ન્યૂટ્રા, રિચાર્ડ જૉસેફ (જ. 8 એપ્રિલ 1892, વિયેના; અ. 16 એપ્રિલ 1970, જર્મની) : અર્વાચીન અમેરિકન સ્થાપત્યના પ્રારંભિક તબક્કાના ઉલ્લેખનીય સ્થપતિ. તેમણે મકાનને સંઘટિત પૂર્ણ ગણી મકાનનાં નાનાં અંગોને પણ મહત્ત્વ આપ્યું. જન્મથી ઑસ્ટ્રિયન હોવાથી પ્રારંભિક શિક્ષણ વિયેનામાં મેળવી જર્મનીમાં 1912-14 સુધી લૂઝના તથા 1921-23 સુધી મેન્ડેલસૉમના માર્ગદર્શન હેઠળ કામ કર્યું. ત્યારબાદ 1923માં અમેરિકા થઈ 1925માં લૉસ ઍન્જલસમાં સ્થાયી થયા.
ત્યાંથી તેમણે અમેરિકામાં યુરોપની સ્થાપત્ય-શૈલીનો પ્રસાર કર્યો. મુખ્યત્વે તેમણે શ્રીમંત કુટુંબો માટેના આવાસોની ડિઝાઇન કરી છે. તેમાં 1946નું કૉલરાડોનું ડેઝર્ટ-હાઉસ, 1947નું પામ સ્પ્રિંગ્ઝનું કોકમૅન-હાઉસ તથા પહેલાં 1933માં તથા ત્યારબાદ 1964માં સિલ્વર લેકમાં નિર્માણ કરેલું પોતાનું નિવાસસ્થાન મુખ્ય છે. છેલ્લે છેલ્લે તેમણે કેટલાંક ધાર્મિક તેમજ વ્યાપારી મકાનોની ડિઝાઇન પણ કરી હતી.
તેમણે 1927માં ‘વી બૉટ અમેરિકા’ (‘Wie Baut Amerika’) તથા 1954માં ‘સર્વાઇવલ થ્રૂ ડિઝાઇન’ (‘Survival Through Design’) નામનાં પુસ્તકો લખ્યાં હતાં.
હેમંત વાળા