નોળિયો (mongoose) : સાપના દુશ્મન તરીકે જાણીતું માંસાહારી (carnivora) શ્રેણીનું સસ્તન પ્રાણી. ભારતમાં વસતા નોળિયા(અથવા નકુળ)નો સમાવેશ હર્પેટિસ કુળમાં થાય છે. ભારતમાં સૌથી વધુ પરિચિત નોળિયા તરીકે H. edwardsiની ગણના થાય છે. સાપને મારનાર તરીકે મશહૂર હોવા છતાં અન્ય પ્રાણીઓની જેમ સાપના ઝેરની અસર નોળિયા પર પણ થાય છે અને નોળિયો ઝેરથી બચવા કોઈ વિષપ્રતિકારક દ્રવ્યનું પ્રાષણ પણ કરતો નથી. સાપની ગતિક્રિયાનું ચોક્કસ નિરીક્ષણ કરવાની સૂઝ નોળિયામાં હોય છે. તે પોતાના પગને ચપળતાપૂર્વક હલાવી સાપ ઉપર હુમલો કરે છે અને ઘણી વાર એક જ પ્રહારમાં સાપને મારી નાંખે છે. જોકે કોઈ વાર અનુભવના અભાવે નોળિયાનાં નાનાં બચ્ચાં સાપના ઝેરથી મરી જતાં હોય છે. શિકાર કરેલ સાપનું માથું (વિષગ્રંથિસહિત) નોળિયાનો મનગમતો ખોરાક હોય છે. નોળિયો સાપના વિષનું ગ્રહણ મોં વાટે કરી શકે. રુધિર સાથે વિષ ભળેલું હોય તો જ તે ખતરનાક નીવડે છે. નોળિયાના ખોરાકમાં ઉંદર, જાતજાતનાં નાનાં પક્ષી અને સસ્તનોનો સમાવેશ થાય છે. પક્ષીઓનું ભક્ષણ કરનાર નોળિયો પ્રાણીઘર (Zoo) માટે ખતરનાક ગણાય છે.
ભારતમાં વસતો સામાન્ય નોળિયો (H. edwardsi) ખુલ્લાં મેદાનો, ઝાડીપ્રદેશ, પથ્થરથી છવાયેલા ડુંગરો અને શુષ્ક રણ જેવા પ્રદેશોમાં જોવા મળે છે. પથ્થર વચ્ચે આવેલી ફાંટ, વૃક્ષોનાં પોલાણો, જમીનમાં પોતે બનાવેલ દર જેવાં સ્થાનોએ તે રહે છે. નોળિયો કદમાં લાંબો હોય છે. તેના શરીરની લંબાઈ 90 સેમી. અને પૂંછડીની 50 સેમી. જેટલી હોઈ શકે છે. તેની રુવાંટી પીળચટ્ટી, સ્થૂળ અને કડક હોય છે. નર કરતાં માદા સહેજ નાની હોય છે. ભારતના નોળિયાને સહેલાઈથી પાળી શકાય છે. નોળિયાની હાજરીમાં ઉંદર, સાપ જેવાં પ્રાણીઓનો ઉપદ્રવ થતો નથી. નોળિયો વનસ્પતિનો આહાર સહેલાઈથી સ્વીકારે છે.
ભારતમાં વસતા અન્ય નોળિયા : (1) H. auropunctatus : કદમાં નાનો. ગુજરાતમાં તે વગડાઉ પ્રદેશમાં જોવા મળે છે. પૂંછડી સાથે તેની લંબાઈ 50 સેમી. જેટલી થાય છે. રુવાંટી સોનેરી. સરેરાશ આયુષ્ય 7થી 8 વર્ષ.
(2) H. vitticollis (stripe necked mongoose) : પરિકંઠ નોળિયો. લાંબી જાત. શરીરની લંબાઈ 1 મી. જેટલી હોઈ શકે છે. આયુષ્ય 13 વર્ષ કરતાં વધારે.
(3) H. fensces : દક્ષિણ ભારતની નીલગિરિ પર્વતની હારમાળામાં, ખાસ કરીને કૉફીના બગીચાઓમાં જોવા મળે છે. લાંબા કદનો, રુવાંટી કાળી બદામી અને પીળાં ચાઠાંવાળી.
સૌથી નાનો નોળિયો ઈશાન આફ્રિકાના કેટલાક ભાગોમાં જોવા મળે છે. હેલોગેલ પ્રજાતિના આ નોળિયાની શરીરની લંબાઈ 25 સેમી. જેટલી હોય છે. તે મુખ્યત્વે કીટાહારી હોય છે.
કલણ નોળિયો આફ્રિકામાં નદી, તળાવ અને કળણભૂમિની આસપાસ વાસ કરતો હોય છે. તે નિશાચર પ્રાણી છે અને કુશળ તરવૈયો પણ ખરો. માછલાં, કરચલાં, દેડકાં અને ઉંદર કલણ નોળિયાનો મુખ્ય આહાર હોય છે.
ઝાડી-પુચ્છ (bushy-tailed) નોળિયો : આગલા પગે પગદીઠ 5 જ્યારે પાછલા પગે પગદીઠ 4 આંગળી ધરાવતો નોળિયો. તેની પૂંછડી શિયાળના જેવી હોય છે. દક્ષિણ આફ્રિકાના રણપ્રદેશ અને ખુલ્લાં મેદાનોમાં રહેતો આ નોળિયો દિવાચર છે. તે મુખ્યત્વે કીટકો, ખાસ કરીને તીડને ખાઈને જીવે છે.
નોળિયાનો પ્રજનનકાળ નિશ્ચિત હોતો નથી. માદા વર્ષમાં ત્રણેક વખત બચ્ચાંને જન્મ આપે છે. તેથી માદા નોળિયાની સાથે બચ્ચાં હંમેશાં ફરતાં જોવા મળે છે. વર્ષમાં તે આશરે પાંચેક બચ્ચાંને જન્મ આપે છે. ઘણી વાર માદા બચ્ચાંના પીઠની ચામડી મોઢામાં પકડી તેમને સુરક્ષિત સ્થળે મૂકી આવે છે. તે જરૂર પડ્યે હિંમતપૂર્વક બચ્ચાંનું રક્ષણ કરે છે.
રા. ય. ગુપ્તે