પંકભૂમિ (marsh) : પંકમિશ્રિત છીછરા જળથી લદબદ રહેતી ભૂમિ. કોહવાતી વનસ્પતિ સહિત ભેજવાળી રહેતી જમીનો, દરિયા-કંઠાર પરના ભેજવાળા રહેતા ખુલ્લા ભાગો, પર્વતોની વચ્ચેના ખીણવિસ્તારોના નીચાણવાળા ભાગો, સમશીતોષ્ણ વિસ્તારોમાંનાં તદ્દન છીછરાં રહેતાં બંધિયાર સરોવરો, અયનવૃત્તોમાંનાં ગરમ ભેજવાળી આબોહવાવાળાં સંખ્યાબંધ સ્થળો, જ્યાં ઝાડનાં ઝુંડ તેમજ વનસ્પતિ ઊગી નીકળતાં હોય; તેમની વચ્ચે વચ્ચે રહેલા, છૂટાછવાયા, સ્થિર જળથી લદબદ છીછરા જળનિમગ્ન ખાડાઓ – આ બધા પંકભૂમિના વિસ્તારો બની રહે છે. ક્યારેક રણવિસ્તારોના નીચાણવાળા ભાગો તેમજ ઝરાઓની આજુબાજુની જગાઓ પણ પંકભૂમિ રચે છે.

પંકભૂમિ એ એવા પ્રકારનો ભીનો કે ભેજવાળો વિસ્તાર ગણાય છે, જ્યાં ઘાસ, રીડ, રશ કે સેજ જેવી થડ-ડાળીઓ રહિતની કાષ્ઠવિહીન વનસ્પતિ ઊગી નીકળતી હોય. કળણભૂમિ એ પંકભૂમિનો સમકક્ષ પર્યાય છે, જ્યાં થોડાંક વૃક્ષો અને છોડવા ઊગી નીકળતાં હોય છે. સમથળ આકાર અને જમાવટ પામ્યા વગરની જમીનો જ્યાં એક જ સ્થાને મળતી હોય ત્યાંનું ભૂપૃષ્ઠદળ જળશોષણ થતાં કાયમી પંકભૂમિમાં ફેરવાઈ જાય છે. જળભરાવો થતાં ભીના રહેતા છીછરા ખાડાઓમાં ભરપૂર કાદવ તૈયાર થતો રહે છે, તેમાં કોહવાણ પામતી વનસ્પતિનું મિશ્રણ પણ થતું રહે છે. આવા વિસ્તારો અમુક પ્રમાણમાં સુકાતા જાય ત્યારે તેમાં ઊગી નીકળતી વનસ્પતિ કાપીને લઈ જઈ શકાય છે; અથવા આવી ભૂમિને ખેડી શકાય છે ખરી; પરંતુ તેને ખેતીલાયક બનાવવા માટે પાણી પૂરું પાડવાની જરૂરિયાત રહે છે.

આવા પંકભૂમિના વિસ્તારો જળઉંદરો, સાપ, દેડકાં, કાચબા, બતક જેવાં પ્રાણીઓ માટે પૂરતા ખોરાક અને વસવાટયોગ્ય રહેઠાણની ભૂમિકા પૂરી પાડે છે.

મોટાભાગના પંકભૂમિ-વિસ્તારો સંજોગભેદે સ્વચ્છ જળ કે ક્ષારીય જળથી કે બંનેના મિશ્રણથી આચ્છાદિત રહે છે. નદીનાળની પંકભૂમિ એવા પ્રકારનો વિભાગ ગણાય છે, જે એક તરફ આંતરે આંતરે ભરતીના ક્ષારીય જળથી તો બીજી તરફ નદીના સ્વચ્છ જળથી ધોવાણ પામતો રહે છે. નદીનાળમાં દરિયા તરફ એક પ્રકારની તો નદી તરફના ત્રિકોણપ્રદેશીય ભાગમાં બીજા પ્રકારની પંકભૂમિ તૈયાર થતી હોય છે, જોકે પ્રકારભેદ નજેવો રહે છે. ક્ષારીય અને સ્વચ્છ જળનું મિશ્રણ તેમજ પ્રાણીઓ અને વનસ્પતિ દ્વારા થતા પ્રદૂષણે ઘણા નદીનાળપ્રદેશોની પંકભૂમિને દૂષિત કરી મૂકી છે.

ઉત્તરપ્રદેશમાં તરાઈનાં ગાઢ જંગલોનો વિભાગ પંકભૂમિનો વિસ્તાર બની રહેલો છે; કેમ કે હિમાલયની તળેટીટેકરીઓના ઢોળાવોમાં ઉપરવાસમાંથી આવતી નદીઓનાં પાણી અદૃશ્ય થઈ જાય છે અને તરાઈનાં જંગલોમાં તે ફૂટી નીકળતાં ત્યાં તરાઈ વિભાગમાં પંક જમા થાય છે.

ગિરીશભાઈ પંડ્યા