી વિવિધ બાષ્પથી સંતૃપ્ત બની રહે છે. આવા પ્રવાહો પણ વિનાશાત્મક બની રહે છે. માઉન્ટ વિસુવિયસમાંથી ઉદભવેલા પંકપ્રવાહે ઈ. સ. 79માં હર્ક્યુલેનિયમ નગરને દાટી દીધાનો દાખલો તેનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડે છે. એ જ રીતે નૈર્ઋત્ય વૉશિંગ્ટનમાં 1980માં થયેલા માઉન્ટ હેલેન્સના પ્રસ્ફુટનથી ઉદભવેલા પંકપ્રવાહે પ્રતિ કલાકે 80 કિમી.ની વહનગતિથી વિનાશ વેરેલો.
ગિરીશભાઈ પંડ્યા