ન્યૂ ડીલ (અમેરિકાની નવી આર્થિક નીતિ)

January, 1998

ન્યૂ ડીલ (અમેરિકાની નવી આર્થિક નીતિ) : 1929ની મહામંદીમાં સપડાયેલા અમેરિકાના અર્થતંત્રને ઉગારવાને માટે અમલમાં મૂકવામાં આવેલ આર્થિક નીતિ. ફ્રૅન્કલિન ડી. રૂઝવેલ્ટે પ્રમુખપદ માટેની પોતાની પ્રથમ ચૂંટણી (1933) પ્રસંગે કેટલાંક પગલાં લેવાનું વચન આપ્યું તે પછીનાં સત્તાનાં તેમનાં બે સત્ર (1933-40) દરમિયાન તેમણે આ નીતિને કાર્યાન્વિત કરી. આ સમગ્ર નીતિને ‘ન્યૂ ડીલ’ નામે ઓળખવામાં આવે છે. આગળના પ્રમુખ હૂવરની બિનઅસરકારક નીવડેલી નીતિ કરતાં પોતાની નીતિની જુદી ઓળખ આપવા માટે, 2 જુલાઈ, 1932માં ડેમૉક્રૅટિક પક્ષે પ્રમુખપદ માટે કરેલી નિયુક્તિને સ્વીકારતી વખતે પોતાના વક્તવ્યમાં રૂઝવેલ્ટે આ શબ્દોનો પ્રથમ વાર પ્રયોગ કર્યો હતો. અમેરિકાની પ્રજાને અને ખાસ કરીને ઉપેક્ષિત ભુલાયેલ વર્ગોને ત્યારે તેમણે ‘ન્યૂ ડીલ’ નવી નીતિનું વચન આપ્યું હતું. 4 માર્ચ, 1933માં તેઓ પ્રમુખપદે આવ્યા ને તરત કૉંગ્રેસનું ખાસ અધિવેશન બોલાવી પોતાની નીતિને કાનૂનબદ્ધ કરી.

1929ની મહામંદીની અસર રૂપે ઑક્ટોબર, 1930માં અમેરિકામાં આશરે 46 લાખ કામદારો બેકાર થયા હતા. 1933ના આરંભે બેકારોની કુલ સંખ્યા 130 લાખ થઈ હતી. 1934માં 130 લાખ માણસો જાહેર રાહતકાર્ય પર નભતા હતા. બેકાર ન બન્યા તેમની પણ આવકો ઘટી ગઈ હતી.

1932માં ઔદ્યોગિક ઉત્પાદન સામાન્ય સપાટી કરતાં 47 % ઓછું હતું. 1929 ને 1932 વચ્ચે ખેડૂતોની એકંદર (gross) આવક 57 % ઘટી હતી. અહીં ઉત્પાદન બહુ ઘટ્યું નહોતું, પણ ભાવો મોટા પાયા પર તૂટ્યા હતા.

યુનાઇટેડ સ્ટેટ્સની નિકાસ ને આયાત 1929માં અનુક્રમે 5.2 અબજ ને 4.3 અબજ ડૉલરની હતી. 1932માં તે અનુક્રમે 1.6 અબજ અને 1.3 અબજ ડૉલરની સપાટીએ પહોંચી હતી. 1932માં અમેરિકાની 1,400 નાનીમોટી બૅંકો નિષ્ફળ ગઈ હતી. બીજી ઘણી બૅંકોએ મૉરેટૉરિયમ હેઠળ લેણદારોને તેમની વિરુદ્ધ કાર્યવહી કરતાં થોડા સમય માટે અટકાવ્યા હતા. કેટલીક બૅંકો ખાસ જોગવાઈઓ હેઠળ કામ કરી રહી હતી.

આ અભૂતપૂર્વ આર્થિક કટોકટીને પહોંચી વળવા માટે સૂચવવામાં આવેલી નીતિ તે આ ‘ન્યૂ ડીલ’ હતી.

‘ન્યૂ ડીલ’ની નીતિના ત્રણ મુખ્ય ઘટક હતા : (1) રાહત (relief), (2) પુનરુત્થાન (recovery) અને (3) સુધારણા (reform). મંદીને કારણે સૌથી વધુ સહન કરવું પડ્યું હોય તે વર્ગોને તાત્કાલિક રાહત પહોંચાડવી; સમગ્ર અર્થતંત્રને, ઉદ્યોગ અને ખેતીને ફરી બેઠાં કરે તેવી નીતિ અપનાવવી અને ભવિષ્યમાં મંદી જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે રીતે આર્થિક સંસ્થાઓને સુધારવી. આ ત્રિવિધ કાર્યક્રમ ‘ન્યૂ ડીલ’ના ભાગ રૂપે ઉપાડવામાં આવ્યો હતો. આરંભમાં રાહતકાર્ય પર ભાર હતો. ભાવો વધારવા પર, આવક ને ઘરાકી વધારવા પર ભાર હતો. 1935 પછી ‘દ્વિતીય ન્યૂ ડીલ’ તરીકે ઓળખાતા તબક્કામાં સુધારણા પર વધુ ધ્યાન આપવામાં આવ્યું હતું. ‘ન્યૂ ડીલ’ના સમગ્ર કાર્યક્રમ પાછળ સુસંગત આર્થિક વિચારસરણી કે આયોજન તો નહોતું, પણ માનવતાવાદી દૃષ્ટિકોણ, નવા વિચારોને આવકારવાની તૈયારી ને ઇષ્ટ હેતુઓ માટે ફેડરલ-કેંદ્ર-સરકારની સત્તાઓને વિસ્તારવાની તત્પરતા જોવા મળતાં હતાં.

ઉત્પાદનનાં ને વહેંચણીનાં સાધનો ખાનગી ક્ષેત્રના હાથમાં જ રહેવાનાં હતાં ને તેમનું સંચાલન નફાને અનુલક્ષીને થતું રહેવાનું હતું. ‘ન્યૂ ડીલ’ સમાજવાદી ઢબનો કાર્યક્રમ નહોતો પણ મૂડીવાદની ને તેના બજારતંત્રની ઊણપો દૂર કરી તેમને બચાવવાનો કાર્યક્રમ હતો.

રાહતનીતિના ભાગ રૂપે મંદીનો ભોગ બનેલા માણસોને રાહત આપવા લેવાયેલાં પગલાંને કારણે યુનાઇટેડ સ્ટેટ્સમાં 1929થી જોર પકડતી જતી અંતિમવાદી ચળવળો તરફથી લોકો પાછા વળ્યા; પરંતુ આ પગલાં અપૂરતાં હતાં. ચરમસીમાએ પણ વર્ક્સ પ્રોગ્રામ એડમિનિસ્ટ્રેશન 70 લાખ બેકારોને આવરી શક્યું નહોતું. આ કાર્યક્રમો હેઠળ ચૂકવાતી રોજીના દર પણ નીચા હતા. માંદાં, અપંગ, વૃદ્ધ, બાળકો જેવા રોજગારી માટે અક્ષમ વર્ગોને રાજ્ય-સરકારોને આશરે છોડી દેવાયા હતા. તેમનાં નાણાકીય સાધન મર્યાદિત હતાં. એટલે સામાજિક સહાય તે પૂરતા પ્રમાણમાં કરી શક્યાં નહિ. આમ આ રાહતની નીતિ અંશત: સફળ થઈ ગણાય, પરંતુ નિરંકુશતાની નીતિ છોડી ફેડરલ સરકારે પ્રજાના કલ્યાણ માટેની નીતિ તરફ વળવાનું વલણ દાખવ્યું એ જ મોટી વાત હતી.

1933-38 વચ્ચે કૃષિક્ષેત્રને લગતા પસાર કરવામાં આવેલ કાયદાઓને કારણે કૃષિક્ષેત્રે સરકારે કેટલાક પાક માટે ઉત્પાદન ને ભાવ નક્કી કરવાની, જમીનસંરક્ષણ માટેની ને ખેડૂતને ધિરાણ કરવાની જવાબદારી સ્વીકારી. અલબત્ત, આ નીતિનો ગ્રાહક અને કર ભરનાર વર્ગ પર આર્થિક બોજો પડતો હતો.

1933માં રચાયેલ પબ્લિક વર્ક્સ એડમિનિસ્ટ્રેશન (P.W.A.) કોર્ટ માટેનાં મકાનો, પુલ, હૉસ્પિટલ, ટાઉનહૉલ, ગટર-પાણીને શુદ્ધ કરનાર એકમો જેવા જાહેર બાંધકામના પ્રકલ્પો કાર્યાન્વિત કરતું હતું. ગરીબો માટેનાં સસ્તાં મકાનો બાંધવાનું ને ગંદી વસાહતો દૂર કરવાનું પણ તેનું કામ હતું. રોજગારી અને અસરકારક માગ (ઘરાકી) સર્જવા માટે ઉપાડાતા આ જાહેર બાંધકામના પ્રકલ્પ પર સરકાર ખૂબ ધીમી ગતિએ ખર્ચ કરી શકી. ફાળવવામાં આવેલી રકમો યોગ્ય રીતે જ વાપરવાની વધુ પડતી ચિંતા આ માટે જવાબદાર હતી. અસરકારક માગની અછતને આ કાર્યક્રમ દ્વારા પર્યાપ્ત રીતે વધારી શકાઈ નહિ.

1937માં સસ્તાં મકાનો બાંધવા ને ગંદી વસાહતો દૂર કરવા યુનાઇટેડ સ્ટેટ્સ હાઉસિંગ ઑથોરિટીની રચના થઈ હતી.

રાહત અને પુનરુત્થાનના કાર્યક્રમોને કારણે 1933-36 વચ્ચે અર્થતંત્રમાં સાધારણ સુધારો થયો.

રાજકોષીય નીતિમાં રૂઝવેલ્ટ રૂઢિચુસ્ત પુરવાર થયા. ખાધ ઘટાડવા માટે સરકારી ખર્ચમાં તેમણે ભારે કાપ મૂક્યો અને પરિણામે 1937ના ઉત્તરાર્ધમાં અલ્પ મંદી (recession) આવી ને તેને કારણે 1933-36ની નીતિના  લાભ લગભગ ધોવાઈ ગયા. 1939માં બીજા વિશ્વયુદ્ધ (1939-45)ના આરંભ સાથે સંરક્ષણ-ખર્ચ વધ્યો ત્યારે ખરેખર તે દેશ મંદીમાંથી બહાર આવ્યો. બીજા વિશ્વયુદ્ધમાં યુનાઇટેડ સ્ટેટ્સ પ્રવેશ્યું ત્યાં સુધી રાષ્ટ્રીય અર્થતંત્ર 1929ની સપાટીએ પહોંચ્યું નહોતું. પબ્લિક વક્ર્સ એડમિનિસ્ટ્રેશનના (P.W.A.) અને વક્ર્સ પ્રોગ્રામ એડમિનિસ્ટ્રેશન (W.P.A.) દ્વારા થોડા ઘણા બેકારોને કામ અપાયું છતાં 1939માં પણ 95 લાખ બેકાર નોંધાયેલા હતા.

‘ન્યૂ ડીલ’ના ભાગ રૂપે મજૂર-માલિક કે મજૂર-સંચાલક સંબંધ સુધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. 1935માં આંદોલન પછી વૅગ્નર ઍક્ટ પસાર કરવામાં આવ્યો હતો. તદનુસાર નૅશનલ લેબર રિલેશન્સ બોર્ડ રચાયું. સંચાલકની સમકક્ષ ઊભા રહી સામૂહિક સોદો કરવાનો અધિકાર મજૂરો માટે તેમાં સ્વીકારાયો. 1938માં ફેર લેબર સ્ટૅન્ડર્ડ્ઝ ઍક્ટ પસાર થયો ને તેમાં કેટલાક ઉદ્યોગધંધા માટે ન્યૂનતમ રોજીના દરની ને કામના મહત્તમ કલાકની જોગવાઈ કરવામાં આવી. અનુકૂળ કાનૂની પરિસ્થિતિ સર્જાતાં મજૂરો સંગઠિત થયા, મજૂરસંઘોની સભ્યસંખ્યા 1932માં 32 લાખની હતી તે 1940માં 90 લાખની થઈ.

1935માં ‘સોશિયલ સિક્યૉરિટી ઍક્ટ’ પસાર કરવામાં આવ્યો. વૃદ્ધો માટેનાં પૅન્શન, બેકારી-વીમો, અપંગ, સગીર બાળકો, અનાથ બાળકો, અંધજન ને જરૂરિયાતમંદ માણસો માટે આર્થિક સહાય – આ સર્વમાં ફેડરલ સરકારની સામેલગીરી આ કાયદાને કારણે વધી.

‘ન્યૂ ડીલ’ની સમગ્ર નીતિને તેના પ્રશંસકોએ અમેરિકન ઇતિહાસમાં ફેડરલ સરકારે ભારે કલ્પકતા દાખવીને પસાર કરેલા આંતરિક નીતિને લગતા કાયદાઓના વિસ્ફોટ તરીકે વર્ણવી છે. બીજી બાજુ ટીકાકારોએ મંદી દૂર કરવામાં નિષ્ફળ નીવડેલ સંસ્થાઓ ને નીતિઓના સમૂહ તરીકે તેની ગણતરી કરી છે. નવી નીતિને  ‘ન્યૂ ડીલ’ને  આંશિક સફળતા મળી એમ ખરેખર તો કહી શકાય. વધુ મહત્ત્વની વાત તો એ છે કે તે વિચારણા ને નીતિના એક વળાંકને દર્શાવે છે. બજારના અર્થતંત્રમાં રાજ્યે દખલ ન કરવી જોઈએ, કેમ કે છેવટના સરવાળે તેમાં વ્યક્તિના સ્વાર્થ સાથે સમદૃષ્ટિનું કલ્યાણ આપોઆપ સધાય છે. આ ધારણા હવે મંદી પછી અંતિમ રૂપમાં સ્વીકાર્ય રહેતી નથી. પૂર્ણ રોજગારી માટે પર્યાપ્ત અસરકારક માગ સર્જાતી રહે તે રીતે અર્થતંત્રનું સંચાલન કરવાની ને ગરીબોને સહાય કરવાના કાર્યક્રમો માટે જોગવાઈ કરવાની ફેડરલ સરકારની પ્રતિબદ્ધતાનો પાયો ‘ન્યૂ ડીલે’ નાખ્યો છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. બજારના અર્થતંત્રનું નિયમન કરવાની ને માર્ગદર્શન આપવાની જવાબદારી રાજ્યે સ્વીકારી તેનાં આર્થિક પરિણામો અંગે બેમત હોઈ શકે. સરકારી પ્રવૃત્તિના વિસ્તારનાં ને આધુનિકીકરણનાં દીર્ઘકાલીન વલણોનો આરંભ ‘ન્યૂ ડીલ’થી થયો. યુનાઇટેડ સ્ટેટ્સના તત્કાલીન પ્રમુખ સક્રિય બન્યા ને સામેના સવાલોના નવીનતાભર્યા ઉકેલ તેમણે શોધ્યા. ત્યાંના ઇતિહાસમાં પ્રમુખે આરંભેલા અન્ય કોઈ કાર્યક્રમનો આટલો ભારે પ્રભાવ પડ્યો નથી.

બદરીપ્રસાદ મ. ભટ્ટ