ન્યૂ આલ્ફ્રેડ નાટક કંપની
January, 1998
ન્યૂ આલ્ફ્રેડ નાટક કંપની : ઓગણીસમી સદીની ગુજરાતી વ્યવસાયી નાટકમંડળી. વિક્ટોરિયા નાટક મંડળીની સફળતા પછી હીરજીભાઈ ખંભાતા, માણેકજી માસ્તર, જમશેદજી માદન વગેરે રંગભૂમિરસિકોએ આલ્ફ્રેડ નાટક મંડળીની ઈ. સ. 1870માં સ્થાપના કરી અને તખ્તાના કસબી કુંવરજી નાજરે મુંબઈના તખ્તા ઉપર ‘મિકૅનિકલ સિનેરી’નો પ્રથમ ઉપયોગ કર્યો. આ કંપની સફળતાપૂર્વક ચાલતી હોવા છતાં એના ભાગલા પડ્યા અને (1885માં) જાણીતા હાસ્યનટ સોરાબજી ઓગરા ‘ન્યૂ આલ્ફ્રેડ નાટક કંપની’માં મુખ્ય દિગ્દર્શક તરીકે જોડાયા. ઓગરાએ ‘ઇન્દ્રસભા’, ‘લૈલામજનૂ’, ‘સરફરોશ’ વગેરે નાટકોનું એમાં દિગ્દર્શન કર્યું. તેમણે તે વેળા હજી પાંગરતા નટ અમૃત કેશવ નાયકની ત્રેવડ પિછાણી, અભિનય ઉપરાંત સહદિગ્દર્શનની જવાબદારી પણ એને સોંપી. પંદર વર્ષની ઉંમરે અમૃતે નવી કંપની માટે ‘અલાઉદ્દીન’ નાટક તૈયાર કર્યું અને લૈલાની ભૂમિકા પોતે જ ભજવી. ઈ. સ. 1898 સુધી અમૃતે ‘બીમારે બુલબુલ’ વગેરે અનેક નાટકોમાં અભિનય-દિગ્દર્શન સંભાળ્યાં. ન્યૂ આલ્ફ્રેડ નાટક કંપની મોટેભાગે અત્યાર સુધી શેક્સપિયરનાં નાટકોનાં રૂપાંતરો ભજવતી હતી. ‘હૅમ્લેટ’ પરથી ‘ખૂને નાહક’, ‘રોમિયો-જુલિયેટ’ પરથી ‘બઝ્મે ફાની’ વગેરે. પરંતુ માણેકજી માસ્તર અને માણેકશા બલસારાની અઢી દાયકાની માલિકી દરમિયાન ન્યૂ આલ્ફ્રેડ નાટક કંપનીએ ભારતીય કથાવસ્તુનાં મૌલિક નાટકોની પ્રસ્તુતિ શરૂ કરી : ‘નૃસિંહાવતાર’, ‘વીર અભિમન્યુ’, ‘દ્રૌપદીસ્વયંવર’, ‘ગૌતમ બુદ્ધ’ વગેરે. ગુજરાતની જૂની ગણાતી પ્રારંભની વ્યાવસાયિક મંડળીઓમાં ન્યૂ આલ્ફ્રેડ નાટક કંપની અંગ્રેજીનાં પ્રશિષ્ટ નાટકોનાં પોતાનાં રૂપાંતરો, તખ્તાની કરામતો અને સોરાબજી ઓગરા તેમજ અમૃત કેશવ નાયક જેવા કલાકારોને પ્રોત્સાહક સ્થાન આપનાર હતી.
હસમુખ બારાડી