ન્યૂટ્રૉન તારક (neutron star) : ન્યૂક્લિયર ઊર્જાનો સ્રોત ખલાસ થઈ જતાં, પ્રચંડ ગુરુત્વાકર્ષણ બળને કારણે ઇલેક્ટ્રૉન-અપભ્રષ્ટતા(electron degeneracy)ની હદ સુધી સંકોચન પામતો તારક. ન્યૂટ્રૉન તારકનું દળ અને તેનું દ્રવ્ય પાણીની ઘનતા કરતાં 1014થી 1015 ગણી ઘનતા ધરાવે છે. અહીં
સૂર્યનું દળ છે.

ન્યૂટ્રૉન તારક
તારાની અંદર દહન પામતું દ્રવ્ય ખલાસ થઈ જતાં, તારાનો વિસ્ફોટ થાય છે. વિસ્ફોટ પામતા તારાને અધિનવતારા (supernona) કહે છે. વિસ્ફોટ દરમિયાન તારાની બહારનું સ્તર ફેંકાઈ જાય છે અને પ્રચક્રણ (spin) કરતો અંતર્ભાગ (core) બાકી રહે છે, જે ન્યૂટ્રૉન તારક છે. તેમાં પ્રોટૉન અને ઇલેક્ટ્રૉન દબાયેલા (squeezed) હોય છે. પરિણામે ન્યૂટ્રૉન રચાય છે.
ન્યૂટ્રૉન તારક પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે. પૃથ્વી પર મળતા સૌથી વધારે પ્રબળ ચુંબકના ચુંબકીય ક્ષેત્ર કરતાં તેનું ચુંબકીય ક્ષેત્ર અબજોગણું વધારે હોય છે. આવું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુતભારિત કણોને પ્રવેગિત કરે છે. એ રીતે તે પ્રવેગક તરીકે કાર્ય કરે છે. આવા પ્રવેગિત કણો વિદ્યુતક્ષેત્ર રચે છે, જે તારાની સપાટી ઉપર ઇલેક્ટ્રૉન અને પ્રોટૉનને છૂટા પાડે છે. આ જાતના વિદ્યુતભારિત કણો પ્રવેગી ગતિ કરતા હોવાથી કેટલીક વખત રેડિયો-તરંગો, ક્ષ-કિરણો અથવા અન્ય પ્રકારનું વિકિરણ ઉત્પન્ન થાય છે.
1938માં ન્યૂટ્રૉન તારકની આગાહી કરવામાં આવી હતી; પણ તેની ભાળ છેક 1967માં મળી. આ વર્ષે ઇંગ્લૅન્ડના રેડિયો દૂરબીને નિયમિત રીતે ફાટી (burst) નીકળતા હોય તેવા પદાર્થની નોંધ લીધી. આ પદાર્થ જેને પલ્સાર તરીકે ઓળખાવવામાં આવ્યો હતો તે વાસ્તવમાં તો ન્યૂટ્રૉન તારક જ છે.
પ્રહલાદ છ. પટેલ