નૌનયન (navigation) : નૌકાઓને સમુદ્રમાર્ગે એક સ્થળથી બીજા સ્થળે સલામતીપૂર્વક લઈ જવાની ક્રિયા/વિદ્યા. પૃથ્વીની સપાટીનો 75 % જેટલો વિસ્તાર મહાસાગરો તથા વિશાળ સરોવરોના પાણીથી ઢંકાયેલો છે. આ જળ-વિસ્તાર ભૂ-ખંડોને એકબીજાથી અલગ કરે છે. આથી ઘણા પ્રાચીન કાળથી, વિશાળ જળવિસ્તારો દ્વારા, પરસ્પરથી અલગ થયેલા પ્રદેશો વચ્ચે માલસામાન તથા ઉતારુઓની હેરફેર માટે માનવી નૌકાઓ દ્વારા સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ કરતો આવ્યો છે. નૌનયન પૃથ્વી પર, માનવસંસ્કૃતિના ઉદય જેટલું જ પ્રાચીન છે. માનવસંસ્કૃતિના પ્રાચીન ગ્રંથોમાં, ગુફા-ચિત્રોમાં તથા અન્યત્ર નૌનયનના ભરપૂર નિર્દેશો મળે છે.
પ્રાચીન સમયમાં અને ત્યારથી, લગભગ ઓગણીસમી સદીની શરૂઆત સુધી નૌકાઓ લાકડાની અને પ્રમાણમાં નાના કદની બનતી. સામાન્યત: આ નૌકાઓ સઢના ઉપયોગ દ્વારા, પવન વડે ચાલે તેવી હતી અને ઘણી વાર સામુદ્રિક પ્રવાહોની પણ મદદ લેવાતી. સમુદ્રની સપાટી પર, વર્ષના જુદા જુદા સમયે, ચોક્કસ દિશાઓ તરફ નિયમિત વાતા મોસમી પવનો તથા ભરતી-ઓટ તેમજ જુદા જુદા સામુદ્રિક વિસ્તારોમાં તાપમાનના ફેરફારો વગેરે કારણોથી નિયમિતપણે ઉત્પન્ન થતા અને નિશ્ચિત માર્ગે વહેતા સામુદ્રિક પ્રવાહોથી, લાંબા અનુભવ દ્વારા નૌચાલકો પરિચિત હતા અને નૌનયનમાં એનો ઉપયોગ કરતા.
નૌચાલકોને નૌનયનમાં મુખ્ય ભય, છીછરા પાણીમાં ડૂબેલા ખરાબા પર નૌકા ચડી જવાથી, નૌકાનો, એમાં ભરેલ માલસામાનનો તથા ક્વચિત નૌકાના નાવિકગણનો નાશ થાય; અથવા ક્યારેક સામુદ્રિક તોફાનોમાં સપડાઈને, નૌકાને નુકસાન થવાથી એ ડૂબી જાય કે કિનારા પર ચઢી જઈને એ તૂટી જાય એ છે. આથી નૌકા સલામત રીતે તથા નિર્ધારિત દિશામાં ગતિ કરે એ નૌનયનવિદ્યાનું આવશ્યક અંગ છે. એ માટે, પ્રાચીન સમયથી નૌચાલકો સૂર્ય, ચંદ્ર તથા તારાસમૂહોના ભ્રમણ-માર્ગના નિરીક્ષણ દ્વારા તથા ચુંબકીય હોકા-યંત્ર જેવાં પ્રાથમિક સાધનોની મદદથી અફાટ સમુદ્રમાં નૌનયન કરતા. કિનારાના નજીકના વિસ્તારોમાં તથા બારાંઓના પ્રવેશ-માર્ગોમાં નૌનયન મુખ્યત્વે સ્થાનિક નિશાનીઓ તથા સ્થાનિક પ્રવાહો, ઊંડાઈ વગેરેના નૌચાલકના લાંબા સમયના જાતઅનુભવના આધારે થતું.
ઓગણીસમી સદીની શરૂઆતમાં, પશ્ચિમના દેશોમાં ઔદ્યોગિક ક્રાન્તિ તથા યાંત્રિક પ્રગતિને લીધે થયેલા ઝડપી વિકાસથી, જુદા જુદા સામુદ્રિક દેશો (maritime countries) વચ્ચે માલ-સામાનની તથા મુસાફરોની હેરફેરમાં ખૂબ વધારો થવા લાગ્યો. આને પગલે સમુદ્રયાનોમાં પણ ઝડપી પરિવર્તન થવા લાગ્યું. નૌકાઓના બાંધકામમાં લાકડાને સ્થાને લોખંડનો ઉપયોગ થવા લાગ્યો; વિશાળ કદની નૌકાઓ બનવા લાગી; નૌકાઓના ચાલન માટે પવન અને સમુદ્રપ્રવાહોને સ્થાને યંત્રોનો ઉપયોગ શરૂ થયો; નૌકાઓની ઝડપમાં ખૂબ વધારો થયો તથા નૌચાલન માટે સ્વયં-સંચાલિત પદ્ધતિઓનો ઘણો વિકાસ થયો. આ પરિવર્તનની, નૌનયનવિદ્યા પર પણ ઘણી અસર થઈ છે.
નૌનયનને મુખ્યત્વે 3 વર્ગમાં મૂકી શકાય : અફાટ અને ઊંડા સમુદ્રોમાં નૌનયન; છીછરા સમુદ્રો અને કિનારા નજીકના સમુદ્ર-વિસ્તારમાં નૌનયન તથા બારાંઓના પ્રવેશમાર્ગોમાં અને બારા-વિસ્તારોમાં નૌનયન. એ ત્રણેય વર્ગમાં, નૌનયનનાં ભયસ્થાનો તથા નૌનયનને અસર કરતાં પરિબળોમાં થોડી ભિન્નતાઓ છે.
અફાટ અને ઊંડા સમુદ્રોમાં નૌનયન પર પવન, મોજાં તથા સામુદ્રિક પ્રવાહો અસર કરે છે. આથી નૌનયન કરવામાં, વર્ષની જુદી જુદી ઋતુઓમાં, ચોક્કસ દિશાઓ તરફ, નિયમિત વાતા મોસમી પવનો; ચોક્કસ દિશાઓમાં વહેતા સામુદ્રિક પ્રવાહો; સમુદ્રમાં તોફાન જન્માવે એવા વાતાવરણના ફેરફારો વગેરેનું જ્ઞાન આવશ્યક છે. નૌકાના ગંતવ્ય સ્થાન(destination)ના પરિપ્રેક્ષ્યમાં, સમયાંતરે સમુદ્ર પર નૌકાનું સ્થાન નક્કી કરવાનું તથા સાચી દિશામાં નૌકાની ગતિ થાય તે જોવાની સમજણ જરૂરી છે. ભૂતકાળમાં આ આકાશી ગ્રહોના સ્થાનના પરીક્ષણ દ્વારા અથવા નિર્યામ ગણતરી દ્વારા કરવામાં આવતું. હવે જોકે, ઇલેક્ટ્રૉનિક્સના વિકાસથી, રેડિયો દ્વારા સ્થાન નક્કી કરવાની ડેક્કા, રેડીસ્ટ, લોરેન વગેરે પ્રકારનાં ઇલેક્ટ્રૉનિક ઉપકરણોનો તથા અત્યાધુનિક નૅવિગેશનલ સેટેલાઇટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે.
છીછરા સમુદ્રમાં અને કિનારા નજીકના સમુદ્ર-વિસ્તારોમાં નૌનયન કરવામાં પવન, મોજાં તથા જળ-પ્રવાહો તો અસર કરે જ, પરંતુ એ ઉપરાંત ભરતી-ઓટ, તરંગલીલા(surges and swells); નૌકાનું કદ (size of ship including her draft) અને એની લાક્ષણિકતાઓ; નૌકાની ગતિ પોતાની ગતિ તેમજ બાજુમાંથી પસાર થતી અન્ય નૌકાઓની ગતિની સરખામણીમાં તેની ગતિ, સમુદ્ર તળનો પ્રકાર, વગેરે પણ નૌનયન પર અસર કરે છે. આવા વિસ્તારોમાં, પાણીની ઓછી ઊંડાઈને લીધે નૌકાની સલામતી માટે, નૌકાની નીચે, નિશ્ચિત પ્રમાણમાં લઘુતમ પાણીની ઊંડાઈ હોય તે બહુ જરૂરી છે. આ લઘુતમ ઊંડાઈનું પ્રમાણ કેટલું હોવું જોઈએ તે ભરતી-ઓટની ઊંચાઈ, પવન, મોજાં, નૌકાની ઝડપ, વગેરે બાબતોથી નક્કી થાય.
ભરતી-ઓટને લીધે નૌકા સમુદ્રતળના સંદર્ભમાં, ઊંચે કે નીચે જાય છે. ભરતી વખતે નૌકાની નીચે ઊંડાઈ વધારે હોય છે જ્યારે ઓટ વખતે એ ઊંડાઈ ઘટી જાય છે, જેથી નૌકા સમુદ્રતળ જોડે અથડાવાનો પણ ભય રહે છે. ક્યારેક, ભરતી-ઓટની આ અસર, પવનને લીધે વિશેષ મહત્વની બને છે.
છીછરા પાણીમાં, અને ખાસ કરીને બારાંઓના પ્રવેશ-માર્ગોમાં, નૌકાની ગતિને લીધે, નૌકાના આગળના ભાગમાં પાણીનો ભરાવો થાય છે. આ પાણી નૌકાની નીચેની તથા આજુબાજુની જગ્યામાંથી પ્રતીપ-પ્રવાહ (reverse current) તરીકે પાછું ફરતું હોય છે. આથી ગતિમાન નૌકાની નીચેની પાણીની ઊંડાઈમાં, નોંધપાત્ર ઘટાડો થાય છે. આને ‘સ્કવૉટ’ કહેવાય છે. સાંકડા જળમાર્ગમાં તેમજ નૌકાની ગતિ વિશેષ હોય તો આ ‘સ્કવૉટ’નું પ્રમાણ વિશેષ થાય છે, જેને લીધે નૌકા સમુદ્ર-તળ સાથે ભટકવાના પ્રસંગો પણ બને છે.
બારાંઓના પ્રવેશ-માર્ગો જેવા છીછરા અને સાંકડા જળ-વિસ્તારોમાં મોજાંઓને લીધે, ગતિમાન નૌકા હાલકડોલક થાય છે. આવી હાલક-ડોલક ગતિ છ પ્રકારની હોય છે; જેને હીવિંગ, રોલિંગ, પીચિંગ, યો, સ્વે અને સર્જ કહે છે. આકૃતિમાં આ ગતિઓ દર્શાવી છે.
મોજાંની અસરથી થતા હીવિંગમાં, નૌકા ઊંચી-નીચી થાય છે. રોલિંગમાં નૌકા એની અનુલંબ ધરી(longitudinal axis)ની આજુબાજુ ત્રાંસી થાય છે. જ્યારે પીચિંગમાં નૌકાના છેડાઓ એકબીજાની વિરુદ્ધ દિશામાં ઉપર નીચે થાય છે. રોલિંગ તથા પીચિંગની અસરથી વિશાળ કદની નૌકાના છેડાનાં બિંદુઓનાં હલનચલનનું પ્રમાણ વધી જાય છે. જેને લીધે, ક્યારેક નૌકા સમુદ્રતળની જોડે અથડાઈ જાય છે.
મોજાંની અસર દ્વારા ઉત્પન્ન થતી હીવિંગ, રોલિંગ તથા પીચિંગની મુખ્યત્વે ઉપર-નીચેની દિશામાં થતી, હાલકડોલક ઉપરાંત, છીછરા સમુદ્ર તથા સાંકડા જળમાર્ગમાં પવન તથા જળપ્રવાહથી ઉત્પન્ન થતી યો, ક્ષૈતિજ તલમાં થતી નૌકાની હાલકડોલક ગતિ પણ નૌનયનને અસર કરે છે. આવી અચાનક થયેલ ક્ષૈતિજ તલના હાલકડોલકને લીધે ગતિમાન નૌકા ક્યારેક બાજુમાં પસાર થતી અન્ય નૌકા જોડે અથવા જળમાર્ગમાં નજીકમાં રહેલા ડૉલ્ફિન કે બોયા જેવા ભારે ઉપકરણ જોડે અથડાઈને અક્સ્માત સર્જી શકે છે.
આ રીતે જુદા જુદા પ્રકારના નૌનયનમાં નૌકાની સલામતી માટે આવાં બધાં પરિબળો તથા એની સંભવિત અસરોને લક્ષમાં રાખવી જરૂરી છે.
પ્રાચીન સમયથી નૌનયનવિદ્યા કૌટુંબિક પરંપરા તથા અનુભવ દ્વારા શીખવવામાં આવતી અને એ રીતે ભારતમાં કચ્છ, ગુજરાત, સૌરાષ્ટ્ર, કેરળ, તમિળનાડુ, ઓરિસા, બંગાળ વગેરે પ્રદેશોના સમુદ્રકિનારા પરના વિસ્તારોના ખલાસીઓ અને નાવિકોએ ઘણી ઉચ્ચ કક્ષાની નૌનયનવિદ્યા તથા સામુદ્રિક પરંપરાઓ વિકસાવી છે.
કચ્છ અને સૌરાષ્ટ્રના નાવિકોએ ભારત તથા આફ્રિકા વચ્ચેના હિન્દી મહાસાગર, અરબી સમુદ્ર, ઈરાની અખાત, લાલ સમુદ્ર, ભૂમધ્ય સમુદ્ર વગેરે જળવિસ્તારોમાં અનેક સફરો ખેડીને સમુદ્ર પારના દેશો જોડે વ્યાપાર તથા સાંસ્કૃતિક આદાનપ્રદાનમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. ‘ઘોઘાનો વર અને લંકાની લાડી’ કહેવત ખૂબ જાણીતી છે. એ જ રીતે, તમિળનાડુ, ઓરિસા વગેરેના સમુદ્રકિનારાના નાવિકોએ મ્યાનમાર, જાવા, સુમાત્રા, ઇન્ડોનેશિયા અને દૂર પૂર્વના અન્ય પ્રદેશો સાથે સામુદ્રિક વ્યવહારની ઉચ્ચ પરંપરાઓ વિકસાવી. ઉચ્ચકક્ષાની નૌકાઓ બાંધવાની કળામાં તથા અફાટ સમુદ્રો પર લાંબી સફરો ખેડવા માટે આવશ્યક એવી નૌનયનકળા માટે ભારતે પ્રાચીન સમયમાં, વિશ્વભરમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરેલું.
આધુનિક સમયમાં નૌકાઓનાં કદ, બાંધકામ, ઝડપ વગેરેમાં આમૂલ પરિવર્તન થવાથી, માત્ર કૌટુંબિક પરંપરા અને અનુભવ દ્વારા મેળવાયેલ નૌનયનનું જ્ઞાન પર્યાપ્ત ન થઈ શકે. અગાઉના 200થી 300 ટન વજન પરિવહન કરવાની ક્ષમતાવાળાં, સઢવાળાં, લાકડાનાં વહાણોને સ્થાને, આધુનિક 10 લાખ ટન જેટલું વજન પરિવહન કરી શકે એવી વિશાળ અને લોખંડની બનેલી તથા અત્યંત શક્તિશાળી યંત્રો વડે ખૂબ ઝડપથી ચાલતી અને સ્વયંસંચાલિત અનેક ઇલેક્ટ્રૉનિક ઉપકરણોથી સજ્જ નૌકાઓના નૌનયન માટે અદ્યતન જ્ઞાન તથા ખાસ પ્રકારની ઘનિષ્ઠ તાલીમ આવશ્યક છે.
નૌનયનના આધુનિક શિક્ષણ માટે ભારતમાં ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ છે. સ્વાતંત્ર્ય પૂર્વેના સમયમાં, સન 1927થી આધુનિક નૌનયનનું શિક્ષણ, સરકારની ‘ડફરીન’ નામની તાલીમનૌકા પર આપવામાં આવતું. સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ શિક્ષણ સુવિધાઓમાં ઘણો વધારો કરવામાં આવ્યો. અને હાલમાં નૌનયનનાં શિક્ષણ તથા તાલીમ નીચે મુજબની સંસ્થાઓમાં આપવામાં આવે છે :
(1) 1948માં સ્થપાયેલ LBS નોટિકલ અને એન્જિનિયરિંગ કૉલેજ, મુંબઈ.
(2) 1949માં સ્થપાયેલ ડિરેક્ટરેટ ઑવ્ મરીન એન્જિનિયરિંગ, કૉલકાતા – એની એક શાખા મુંબઈમાં છે.
(3) તાલીમનૌકા ‘ડફરીન’ જૂની થવાથી એને સ્થાને, 1972માં સ્થાપવામાં આવેલ તાલીમનૌકા ‘રાજેન્દ્ર’ મુંબઈ.
આ સંસ્થાઓમાં આધુનિક નૌકાઓ પર કપ્તાન તથા અન્ય કક્ષાના નૌનયન-અધિકારી તરીકે ફરજ બજાવી શકે એવા પ્રશિક્ષિત અધિકારીઓને નીચે મુજબનાં પ્રમાણપત્રો (competency certificates) આપવામાં આવે છે :
(1) એકસ્ટ્રા માસ્ટર, (2) ફૉરિન ગોઇંગ માસ્ટર, (3) પ્રથમ દરજ્જાનો મેઇટ, (4) દ્વિતીય દરજ્જાનો મેઇટ, (5) હોમ ટ્રેઇડ માસ્ટર, (6) હોમ ટ્રેઇડ મેઇટ.
ઉપર પ્રમાણે શિક્ષણ અને પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા બાદ પણ નૌનયનનો ઉચ્ચતર તેમજ સ્થાનિક અનુભવ મેળવવો જરૂરી હોય છે. ખાસ કરીને અગત્યનાં બંદરોના પ્રવેશમાર્ગોમાં તથા ધક્કા પર નૌકાઓની હેરફેર માટે પાઇલટની આવશ્યકતા છે. તે સ્થાનિક પરિસ્થિતિમાં નૌનયન પર અસર કરતાં ભૌતિક પરિબળો વિશે ખાસ જ્ઞાન ધરાવતા હોય છે.
નૌનયનની સલામતી માટે બાહરી ભૌતિક ઉપકરણો પણ આવશ્યક છે. આવાં ઉપકરણો (navigational aids) સામાન્યત: નૌચાલકને બે પ્રકારે મદદરૂપ થાય છે :
(1) નૌકાના જળમાર્ગમાં કે જળમાર્ગની તદ્દન નજીકમાં, પરંતુ પાણીની સપાટીની નીચે રહેલા, છીછરા ખરાબાના અસ્તિત્વની માહિતી આપે કે જેથી નૌકાની સલામતી માટે, નૌકાને એવા ખરાબાથી દૂર રાખી શકાય.
(2) નૌનયન દરમિયાન નૌચાલક સમુદ્ર પર સમયાંતરે નૌકાનું સ્થાન નક્કી કરી શકે એ માટે જળમાર્ગની નજીક આવતાં ભૌગોલિક સ્થાનો ધરાવતાં ઉપકરણો કે સાધનો.
આવાં ઉપકરણોમાં દીવાદાંડીઓ, પ્રકાશિત નૌકાઓ (light vessels), રેડિયો બીકન, સામાન્ય બીકન, બોયાં, ગાઢ અને નૌનયનમાં ભયરૂપ ધુમ્મસની ચેતવણી આપતાં ધ્વનિમથકો (fog singals) વગેરેનો સમાવેશ થાય છે. ભારતમાં, દીવાદાંડી અધિનિયમ 1927 અનુસાર, આવાં ઉપકરણો જરૂરિયાત મુજબ મૂકવાની, એની જાળવણી કરવાની તથા એ અંગેની માહિતીઓ નૌચાલકોને સમયસર મળે એવી વ્યવસ્થા કરવાની વગેરે કાર્યવહી ભારત સરકારના લાઇટ-હાઉસ ખાતા (department of light-houses and lightships) દ્વારા થાય છે. આ ખાતા દ્વારા, ભારતના સમુદ્રતટ પર આશરે 150 દીવાદાંડીઓ, 14 રેડિયો બીકન, 13 ફૉગ-સિગ્નલો, 12 ડેક્કા સ્ટેશનો, ઘણી પ્રકાશિત નૌકાઓ, બોયાં વગેરે મૂકવામાં આવેલ છે.
આ ઉપરાંત, અગત્યનાં બંદરોના પ્રવેશ-માર્ગ પર નૌનયન માટે સ્થાનિક ઉપકરણો મૂકવાની જરૂર હોય છે. આવા પ્રવેશ-માર્ગોમાં સમયાંતરે કાદવના ભરાવા (siltation) તથા ભરતીઓટના પ્રવાહોથી જળમાર્ગની ઊંડાઈ અને પહોળાઈમાં ફેરફાર થાય છે. આવા ફેરફારોને લક્ષમાં રાખીને સલામત જળમાર્ગ દર્શાવે એવાં સ્થાનિક ઉપકરણો મૂકવાની જવાબદારી સંબંધિત બંદર-તંત્રની છે.
ભ. પ. કૂકડિયા