નોવોસેલોવ, કૉન્સ્ટન્ટિન (Novoselov, Konstantin)
January, 2024
નોવોસેલોવ, કૉન્સ્ટન્ટિન (Novoselov, Konstantin) (જ. 23 ઑગસ્ટ 1974, નિઝ્ની તાગિલ, રશિયા) : દ્વિપારિમાણિક પદાર્થ ગ્રૅફીન પર અભૂતપૂર્વ પ્રયોગો માટે 2010નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમની અને આન્દ્રે ગિમ વચ્ચે વિભાજિત થયો હતો.
1997માં નોવોસેલોવે મૉસ્કો ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિઝિક્સ ઍન્ડ ટૅકનૉલૉજીમાંથી અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ પીએચ.ડી.ની પદવી માટે તેમણે નેધરલૅન્ડ્ઝની રેડબુક યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક આન્દ્રે ગિમના માર્ગદર્શન હેઠળ અને તે પછી ઇંગ્લૅન્ડની યુનિવર્સિટી ઑવ્ માન્ચેસ્ટરમાં સંશોધનકાર્યો હાથ ધર્યાં.
કાર્બન કુદરતી રીતે જુદા જુદા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એવું દ્રવ્ય કે જે કાર્બનનું બનેલું હોય, જેમાં કાર્બનના પરમાણુઓ ષષ્ટકોણીય જાળીમાં ગોઠવાયેલા હોય અને જેની જાડાઈ માત્ર એક પરમાણુ જેટલી જ હોય તે માત્ર સૈદ્ધાંતિક ધોરણે જ સંભવ બને તેમ ઘણા લાંબા સમયથી માનવામાં આવતું હતું. 2004માં કૉન્સ્ટન્ટિન નોવોસેલોવ અને આન્દ્રે ગિમે સફળતાપૂર્વક આવું દ્રવ્ય – ગ્રૅફીન – બનાવ્યું અને તેના ગુણધર્મોની ચકાસણી કરી. આ દ્રવ્ય અત્યંત પાતળું છતાં અત્યંત મજબૂત હતું; સારી ઉષ્મા અને વિદ્યુતવાહકતા ધરાવતું તથા સંપૂર્ણપણે પારદર્શક હોવા છતાં અત્યંત ઘન હતું. દ્રવ્ય-તકનીકી અને ઇલેક્ટ્રૉનિક્સ ક્ષેત્રે ગ્રૅફીને અનેક નવી શક્યતાઓના માર્ગ ખોલ્યા છે.
નોવોસેલોવ નૅશનલ ગ્રૅફીન ઇન્સ્ટિટ્યૂટના નિર્દેશક છે. તેમણે વિવિધ વિષયો પર અત્યાર સુધીમાં 336 સંશોધનપત્રો પ્રકાશિત કર્યાં છે. લંડનની રૉયલ સોસાયટીના તેઓ સભ્ય છે (FRS). યુનિવર્સિટી ઑવ્ માન્ચેસ્ટરમાં તેમણે લૅન્ગવર્ધી પ્રાધ્યાપકનું સ્થાન શોભાવ્યું છે. 2019માં તેઓ નૅશનલ યુનિવર્સિટી ઑવ્ સિંગાપોરના ઍડવાન્સ્ડ 2D મટીરિયલ કેન્દ્રમાં જોડાયા. હાલમાં તેઓ ત્યાં કાર્યરત છે.
પૂરવી ઝવેરી