ન્યૂયૉર્ક (શહેર) : યુનાઇટેડ સ્ટેટ્સનું મોટામાં મોટું શહેર. દુનિયાનાં દસ મોટાં મહાનગરો પૈકી છઠ્ઠા ક્રમે આવતું મહાનગર તથા ધીકતું બંદર. તે ન્યૂયૉર્ક રાજ્યની દક્ષિણે વિસ્તરેલા ભૂમિભાગમાં અગ્નિ છેડે હડસન નદીના મુખ પર આવેલું છે. ભૌગોલિક સ્થાન : 40° 43´ ઉ. અ. અને 74° 01´ પ. રે.. આ સ્થળે જ હડસન નદી આટલાન્ટિક મહાસાગરને મળે છે. 1625માં ડચ વસાહતીઓએ ન્યૂ ઍમસ્ટર્ડૅમ નામથી જે વસાહત સ્થાપેલી તેને જ 1664માં ન્યૂયૉર્ક નામ આપવામાં આવ્યું હતું. યુ.એસ.ના વ્યાપારી પાટનગર તરીકે ઓળખાતા આ શહેરમાં જ રાષ્ટ્રસંઘનું મુખ્ય કાર્યાલય આવેલું છે. તે સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે પણ જાણીતું છે. મેટ્રો શહેરનો કુલ વિસ્તાર 1,214 ચોકિમી. છે. મહાનગરની કુલ વસ્તી આશરે 2 કરોડ (2021) જેટલી છે. આ શહેરની વસ્તી 88,04,190 (2023).
આ મહાનગર નગરપાલિકાઓ ધરાવતા પાંચ પેટાવિભાગોમાં વહેંચાયેલું છે, જેમાં જૂનામાં જૂનું, સૌથી મહત્ત્વનું છતાં વિસ્તારમાં સૌથી નાનું મૅનહટન, વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટું ક્વીન્સ, વસ્તીની દૃષ્ટિએ સૌથી નાનું સ્ટૅટન (ટાપુ), બ્રુકલિન તથા બ્રૉન્ક્સનો સમાવેશ થાય છે. સ્ટૅટન ટાપુનું જૂનું નામ બરો ઑવ્ રિચમૉન્ડ હતું. આ પાંચેય ન્યૂયૉર્ક રાજ્યનાં પરગણાં પણ છે.
સમશીતોષ્ણ આબોહવા ધરાવતા આ મહાનગરના શિયાળા ઠંડા અને ઉનાળા પ્રમાણમાં ઓછા ગરમ હોય છે. જાન્યુઆરીનું સરેરાશ તાપમાન 0° સે. તથા જુલાઈનું સરેરાશ તાપમાન 24° સે. હોય છે. વાર્ષિક સરેરાશ વરસાદ 1,067 મિમી. પડે છે.
ન્યૂયૉર્ક દુનિયાનું સૌથી મોટું ઉદ્યોગ, વ્યાપાર તથા નાણાકીય કેન્દ્ર ગણાય છે. તે લાખો લોકો(નોકરિયાતો)ને રોજગારી પૂરી પાડે છે, જે પૈકી 35 લાખ લોકો શહેરમાં જ કામ કરે છે. છાપકામ, પ્રકાશન, તૈયાર પોશાકો, રસાયણો, ખાદ્યપદાર્થો, યંત્રો અને યંત્રસામગ્રી, રાચરચીલું તથા કાગળનું ઉત્પાદન કરતા હજારો એકમો અહીં આવેલા છે, યુ.એસ.ની મોટામાં મોટી તથા મહત્ત્વની વિત્તીય સંસ્થાઓનાં મુખ્ય કાર્યાલયો આ શહેરમાં આવેલાં છે. ત્યાંનું શૅરબજાર દુનિયાના સૌથી વધુ સંવેદનશીલ શૅરબજારો પૈકીનું એક ગણાય છે.
હડસન નદીના ટાપુ પર સ્વાતંત્ર્યદેવીનું પૂતળું, ટાઇમસ્ક્વેર, જાણીતી વ્યક્તિઓનાં મીણનાં પૂતળાં જોવાલાયક ગણાય. આતંકવાદીઓ દ્વારા કરાયેલા હુમલામાં શહીદોનાં સ્મારક તૈયાર કરાયાં છે.
ન્યૂયૉર્ક યુ.એસ.નું મોટામાં મોટું અને સૌથી વધુ કાર્યરત બંદર છે, જ્યાં બે લાખ કામદારો કામ કરે છે. આ બંદર ઊંડું છે અને બારેમાસ બરફમુક્ત રહેતું હોવાથી અન્ય બંદરો કરતાં ત્યાંથી માલસામાનની મોટા પ્રમાણમાં હેરફેર થાય છે.
પચરંગી વસ્તી ધરાવતા આ મહાનગરમાં પાંચ મુખ્ય જાતિઓ વસે છે, જે કુલ વસ્તીના 75%થી 80% થાય છે. તેમાં અશ્વેત આશરે 25%, યહૂદીઓ આશરે 20%, ઇટાલિયનો આશરે 14%, પ્યુર્ટોરિકનો આશરે 12% તથા આયરિશ આશરે 9% છે. એ બધાં હવે મૂળ અમેરિકી નાગરિકો જ ગણાય છે.
ન્યૂયૉર્ક દરિયાઈ, રેલવે, હવાઈ તેમજ સડકમાર્ગોથી દેશનાં જુદાં જુદાં રાજ્યો અને નગરો સાથે જોડાયેલું છે. મહાનગરનાં ત્રણ હવાઈ મથકો – જૉન એફ. કૅનેડી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, ક્વીન્સ પરગણામાં આવેલ લા ગાર્ડિયા હવાઈ મથક તથા ન્યૂયૉર્ક આંતરરાષ્ટ્રીય હવાઈ મથક – સતત વ્યસ્ત રહે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે