ન્યૂ થિયેટર્સ : ભારતીય ચલચિત્ર ઉદ્યોગનાં પ્રારંભિક વર્ષોની યશસ્વી નિર્માણસંસ્થા. કૉલકાતામાં ટૉલીગંજ ખાતે બીરેન્દ્રનાથ સરકારે (1901-80) 1931માં ધ્વનિ-અંકન સ્ટુડિયો રૂપે શરૂઆત કરી. આગલા વર્ષે સરકારે ચારુ રાય તથા પ્રફુલ્લ રાયના સહયોગમાં ઇન્ટરનેશનલ ફિલ્મક્રાફ્ટ નામે મૂકચિત્ર નિર્માણસંસ્થા શરૂ કરેલી, પણ ધ્વનિ-અંકનની શોધ સુલભ થતાં તરત તેનો લાભ લેવાનું ઉપયોગી જણાયું. ‘આલમઆરા’વાળા અરદેશર ઈરાનીએ હોલિવૂડથી ધ્વનિ-અંકન માટે જરૂરી ટૅનાર (Tanar) સામગ્રી તથા વિલ્ફર્ડ ડેમિંગ નામે ટૅક્નિશિયનની સેવા પ્રાપ્ત કરેલી. ન્યૂ થિયેટર્સે તે મેળવી લીધી. આ સમયે નાના મૂક સ્ટુડિયો બંધ પડવા માંડેલા. તેમના કલાકારો તથા ટૅક્નિશિયનો ન્યૂ થિયેટર્સ તરફ વળ્યા. ઇંડિયન કિનેમામાંથી નીતિન બોઝ, પ્રેમાંકુર, દુર્ગાદાસ બૅનરજી, અમર મલ્લિક, જીવન ગાંગુલી આદિ, બરુઆ પિક્ચર્સમાંથી પ્રમથેશ બરુઆ પોતે, સુશીલ મજુમદાર તથા બ્રિટિશ ડોમિનિયન ફિલ્મ્સમાંથી ધીરેન ગાંગુલી જેવાં સમર્થ નામો ન્યૂ થિયેટર્સના મંચ ઉપર ગુંજવા લાગ્યાં. સરકારને ચલચિત્ર સાહિત્યનું દૃશ્ય સ્વરૂપ બને એવી ઇચ્છા હતી. 1931માં તેમણે શરદચંદ્રની કથા ‘દેના પાઓના’(બંગાળી)ને ચિત્રદેહ આપ્યો. પ્રેમાંકુર પ્રથમ દિગ્દર્શક હતા. ચિત્ર સફળ ન થયું, પણ બીરેન્દ્રનાથે ધીરજપૂર્વક એ જ માર્ગે આગળ પ્રયાણ કર્યું. એક પછી એક સાત ચિત્રોને નિષ્ફળતા સાંપડી. છેવટે સંસ્થાએ ચિત્રોને ગીત-સંગીતથી મઢીને વધારે લોકભોગ્ય બનાવવા જેવો સુધારો કર્યો. 1932માં આ શ્રેણીમાં તૈયાર થયેલા દેવકી બોઝના ‘ચંડીદાસ’ને આવકાર મળ્યો. આ અરસામાં કૉલકાતાના એક નાનકડા સમારંભમાં બીરેન્દ્રનાથે કુંદનલાલ સાયગલનો સ્વર સાંભળ્યો. તેમણે સાયગલને ગાયક કલાકાર તરીકે રાખી લીધા. પ્રમથેશ બરુઆ તથા નીતિન બોઝ જેવા દિગ્દર્શકો; ઉમા શશી, જમુના, કાનનદેવી જેવી અભિનેત્રીઓ તથા રાયચંદ બોરાલ અને પંકજ મલ્લિક જેવા સંગીતકારોનો સુભગ યોગ થતાં ન્યૂ થિયેટર્સમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ. અભિનેતાઓમાં બરુઆ, પહાડી સાન્યાલ, પૃથ્વીરાજ કપૂર, દુર્ગાદાસ, અમર મલ્લિક, જગદીશ સેઠી, કે. સી. ડે. જેવાં નામો આખા દેશમાં છવાઈ ગયાં. હવે ન્યૂ થિયેટર્સે બંગાળી ચિત્રો હિન્દીમાં પણ પ્રસ્તુત કરવા માંડ્યાં : ‘મીરાબાઈ’ (1933), ‘પૂરન ભક્ત’ (1933), ‘યહૂદી કી લડકી’ (1933), ‘ચંડીદાસ’ (હિન્દી-1934), ‘દેવદાસ’ (1935), ‘ધૂપછાંવ’/‘ભાગ્યચક્ર’ (1935), ‘ઇન્કિલાબ’ (1935), ‘કારવાને હયાત’ (1935), ‘ગૃહદાહ’/‘મંજિલ’ (1936), ‘પૂજારિન’ (1936), ‘અનાથ આશ્રમ’ (1937), ‘વિદ્યાપતિ’ (1937), ‘પ્રેસિડેન્ટ’/‘દીદી’ (1937), ‘મુક્તિ’ (1937), ‘અભાગિન’ (1938), ‘અધિકાર’ (1938), ‘ધરતીમાતા’ (1938), ‘દુશ્મન’ (1938), ‘સ્ટ્રીટ સિંગર’ (1938), ‘બડી દીદી’ (1939), ‘જવાની કી રીત’ (1939), ‘સપેરા’ (1939), ‘હારજીત’ (1940), ‘નર્તકી’ (1940), ‘જિંદગી’ (1940), ‘ડૉક્ટર’ (1941), ‘લગન’ (1941), ‘મીનાક્ષી’ (1942), ‘વાપસ’ (1943), ‘મેરી બહન’ (1944), ‘હમરાહી’ (1944), ‘છોટા ભાઈ’ (1947)….. આમ એક પછી એક સુંદર ચલચિત્રો આપવા છતાં સ્વતંત્રતા પૂર્વે જ ન્યૂ થિયેટર્સનું નામ ભારતીય ચલચિત્રનિર્માણ ક્ષેત્રેથી ભૂંસાઈ ગયું. 1941માં નીતિન બોઝ છૂટા થયા. દક્ષિણમાં તમિળ અને તેલુગુ ભાષાનાં ચિત્રોએ હિન્દી-બંગાળી ચિત્રો માટે દ્વાર બંધ કર્યાં. મુંબઈમાં હિન્દી ચિત્રનિર્માણનો મોટો ઉદ્યોગ ઝડપભેર વિકસવા લાગ્યો. લોકરુચિ સાહિત્યિક વિષયો પરથી અન્ય વિષયો પર વળવા લાગી. હૉલિવૂડની સ્પર્ધા પણ ઘાતક નીવડી. આ સંજોગોમાં જંગી ખર્ચને પહોંચી વળવાનું મુશ્કેલ બન્યું. ગરજ જાણી ગયેલા મારવાડી વિતરકો મફતના ભાવે ચિત્રપ્રદર્શનના અધિકારો પડાવી લેતા. આ બધાંને પરિણામે 1955માં સંસ્થા સમેટી લેવાઈ. જોકે બીરેન્દ્રનાથ સરકારનો ચલચિત્રોમાં રસ ટકી રહ્યો. તેમણે કેટલાંક વર્ષો સુધી ફિલ્મ ફાઇનાન્સ કૉર્પોરેશનના સંચાલકમંડળના સભ્ય તરીકે સેવા આપી.

બંસીધર શુક્લ