નૉર્વેજિયન સમુદ્ર : ઉત્તર આટલાન્ટિક મહાસાગરનો એક ભાગ. તેના વાયવ્યમાં ગ્રીનલૅન્ડ, ઈશાનમાં બેરન્ટ સમુદ્ર, પૂર્વમાં નૉર્વે, દક્ષિણમાં ઉત્તર સમુદ્ર, શેટલૅન્ડ અને ફેરો ટાપુઓ તથા આટલાન્ટિક મહાસાગર અને પશ્ચિમે આઇસલૅન્ડ તથા જાન માયેન ટાપુઓ આવેલા છે. ગ્રીનલૅન્ડ, આઇસલૅન્ડ, ફેરો ટાપુઓ તથા ઉત્તર સ્કૉટલૅન્ડને જોડતી અધોદરિયાઈ ડુંગરધાર નૉર્વેજિયન સમુદ્રને આટલાન્ટિક મહાસાગરથી અલગ પાડે છે. ઉત્તર ધ્રુવવૃત્ત તેના મધ્યમાંથી પસાર થતું હોઈને નૉર્વેજિયન સમુદ્રને આર્ક્ટિક મહાસાગરનો ભાગ પણ ગણવામાં આવે છે. તેનું મહત્તમ ઊંડાણ 3,970 મીટર અને ક્ષારતા પ્રતિ હજારે 35 ભાગ જેટલી છે.
ઉત્તર આટલાન્ટિકમાં થઈને ઈશાન તરફ વહેતા ગરમ પાણીના સમુદ્ર-પ્રવાહો નૉર્વેના સાગરકાંઠાને બારેય માસ હૂંફાળો રાખે છે. બરફ જામતો ન હોઈને નૉર્વેનાં બંદરો વહાણવટાને યોગ્ય બની રહે છે. ઉત્તર તરફથી આવતા ઠંડા પ્રવાહો સાથે ભળતાં આ ગરમ પ્રવાહોના સ્થાન પર મત્સ્યપાલન અને માછીમારીનો ઉદ્યોગ અહીં વિકસ્યો છે. આઇસલૅન્ડ, નૉર્વે, શેટલૅન્ડ અને ફેરો ટાપુઓના કાંઠાવિસ્તારમાં કોડ, હેરિંગ તથા વાઇટફિશ નામની માછલીઓ વિપુલ પ્રમાણમાં મળી આવે છે. નૉર્વેજિયન સમુદ્રમાં ખનિજતેલ તથા કુદરતી વાયુના ભંડારો મળી આવેલા છે.
નવનીત દવે