નૌકાશ્રય (Harbour of refuge) : નૌકાઓને સુરક્ષા અને સગવડ આપતું દરિયાકિનારા પરનું આશ્રયસ્થાન. નૌકાશ્રય (બારું) એટલે સમુદ્રના કિનારા પર એવું સ્થળ કે જ્યાં નૌકાઓને સુરક્ષિત સગવડવાળો આશ્રય મળે. એ સમુદ્રના કાંઠા પર હોય (roadstead), ખાડી કે સમુદ્રને મળતી નદીના મુખમાં હોય અથવા કુદરતી કે કૃત્રિમ basinના પ્રકારનું હોય. ઉપયોગની દૃષ્ટિએ નીચે મુજબ વર્ગીકરણ થઈ શકે :
(1) નૌકાઓને આશ્રય માટેનું બારું (harbour of refuge). (2) બંદરની સુવિધાઓ ધરાવતું, માલ તથા ઉતારુઓની હેરફેર માટેનું બારું. (3) મત્સ્યઉદ્યોગ માટેનું બારું. (4) રાષ્ટ્રના નૌકાસૈન્યના ઉપયોગ માટેનું બારું.
ઘણાં બારાંઓ, ઉપરનાં પૈકી એક કરતાં વધારે ઉપયોગો માટેની સુવિધાઓ પૂરી પાડે છે.
નૌકાશ્રય માટેનાં બારાંનો મુખ્ય ઉદ્દેશ સમુદ્રના તોફાનના સમયમાં નૌકાઓને આશ્રયસ્થાન પૂરું પાડવાનો અને સમુદ્રના તોફાનથી કે અન્ય કારણોથી ક્ષતિ-ગ્રસ્ત નૌકાઓને રક્ષણ આપવાનો હોય છે. એ સંદર્ભમાં એનું સ્થાન તથા રચના ઘણાં મહત્વનાં છે; એ આ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડે એ આવશ્યક છે : (1) તુફાનગ્રસ્ત જળમાર્ગમાંથી સરળતાથી પહોંચી શકાય તેવું સ્થાન (ready or easy accessibility from sea), (2) સુરક્ષિત અને વિશાળ જળવિસ્તાર, (3) સામુદ્રિક તુફાનથી કે અન્ય કારણોથી ક્ષતિગ્રસ્ત નૌકાઓને આવશ્યક, ન્યૂનતમ દુરસ્તી ત્વરિત રીતે કરી શકાય એવી સવલતો તથા એ માટેના જરૂરી માલ-સામાનની પર્યાપ્ત ઉપલબ્ધતા, (4) સંદેશાવ્યવહારની તથા આંતરિક સ્થળો સાથે સંકળાતા જમીનમાર્ગોની ઉપલબ્ધતા.
(1) તુફાનગ્રસ્ત જળમાર્ગમાંથી સરળ અને ત્વરિત ઉપલભ્યતા (accessibility) : આનો આધાર બારાના સ્થાન પર છે. બારું સામુદ્રિક વ્યાપાર માટેના જાણીતા (estabished) જળમાર્ગની નજીક તથા સમુદ્રના કાંઠા પર જ હોય તો ક્ષતિગ્રસ્ત નૌકા આશ્રય માટે જલદી પહોંચી શકે અને આશ્રયની જરૂર સમાપ્ત થયે, સહેલાઈથી પોતાની સફર પુન: ચાલુ કરી શકે. ખાડીની અંદર કે અખાતમાં બારું હોય તો તે, તુફાન સામે વધારે રક્ષણ આપી શકે, પરંતુ ઘણી વખત, આવા બારાના મુખમાં, રેતીનો ભરાવો થવાથી ક્ષતિગ્રસ્ત નૌકા સરળતાથી મુખમાં પ્રવેશી શકતી નથી અને જો પ્રવેશમાર્ગ ચૂકી જવાય તો નૌકા આજુબાજુના કિનારા પર કે છીછરા પાણીમાં ચડી જઈને નાશ પામે. જુદાં જુદાં બારાંનાં ભૌતિક લક્ષણો તથા અન્ય પરિબળોના અભ્યાસથી સામાન્યત: એમ કહી શકાય કે બારું તોફાનમાં સપડાયેલ કે ક્ષતિગ્રસ્ત નૌકાની જેટલું નજીક હોય તેટલું જલદી પહોંચી શકાય. એનો પ્રવેશ-માર્ગ એવો હોવો જોઈએ કે નૌકા સરળતાથી પ્રવેશી શકે.
(2) સુરક્ષિત અને વિશાળ જળ-વિસ્તાર : જળ-વિસ્તારની વિચારણામાં બારું મહત્તમ સંખ્યામાં નૌકાઓને આશ્રય આપી શકે એ તથા મહત્તમ કેટલા કદની નૌકાને સમાવી શકે એ અગત્યનું છે. આવા બારામાં, સામાન્યત: ક્ષતિ-ગ્રસ્ત કે અન્ય નૌકાઓ પોતાના લંગર પર સ્થિર થયેલ હોય છે. એક લંગર પર સ્થિર થયેલ નૌકા અથવા મુરિંગ-બોયા સાથે બંધાયેલ નૌકા, ભરતી-ઓટના ફેરફાર સાથે વર્તુળમાં ફરતી રહે છે. આથી પ્રત્યેક નૌકા વર્તુળમાં ફરતી વખતે, બાજુની અન્ય નૌકા સાથે કે કિનારા સાથે અથડાય નહિ – એ મહત્વનું છે. ઘણી વાર નૌકાને, એક આગળ અને એક પાછળના ભાગે – એમ બે લંગર પર સ્થિર કરાય છે. આવી નૌકા માટે પણ, હેરફેર માટે પર્યાપ્ત વિસ્તાર ઉપલબ્ધ હોય એ જરૂરી છે.
મહત્તમ કેટલા કદની નૌકાને આશ્રય માટે બારામાં સમાવી શકાય એનો આધાર બારાના જળ-વિસ્તારમાં ઓટના સમયે ઉપલબ્ધ ઊંડાઈ તથા પ્રવેશ-માર્ગમાં ઉપલબ્ધ પાણીની ઊંડાઈ પર છે.
(3) ક્ષતિ-ગ્રસ્ત નૌકાઓને દુરસ્તી માટેની સવલતોની ઉપલભ્યતા : રક્ષણ માટે બારામાં આવેલ નૌકાઓ તુફાનનો ભય દૂર થતાં પોતાની સફર પુન: ચાલુ કરી શકે; પરંતુ ક્ષતિ-ગ્રસ્ત નૌકાઓ પોતાની સફર પુન: ચાલુ કરી શકે એ માટે તેમને જરૂરી દુરસ્તી કરવાનું આવશ્યક છે. આથી આવા બારાના સ્થાને, નૌકાઓની દુરસ્તી માટે જરૂરી સવલતો તથા માલસામાન ઇત્યાદિની ઉપલભ્યતા હોવી જરૂરી છે. ઘણી વખત, આવી નૌકાઓ બારામાં પ્રાથમિક અથવા ન્યૂનતમ દુરસ્તી કરીને, સમુદ્ર-સફર કરી શકાય એવી સ્થિતિમાં આવીને, જ્યાં પૂર્ણ દુરસ્તી માટે વિશેષ સવલતો ઉપલબ્ધ હોય તેવા નજીકના બંદરે જાય છે. ત્યાં પૂર્ણ દુરસ્તી કરીને નૌકા નિર્ધારિત સફર પુન: ચાલુ કરી શકે છે.
(4) સંદેશાવ્યવહારની તથા આંતરિક સ્થળો સાથે સાંકળતા જમીનમાર્ગોની ઉપલભ્યતા : સફરમાં રુકાવટ પામેલ અથવા કોઈ કારણસર ક્ષતિ-ગ્રસ્ત થઈને અટકેલ નૌકાને પોતાના મુખ્ય મથક જોડે સંદેશાવ્યવહાર કરવાનું ઘણું જરૂરી છે કે જેથી એ નાણાં તથા અન્ય મદદ મેળવી શકે. આથી નૌકાશ્રયનાં બારાં પર સંદેશાવ્યવહારની સવલતો ઉપલબ્ધ હોય છે.
ભારતમાં ઓખા, મુંબઈ, માંડવી વગેરે બંદરો શરૂઆતમાં નૌકાશ્રય માટે અસ્તિત્વમાં આવ્યાં અને કાળક્રમે, ત્યાં માલ-સામાન, ઉતારુઓ વગેરેની હેરફેર માટેની સુવિધાઓવાળાં વ્યાપારી, બંદરો તરીકે વિકસ્યાં.
ભ. પ. કૂકડિયા