નૌચાલન : માલસામાન અને પ્રવાસીઓની હેરફેર માટે જળમાર્ગો ઉપર વાહન ચલાવવાની પ્રવૃત્તિ. આવાં વાહન તરીકે હોડી, જહાજ, સ્ટીમર જેવાં સાધનોનો ઉપયોગ થાય છે. નૌચાલનની મૂળ શરૂઆત યુરોપની ફિનિશિયન અને મીનોશ પ્રજાએ સૌપ્રથમ વખત ઈ. સ. પૂ. 1200થી 600 ના સમયગાળા દરમિયાન ઉત્તર આટલાન્ટિકમાં કરી હતી એવો ઐતિહાસિક ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. રિહોડોટસના જણાવ્યા પ્રમાણે આ ફિનિશિયન પ્રજા રાત્રિ દરમિયાન નૌકાચાલન વખતે ધ્રુવના તારાનો દિશાઓ જાણવા માટે ઉપયોગ કરતી હતી. યુરોપના નવજાગૃતિના સમય પછી જુદા જુદા રાજાઓએ મુખ્યત્વે ભારતનો જળમાર્ગ શોધવા માટે મેગેલન, કોલંબસ, એમેરીગુ વેસ્પુશી જેવા નાવિકોનો ઉપયોગ કર્યો હતો. આ અરસામાં જુદા જુદા જમીન-ખંડો શોધાયા હતા; જે આધુનિક યુગના નૌચાલનની એટલે કે સમુદ્રો અને મહાસાગરોના જળમાર્ગની આધારશિલા ગણી શકાય. એમેરીગુ વેસ્પુશીએ અમેરિકા ખંડ, કોલંબસે ઉત્તર અમેરિકા અને વાસ્કો-ડી-ગામાએ ભારતનો જળમાર્ગ શોધ્યો હતો. મેગેલન નામના નાવિકે વિશ્વમાં સૌપ્રથમ વાર પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પૃથ્વી ગોળ છે તેવું સાબિત કર્યું હતું.
ભારતની વર્તમાન નૌચાલન અંગેની પરિસ્થિતિનો વિચાર કરતાં તેનો ભવ્ય ભૂતકાળ નજર સમક્ષ તરી આવે છે. ભારતમાં નૌચાલન તે વખતે પણ ઘણું જ વિકસિત હતું. સિકંદરે યુદ્ધ બાદ પાછા ફરતાં ભારતનાં આશરે 2000 વહાણોનો ઉપયોગ કર્યો હતો. મૌર્ય, ચાલુક્ય જેવાં હિન્દુ રાજ્યો પાસે દરિયાઈ સત્તા હતી તેવું માનવાને કારણ મળે છે. દક્ષિણ અને અગ્નિએશિયામાં મોકાનું સ્થાન, 6400 કિમી. કરતાં લાંબો સમુદ્રકિનારો, અનેક ઉપયોગી વસ્તુઓનું ઉત્પાદન ભારતને દરિયાઈ સત્તા થવા પ્રેરે તેમાં કોઈ નવાઈ ન હતી.
જળમાર્ગોમાં ખાસ કરીને આટલાન્ટિક, હિંદ મહાસાગર અને પૅસિફિક મહાસાગરનો ઉપયોગ થાય છે. વિજ્ઞાનની શોધો થતાં નૌચાલનમાં વપરાતાં સાધનોમાં પણ ફેરફારો આવતા ગયા છે. યંત્રોની શોધ થયા પહેલાં નૌચાલનમાં માત્ર શઢવાળાં વહાણોનો જ ઉપયોગ થતો અને ગુલામો દ્વારા હલેસાં ચલાવીને વહાણો હંકારાતાં હતાં. આ સમયગાળા દરમિયાન નૌચાલન અને નૌચાલકો કુદરતી આપત્તિઓનો ભોગ બનતાં હતાં. પરંતુ આધુનિક સ્ટીમરો, સુપર ટૅન્કરો, હોવરક્રાફ્ટ અને સબમરીન જેવાં સાધનો કુદરતી આપત્તિ સામે સારી રીતે ટક્કર ઝીલી શકે છે. આમ નૌચાલન વર્તમાન સમયમાં વધુ સલામત બન્યું છે.
વિશેષમાં સામુદ્રિક અંતરને ટૂંકાવવા નહેરો તૈયાર કરવામાં આવી, જેમાં પનામા, સુએઝ, ક્લિ જેવી નહેરો તૈયાર થતાં દેશો વચ્ચેનાં અંતરો ઘટતાં ગયાં. આજે વિશ્વનો મોટાભાગનો વેપાર જળમાર્ગો દ્વારા જ થાય છે.
આ ઉપરાંત નૌચાલનમાં મોટી નદીઓ અને સરોવરોનો પણ ઉપયોગ થાય છે. વિશ્વની તમામ મોટી નદીઓમાં હાલ નૌચાલન થાય છે. તેમાં ઉત્તર અમેરિકાનાં પાંચ મોટાં સરોવરોનો પણ સમાવેશ થાય છે.
આમ નૌચાલન વિશ્વના સસ્તા અને સલામત વાહનવ્યવહારનું મુખ્ય અંગ બન્યું છે.
રોહિત ગાંધી