ન્યૂ જર્સી : યુનાઇટેડ સ્ટેટ્સનું સંલગ્ન રાજ્ય અને ઔદ્યોગિક રીતે વિકસિત આર્થિક ઘટક. તે ઉત્તર મધ્ય ઍટલાન્ટિક મહાસાગરના કિનારે, યુ. એસ ના ઈશાન ભાગમાં આવેલાં બે મહત્ત્વનાં શહેરો ન્યૂયૉર્ક અને ફિલાડેલ્ફિયાની વચ્ચે, હડસન અને ડેલવેર નદીઓની વચ્ચે આવેલું છે. તેનું ભૌગોલિક સ્થાન 38° 55´ થી 44° 21´ ઉ. અ. અને 73° 53´ થી 75° 35´ પ. રે વચ્ચે આવેલું છે. રાજ્યની કુલ લંબાઈ 267 કિમી. અને કુલ પહોળાઈ 92 કિમી. જેટલી છે. તેનો કુલ વિસ્તાર 22,591 ચોકિમી. અને વસ્તી 92,88,994 (2020) છે. યુ.એસ.નાં અન્ય સંલગ્ન રાજ્યોની સરખામણીમાં આ રાજ્યમાં વસ્તીની ગીચતા સૌથી વધારે છે. વહીવટી દૃષ્ટિએ તે 21 પરગણાંમાં વહેંચાયેલું છે. ટ્રેન્ટન તેનું પાટનગર છે.

ન્યૂ જર્સી

ભૂપૃષ્ઠ : રાજ્યના વાયવ્ય ખૂણે ઍપેલેશિયન ડુંગરધારો અને ખીણોનો વિસ્તાર છે. ખીણોમાં ખડકો વિવૃત થયેલા છે, પરંતુ ઢોળાવો પર ખેતરો આવેલાં છે. રાજ્યની સરહદને સમાંતર કિટ્ટાટિની પર્વતો વિસ્તરેલા છે. ડેલવેર નદી આ પર્વતોને ભેદીને જ્યાં બહાર પડે છે ત્યાં ‘ડેલવેર વૉટર ગૅપ’ નું રમણીય દૃશ્ય ઉદ્ભવેલું છે. રાજ્યના પૂર્વભાગમાં દરિયાઈ રેતાળ પટ, ક્ષારીય પંકપ્રદેશો, ખાડીસરોવરો, જંગલો અને ખુલ્લાં મેદાનો છે. કિનારાનાં મેદાનોથી ઉત્તર તરફ પહાડોનો તળેટી-વિસ્તાર છે, તળેટી-વિસ્તારની વાયવ્યમાં ઊંચાણવાળો ન્યૂ ઇંગ્લૅન્ડ પ્રદેશ છે. ત્યાં ઘણાં સરોવર, નાઇસ ખડકના બંધારણવાળી, સપાટ શિરોભાગવાળી ડુંગરધારો આવેલી છે. પશ્ચિમે અને દક્ષિણે ફળદ્રૂપ જમીનો હોવાથી ત્યાં બાગાયત  વાડીઓનો વિકાસ થયો છે. હડસન અને ડેલવેર ઉપરાંત પાસેક, રામાપો અને રૅરિટન નદીઓ પર રાજ્યનાં ઔદ્યોગિક શહેરો વિકસ્યાં છે. 5/4/2024ના રોજ વહેલી સવારે 240 વર્ષમાં પહેલીવાર 4.8ના રિક્ટર સ્કંલનો ભૂકંપ અનુભવાયો હતો. કોઈ જાનહાની નોંધાઈ ન હતી.

ન્યૂ જર્સીને ન્યૂયૉર્ક સાથે જોડતા અનેક માર્ગો અને પુલો

આબોહવા : અહીં ઉનાળા ખુશનુમા અને શિયાળા ઠંડા રહે છે. જુલાઈનું તાપમાન 21° થી 24° સે. વચ્ચે, જાન્યુઆરીનું તાપમાન 2° થી 3° સે. જેટલું રહે છે. વાર્ષિક સરેરાશ વરસાદ 1,170 મિમી. જેટલો પડે છે.

આર્થિક પ્રવૃત્તિઓ : આ રાજ્યના અર્થતંત્ર પર કોઈ એક વ્યવસાયનું વર્ચસ નથી. વિવિધ વ્યવસાયોની સરખામણીએ ઉદ્યોગો અને પ્રવાસનનો ફાળો વધારે છે. મુખ્ય પેદાશોમાં દૂધની બનાવટો, શાકભાજી અને વિવિધ પ્રકારનાં ફૂલોનો સમાવેશ થાય છે. ઔદ્યોગિકીરણના પ્રારંભિક તબક્કામાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, રેલવે-એેંજિનો, લોખંડ-પોલાદ તથા માટીની ચીજવસ્તુઓની પેદાશોનું તેમજ ખાદ્યપ્રક્રમણનું મહત્ત્વ હતું; પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછીના ગાળામાં રસાયણો, વીજળીનાં ઉપકરણો, ઇલેક્ટ્રૉનિક્સની પેદાશોનું મહત્ત્વ વધ્યું છે. યુ.એસ.નાં અન્ય સંલગ્ન રાજ્યોની સરખામણીમાં રાસાયણિક ચીજવસ્તુઓની પેદાશોમાં આ રાજ્ય સૌથી મોખરે છે. 1977માં રાજ્ય સરકારની મંજૂરીથી હોટલો અને જુગારખાનાં પણ વિકસ્યાં છે. રોજગારીની બાબતમાં સેવાક્ષેત્ર મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

અહીંના ઘણા લોકો સેવા-ઉદ્યોગમાં છે. વળી અહીંથી અનેક નિવાસીઓ ન્યૂયૉર્ક અને ફિલાડેલ્ફિયામાં વ્યાવસાયિક સેવાર્થે પણ જતા હોય છે. આ બંને શહેરો આ રાજ્યની પેદાશોના બજાર તરીકે કામ આપે છે. ખનિજ-પેદાશોની બાબતમાં વાયવ્ય ભાગમાંથી જસત, દરિયાકિનારાના રેતાળ પટમાંથી ટિટેનિયમ તથા મે ભૂશિર(Cape May)ના સમુદ્રજળમાંથી મૅગ્નેશિયમ મેળવવામાં આવે છે.

રાજ્યમાં ચાર યુનિવર્સિટીઓ છે. તેમાં ડ્ર્યૂ ફેઅરલીડિક્સન, સીટન હૉલ અને પ્રિન્સ્ટનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સ્ટીવન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીનું સ્થાન તક્નીકી શિક્ષણમાં અગત્યનું છે. દુનિયાભરની મોટામાં મોટી ખાનગી સંશોધન-પ્રયોગશાળાઓ પૈકીની એક એટી ઍન્ડ ટી બેલ લૅબોરેટરી અહીં ન્યૂ પ્રૉવિડન્સ નજીક આવેલી છે.

ઇતિહાસ : સોળમી સદીમાં યુરોપિયનો અહીં આવ્યા તે અગાઉ અહીં સ્થાનિક આલ્ગોન્કિયન ઇન્ડિયન ડેલવેર જનજાતિના લોકો વસતા હતા. 1524માં ફ્રાન્સના પ્રતિનિધિ તરીકે ઇટાલીનો દરિયાખેડુ જિઓવાન્ની દ વેરાન્ઝાનો ન્યૂ જર્સીના દરિયાકિનારે ઊતરેલો. એ જ રીતે ડચ પ્રદેશના પ્રતિનિધિ તરીકે 1609માં અંગ્રેજ દરિયાખેડુ હેન્રી હડસને સૅન્ડી હુક ઉપસાગર તથા હડસન નદીવિસ્તારની મુલાકાત લીધેલી. 1660માં ન્યૂ જર્સીના હાલના સ્થળે ડચ લોકોએ સર્વપ્રથમ કાયમી વસાહત ઊભી કરી ત્યારે આ પ્રદેશનું નામ બર્ગેન હતું. 1664માં ઇંગ્લૅન્ડે આ પ્રદેશ પર પોતાનો કબજો જમાવ્યો અને ઇંગ્લિશ ખાડીમાં આવેલા જર્સી ટાપુ પરથી આ વિસ્તારને ‘ન્યૂ જર્સી’ નામ આપ્યું. 1775થી 1783ના અમેરિકન ક્રાંતિના ગાળા દરમિયાન અહીં આશરે સો જેટલી લડાઈઓ લડવામાં આવેલી, તેથી આ પ્રદેશ ‘ક્રાંતિના અખાડા’(કૉકપિટ ઑવ્ ધ રેવૉલ્યુશન)ના નામથી જાણીતો બનેલો છે. પ્રિન્સ્ટન અને ટ્રેન્ટન બંને શહેરો યુદ્ધ દરમિયાન યુ.એસ. માટેનાં મુખ્ય મથકો રહેલાં. 1861થી 1865ના અમેરિકી આંતરવિગ્રહ દરમિયાન અહીંના વતનીઓ યુનિયન લશ્કરમાં લડાઈઓ લડેલા. 19મી સદીની શરૂઆતથી આ રાજ્યમાં વાહનવ્યવહારની સગવડોનો વધારો થતાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો. 1940ના દાયકામાં અહીંના રસાયણ અને વીજાણુ-ઉદ્યોગો ખૂબ વિકસ્યા. ભૌગોલિક વિસ્તારની દૃષ્ટિએ યુ.એસ.નાં સંલગ્ન રાજ્યોમાં તેનો 46મો ક્રમ હોવા છતાં ઔદ્યોગિક વિકાસની બાબતમાં તે અન્ય રાજ્યો કરતાં મોખરાનું સ્થાન ધરાવે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે