ન્યૂક્લિયો કૅપ્સિડ : ન્યૂક્લીઇક ઍસિડ અને તેની ફરતે આવેલું પ્રોટીનનું બનેલું વિષાણુનું રક્ષણાત્મક કવચ (capsid). વિષાણુની આ વિશિષ્ટ રચનાને ‘ન્યૂક્લિયો કૅપ્સિડ’ કહે છે. વિષાણુ માત્ર ન્યૂક્લિયો કૅપ્સિડનું બનેલું હોય છે. સંપૂર્ણપણે વિકસિત એવા વિષાણુના ન્યૂક્લિયો કૅપ્સિડને ‘વિરિયૉન’ કહે છે. કેટલાંક વિરિયૉનમાં કૅપ્સિડની ફરતે એક વધારાનું આવરણ આવેલું હોય છે, જેને બાહ્યાવરણ કહેવામાં આવે છે. બાહ્યાવરણ ધરાવતા વિષાણુને ‘આવરણયુક્ત વિષાણુ’ અને બાહ્યાવરણ ન ધરાવતા વિષાણુને ‘નગ્ન વિષાણુ’ કહે છે.

વિષાણુની રચના : (1) નગ્ન વિષાણુ, (2) આવરણયુક્ત વિષાણુ

કૅપ્સિડ : આ કવચ પ્રોટીનની શૃંખલાઓનું બનેલું હોય છે. શૃંખલાઓના પ્રત્યેક એકમને પ્રોટોમર કહે છે, જ્યારે કૅપ્સિડમાં આવેલા આ એકમો ‘કૅપ્સોમિયર’ તરીકે ઓળખાય છે. કૅપ્સોમિયરો વિષાણુના મધ્ય ભાગમાં આવેલ ન્યૂક્લીઇક ઍસિડની ફરતે વિશિષ્ટ અને ચોક્કસ ભૂમિતીય ભાત(pattern)વાળું કવચ બનાવે છે.

આ કવચ વિષાણુના પ્રતિજન(antigen)ની ગરજ સારે છે. ચેપ દરમિયાન વિષાણુમાંથી માત્ર ન્યૂક્લીઇક ઍસિડ યજમાનકોષની અંદર પ્રવેશે છે, જ્યારે કૅપ્સિડ બહાર રહી જાય છે.

કૅપ્સિડની રચનાના આધારે વિષાણુઓને નીચેના ત્રણ ભાગમાં વહેંચી શકાય :

(I) ઘનાકાર વિષાણુ : દા. ત., પોલિયોના વિષાણુ; હર્પીસના વિષાણુ વગેરે. કૅપ્સિડો આ પ્રકારના વિષાણુની ‘ઇકોસાહેડ્રલ’ રચના ધરાવે છે. ઇકોસાહેડ્રલ એ 20 બાજુઓ અને 12 ખૂણાઓ ધરાવતી એક રચના છે. ઇકોસાહેડ્રલ રચનામાં બે પ્રકારના કૅપ્સોમિયરો જોવા મળે છે :

(1) પેન્ટૉન : તે ખૂણાના શિરોબિંદુ પર ગોઠવાયેલ હોય છે અને

તેની સંખ્યા 12 હોય છે.

(2) હેક્સૉન : તે બાજુઓની રચના કરે છે અને તે વધુ સંખ્યામાં

જોવા મળે છે.

(II) કુંતલાકાર (helical) વિષાણુ : દા. ત., ટી.એમ.વી. આ પ્રકારના વિષાણુ પોલી સોટી જેવા આકારનું કૅપ્સિડ ધરાવે છે. આ કૅપ્સિડ સખત, બરડ અથવા નરમ હોઈ શકે છે.

(III) જટિલ વિષાણુ : દા. ત., શીતળાના વિષાણુ; બૅક્ટેરિયોફાજ વગેરે. આ પ્રકારના વિષાણુના કૅપ્સિડો ઘનાકાર અને કુંતલાકાર  એમ બંને પ્રકારની રચના ધરાવે છે.

બૅક્ટેરિયોફાજને ઘનાકાર માથું અને કુંતલાકાર પૂંછડી હોય છે. પૂંછડીના છેડે આધારપટ્ટી તથા પુચ્છતંતુઓ પણ હોય છે.

ન્યૂક્લીઇક ઍસિડ : વિષાણુ-જનીન દ્રવ્ય તરીકે તે ડી.એન.એ. અથવા આર.એન.એ. ધરાવે છે. ન્યૂક્લીઇક ઍસિડનો અણુ સામાન્યપણે કુંતલાકાર, રેખીય કે વર્તુળાકાર હોઈ શકે છે.

કેટલાક વિષાણુઓમાં જનીન દ્રવ્ય ટુકડાઓમાં વિભાજિત થયેલું જોવા મળે છે; દા. ત., ઇન્ફ્લુએન્ઝાના વિષાણુમાં જનીન દ્રવ્ય આઠ ટુકડાઓમાં વિભાજિત હોય છે.

વનસ્પતિના વિષાણુ તેમજ કેટલાંક પ્રાણીના વિષાણુઓમાં જનીન દ્રવ્ય તરીકે આર.એન.એ. હોય છે અને તે ધન કે ઋણ પ્રકારનું હોય છે. ધન આર.એન.એ. સંદેશવાહક આર.એન.એ. (m – RNA) તરીકે વર્તે છે, જ્યારે આર.એન.એ. બીબા (template) તરીકે વર્તે છે અને તે સંદેશવાહક આર.એન.એ.નું ઉત્પાદન કરે છે.

બાહ્યાવરણ : અગાઉ જણાવ્યા પ્રમાણે કેટલાક વિષાણુઓના કૅપ્સિડને ફરતે બાહ્યાવરણ હોય છે. તે પ્રોટીન તેમજ લિપિડનું બનેલું હોય છે. લિપિડ દ્રવ્ય યજમાન કોષના કોષરસ-પટલમાંથી મેળવેલું હોય છે જ્યારે પ્રોટીનનું ઉત્પાદન વિષાણુ પોતે કરે છે. જો આ લિપિડ કાર્બનિક દ્રાવકના સંપર્કમાં આવે તો વિષાણુ યજમાનમાં રોગ ઉપજાવવાની ક્ષમતા ગુમાવી દે છે.

કેટલાક વિષાણુઓમાં બાહ્યાવરણની ફરતે ભાલાકાર (spikelike) તંતુકો આવેલા હોય છે અને તેઓ કાર્બોદિતો તથા પ્રોટીનના બનેલા હોય છે. આ તંતુકોને પેપ્લોમર કહે છે.

પ્રમોદ રતિલાલ શાહ