નોહરિયા, નીતિન (જ. 9 ફેબ્રુઆરી 1962) : હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના વિશ્વસન્માનિત પ્રખ્યાત પ્રોફેસર તથા 2010થી 2020 સુધી હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના દસમા ડીન રૂપે કાર્ય કરનાર તથા પદ્મશ્રી પુરસ્કૃત. પોતાની આગવી નેતૃત્વ શૈલી અને શૈક્ષણિક દૃષ્ટિકોણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલને નવી ઊંચાઈએ પહોંચાડી.

નીતિન નોહરિયા
તેમનો જન્મ હિંદુ વણિક પરિવારમાં થયો. તેમના પિતા ક્રોમ્પટન ગ્રીવ્સ કંપનીના ભૂતપૂર્વ ચૅરમૅન હતા. શ્રી નોહરિયાએ પ્રાથમક શિક્ષણ નવી દિલ્હીમાંથી લીધું. પછી 1984માં તેઓએ આઈ.આઈ.ટી મુંબઈમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં બી.ટૅક.નો અભ્યાસ પૂરો કર્યો. ત્યારબાદ તેમણે મુંબઈ યુનિવર્સિટીના ‘જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ સ્ટડીઝ’માંથી એમ.બી.એ.ની ડિગ્રી મેળવી. 1988માં તેમણે મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજી (MIT Sloan) સ્લોન સ્કૂલ ઑફ મૅનેજમેન્ટમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. ત્યારબાદ તેઓ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના ફૅકલ્ટી બન્યા. તેમણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં વિવિધ પદો પર રહીને વર્ષો સુધી સેવા આપી છે. પ્રો. નોહરિયાએ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં લીડરશિપ ઇનિશિયેટિવના સહઅધ્યક્ષ તરીકે આધુનિક અગ્રસંસ્થાપન માટે વિવિધ કાર્યક્રમો ચલાવ્યા છે. જેનો ઉપયોગ વૈશ્વિક સ્તરે થઈ શકે તેવા એમ.બી. એ શપથ (MBA Oath) જેવા આંતરરાષ્ટ્રીય વ્યાવસાયિક પ્રકલ્પો પર તેમણે મહત્ત્વનું કાર્ય કર્યું છે. 5 મે, 2010ના રોજ પ્રો. નોહરિયાએ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના ડીન તરીકેની જવાબદારી સંભાળી. અમેરિકાની બહાર જન્મેલા તેઓ પ્રથમ એચ.બી.એસ. ડીન બન્યા. તેમના કાર્યકાળ દરમિયાન પ્રો. નોહરિયાએ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ (એચ.બી.એસ.)માં ઘણા ફેરફાર કર્યા. તેમણે ફિલ્ડ ઇમર્શન એક્સપીરિયન્સીઝ ફોર લીડરશિપ ડેવલપમેન્ટ (એફઆઈઈએલડી) એમ.બી.એ. પ્રોગ્રામને ફરીથી નવા રૂપમાં શરૂ કર્યો. તેમણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના પ્રોગ્રામોને ઑનલાઇન મૂકવામાં ઘણો અગત્યનો ભાગ ભજવ્યો. જેના કારણે પ્રસિદ્ધ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ વિશ્વમાં વધુ ને વધુ લોકો સુધી પહોંચી શકે તેમ બન્યું. તેમના મહત્ત્વના યોગદાન દ્વારા વિશ્વભરના વિદ્યાર્થીઓ માટે આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રો ખોલવામાં આવ્યાં. આમ સર્વોત્તમ વિચારો અને શોધોનો લાભ વિશ્વના જિજ્ઞાસુ અભ્યાસીઓને મળવાનો શરૂ થયો. 2017માં તેમણે અમેરિકન આર્થિક નીતિમાં વિશ્વકેન્દ્રિત દૃષ્ટિ જાળવવાની મહત્ત્વની વાત ઉઠાવી હતી. લંડન બિઝનેસ સ્કૂલમાં પણ તેમણે અતિથિ અધ્યાપક તરીકે સેવા આપી છે. તેઓ એક પ્રસિદ્ધ લેખક છે. તેમણે 16થી વધુ પુસ્તકો, 100થી વધુ લેખોનું લેખન અને સહસંપાદન કર્યું છે.
વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમ અને અન્ય સંસ્થાઓ દ્વારા તેમને અનેક ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે. 1997નો ટેરી પુરસ્કાર અને 2005નો પ્રાઇસ વૉટરહાઉસ કૂપર્સ પુરસ્કાર તેમને મળ્યા છે. હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂમાં ‘હાઉ ડુ સીઈઓ મૅનેજ ધેર ટાઇમ’ માટે 2008નો મેકેન્ઝી ઍવૉર્ડ તેમને મળ્યો છે. 2010માં ઇકૉનૉમિક ટાઇમ્સ દ્વારા ગ્લોબલ ઇન્ડિયન ઑફ ધ યર પુરસ્કાર, 2012માં ગ્લોબલ લીડરશિપ ઍવૉર્ડ, ડીન ઑફ ધ ઇયર અને 2012માં જ
સી. કે. પ્રહલાદ પ્રતિષ્ઠિત સ્કૉલર પ્રૅક્ટિશનર પુરસ્કારથી તેમનું સન્માન થયું છે. 2013માં વર્લ્ડ પૉલિસી ઍસોસિયેશન દ્વારા પુરસ્કાર, 2018માં ન્યૂ ઇંગ્લૅન્ડ ચોઇસ દ્વારા સન્માન, 2019માં મૅક્સિકો સિટી દ્વારા ડૉક્ટરેટની માનદ પદવી આપી તેમને બિરદાવવામાં આવ્યા છે. 2025માં ભારતીય મૂળના પ્રો. નોહરિયાનું ભારત સરકાર તરફથી પદ્મશ્રી દ્વારા સન્માન થયું છે.
પ્રો. નોહરિયાનું વ્યવસાય, વિકાસ અને નીતિ દૃષ્ટિએ પણ મહત્ત્વનું યોગદાન છે.
ભારતમાં ટાટા સન્સ પિરામલ એન્ટરપ્રાઇઝ, પિરામલ રિયાલિટી જેવી કંપનીઓમાં સલાહકાર તરીકે કામ કર્યું છે. શૉપ એક્સમાં ભારત આધારિત રીટેલ ટૅકનૉલૉજીના સ્ટાર્ટઅપમાં તેમણે માર્ગદર્શક તરીકે ભૂમિકા ભજવી છે. તેઓ ‘એક્સોર એન વી’, ‘મેસ જનરલ બ્રિગમ’, ‘રાકુટેન’ જેવી વિશ્વની આંતરરાષ્ટ્રીય કંપનીઓના બોર્ડ ઉપર છે. હાલ તેઓ અમેરિકાના બોસ્ટન શહેર નજીકના પ્રાંત લેક્સિંગ્ટનમાં પત્ની મોનિકા સાથે રહે છે. વિવિધ ભારતીય કલાકૃતિઓ એકત્રિત કરવાનું, વિશ્વભરનાં સ્થળોએ પરિવાર સાથે ફરવાનો તેમને શોખ છે. આજે પણ પ્રો. નોહરિયા વૈશ્વિક વ્યાવસાયિક સંસ્થાઓના માર્ગદર્શક રૂપે કાર્યરત છે.
હિના શુક્લ