ન્યૂ જનરલ કૅટલૉગ : ડૅનિશ ખગોળવિદ લુડવિગ એમિલ ડ્રેયરે સંપાદિત કરેલ દૂર આકાશી પદાર્થોની યાદી (સૂચિ). NGC તરીકે તે વધુ પ્રચલિત છે. 1888માં પ્રસિદ્ધ કરેલ NGCમાં 8,000 પદાર્થોને આવરી લઈ તેમની માહિતી આપવામાં આવી છે. આ સાથે 1895 અને 1908માં NGC સાથે બીજા 5,000 પદાર્થોની બે પુરવણી તૈયાર કરવામાં આવી છે જેને અનુક્રમણિકા (index) કૅટલૉગ કહે છે. કેટલાય તારા અને નિહારિકાઓ NGCના ક્રમથી ઓળખાય છે. આમ છતાં ફ્રેન્ચ ખગોળવિદ ચાર્લ્સ મેસિયરે આપેલા M ક્રમને પણ ઉપયોગમાં લેવાય છે. એટલે કે NGC પ્રમાણે ‘NGC 6205’ અથવા મેસિયર પ્રમાણે ‘M 13’ જેવા ક્રમ અપાય છે. વળી વિલિયમ હર્શલે સૂચવેલી પ્રણાલીનો પણ ઉપયોગ થાય છે.
વ્યવહારમાં બધા જ તેજસ્વી તારાગુચ્છ, નિહારિકા અને તારાવિશ્વ(galaxy)ને NGC ક્રમ હોય છે. તેમને બીજી પ્રણાલીઓ પ્રમાણે ક્રમ આપ્યા હોવા છતાં NGC ક્રમ તો હોય જ છે. NGC – 1976ને M42 તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને ‘Great Nebula in Orion’ જેવું નામ પણ આપવામાં આવ્યું છે, જે વધુ લોકપ્રિય થયું છે.
પ્રહલાદ છ. પટેલ