નૌમી (Noumea, Numea) : પૅસિફિક મહાસાગરના નૈર્ઋત્ય ભાગમાં આવેલા ટેરીટરી ઑવ્ ન્યૂ કેલિડોનિયાનું પાટનગર, બંદર તથા મોટામાં મોટું શહેર. આ પ્રદેશ ફ્રેન્ચોની વિદેશી વસાહત છે. ભૌગોલિક સ્થાન : 22° 16´ દ. અ. અને 166° 27´ પૂ. રે. ઊંડું પાણી ધરાવતું આ બંદર ત્રણ બાજુએ ભૂમિથી ઘેરાયેલું છે, દક્ષિણ તરફ પૅસિફિક મહાસાગર છે. તેને નાઉ ટાપુનું રક્ષણ મળી રહે છે. આ શહેરની આજુબાજુ ઓછી ઊંચાઈની ટેકરીઓ આવેલી છે, જે તેની રમણીયતામાં વધારો કરે છે.
1854માં પૉર્ટ દ ફ્રાન્સ નામથી આ નગરની સ્થાપના થઈ હતી. તેની મધ્યમાં એક વિસ્તૃત બજાર છે, જ્યાંથી તેની આર્થિક અને વ્યાપારી પ્રવૃત્તિઓનું સંચાલન થાય છે. શહેરમાં આધુનિક ઢબની ઇમારતો ઉપરાંત સેન્ટ જૉસેફ કૅથીડ્રલ આવેલાં છે. શહેરની બાજુમાં જળવિદ્યુત-મથક છે, જ્યાંથી શહેરને વીજળીનો પુરવઠો મળી રહે છે. આ બંદરેથી નિકલ અને ક્રોમિયમની નિકાસ થાય છે. શહેરની બાજુમાં લા ટોન્ટાઉટા અને મૅગેન્ટા નામનાં બે હવાઈ મથકો આવેલાં છે. 2015 મુજબ આ શહેરની વસ્તી 1,00,237 જેટલી હતી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે