નૌતલ ઇટા (Eta Carinae) : દક્ષિણ તારકવૃંદ (constellaetion) નૌતલમાં ચાવીના છિદ્ર (key hole) આકારની નિહારિકા (nebula). તે લાલ તારા જેવી છે. તેનો કૅટલૉગ નંબર NGC 3372 છે. અંગ્રેજ ખગોળવેત્તા સર એડમંડ હેલીએ 1677માં તેની નોંધ કરી હતી. 4 માનાંક (magnitude) ધરાવતો તે તારો છે. 1843માં તેની મહત્તમ તેજસ્વિતા નોંધાઈ હતી. તે સમયે તેજસ્વિતાનું મૂલ્ય 1 માનાંક જેટલું હતું. નવતારા (nova) અને અધિનવતારા (super nova) જેવા સ્ફોટક તારા થોડાક સમય માટે તેજસ્વિતા ધરાવે છે. જ્યારે આ તારો કેટલાંક વર્ષો સુધી તેજસ્વી રહે છે. 1857થી તે ક્રમશ: મંદ પડતો ગયો અને 1870માં નરી આંખે દેખાતો બંધ થયો. ત્યારબાદ તેની તેજસ્વિતામાં અનિયમિત ફેરફાર થતો રહ્યો છે. એક સમયે તેની તેજસ્વિતા 7 માનાંક સુધી પહોંચી ગઈ હતી. તારાની આજુબાજુની નિહારિકા તેજસ્વી વાયુનું વિસ્તરણ પામતું કવચ છે. આ કવચ પ્રભામંડળ (halo) જેવું હોય છે. એવું જણાયું છે કે આ તારાનું ન્યૂક્લિયર ઈંધણ ઝડપથી વપરાતું જાય છે અને છેવટે ભવિષ્યમાં નૌતલ ઇટા અધિનવતારો બની શકે તેમ છે.
પ્રહલાદ છ. પટેલ