ન્યાયકોશ (1874) : દાર્શનિક પરિભાષાઓની સમજૂતી આપતો, મહામહોપાધ્યાય ભીમાચાર્ય ઝળકીકરનો સંસ્કૃત કોશ. અહીં વસ્તુત: ફક્ત ન્યાયદર્શનનાં જ નહિ, પરંતુ વિવિધ દર્શનોના – એ દર્શનોમાં આવતા પારિભાષિક શબ્દો લેવામાં આવ્યા છે. એ શબ્દોની શાસ્ત્રીય વ્યાખ્યા, તેના પ્રકારો વગેરેની સમજ આપતો આ ગ્રંથ વિશ્વકોશની ઢબનો છે. લેખકે 1874માં સર્વપ્રથમ આ ન્યાયકોશની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત કરી ત્યારે ફક્ત તેમાં 400 શબ્દો અકારાદિ-ક્રમે ગોઠવીને સમજાવેલા. એ પછી લેખકે પોતે જ ઈ. સ. 1893માં તેની બીજી આવૃત્તિ તૈયાર કરી ત્યારે 1894 શબ્દોની સમજ આપી અને બીજાં શાસ્ત્રોના પારિભાષિક શબ્દો ઉમેરી કોશનું ફલક વિસ્તારેલું. એ પછી લેખકના અવસાન બાદ 1928માં આ ન્યાયકોશની મહામહોપાધ્યાય વાસુદેવ શાસ્ત્રી અભ્યંકરે ત્રીજી આવૃત્તિ સંપાદિત કરી, જેમાં 2,562 શબ્દોની સમજૂતી આપવામાં આવી છે. ત્રીજી આવૃત્તિમાં ભાષા સરળ હોવાથી તે વધુ લોકપ્રિય બની છે. ન્યાયકોશમાં શબ્દની શાસ્ત્રીય વ્યાખ્યા અને તેના પ્રકારો ઉદાહરણ સહિત મૂકવામાં આવ્યાં છે. 102 જેટલા શાસ્ત્રગ્રંથો, કાવ્યસાહિત્ય, સ્મૃતિસાહિત્ય વગેરેમાંથી શબ્દની જુદી જુદી વ્યાખ્યાઓ ઉદાહરણો સાથે અહીં આપી છે. ન્યાય-વૈશેષિક, નવ્યન્યાય, તર્કશાસ્ત્ર, વ્યાકરણ, ધર્મશાસ્ત્ર, વેદ, ઉપનિષદો, સ્મૃતિ વગેરેમાં આવતી અને તમામ શાસ્ત્રગ્રંથોમાં વપરાતી પારિભાષિક શબ્દાવલી તેમાં આપવામાં આવી છે. ન્યાયશાસ્ત્રના 32 મુખ્ય લેખકો, તેમણે રચેલા ગ્રંથો અને તેમના પરની ટીકાઓ તથા અનુટીકાઓની અને અન્ય કેટલીક સૂચિઓ પણ આરંભમાં આપવામાં આવી છે. આવો ઉપયોગી ન્યાયકોશ પુણેની ભાંડારકર ઓરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તરફથી ગઈ સદીમાં પ્રકાશિત થયો હતો.
ન્યાયકોશના લેખક ભીમાચાર્ય ઝળકીકર કર્ણાટકમાં આવેલા ઝળકી ગામના વતની હતા. તેઓ એલ્ફિન્સ્ટન કૉલેજમાં દર્શનશાસ્ત્રના અધ્યાપક હતા. ઇંગ્લૅન્ડના રાજા જ્યૉર્જ પાંચમાએ તેમને તેમની વિદ્વત્તાનું સન્માન કરવા ‘મહામહોપાધ્યાય’ની પદવી આપેલી. આવું સન્માન પામનારા જે બે મહારાષ્ટ્રીય વિદ્વાનો, તેમાં તેમના જ ન્યાયકોશની ત્રીજી આવૃત્તિ તૈયાર કરનારા વાસુદેવ શાસ્ત્રી અભ્યંકરનો સમાવેશ થાય છે. તેઓ વૈષ્ણવ સંપ્રદાયના મધ્વ-સિદ્ધાંતના અનુયાયી હતા.
પ્ર. ઉ. શાસ્ત્રી