નૉર્ધર્ન ફૉરેસ્ટ રેન્જર્સ કૉલેજ, દહેરાદૂન : દેશનાં વનોનું સંરક્ષણ અને વનીકરણ વૈજ્ઞાનિક પદ્ધતિથી થઈ શકે તે માટે ભારત સરકારે સ્થાપેલી સંસ્થા. તાલીમ પામેલ મહેકમ(staff)ની અગત્ય નજર સમક્ષ રાખીને સરકારે અધિકારીઓ માટેની તાલીમ દહેરાદૂન ખાતે ઇન્ડિયન ફૉરેસ્ટ કૉલેજમાં આપવાની શરૂ કરી હતી. જ્યારે પરિક્ષેત્ર (range) કક્ષાએ કામો સોંપવામાં આવે તો તે સંવર્ગનાં મહેકમને માટે પણ તાલીમની અગત્ય ધ્યાનમાં લઈને તેની શરૂઆત 1935માં કરવામાં આવી. 1938માં આ તાલીમ આપતી કૉલેજનું ‘ઇન્ડિયન ફૉરેસ્ટ રેન્જર્સ કૉલેજ’ તરીકે નામાભિધાન કરવામાં આવ્યું. આ કૉલેજમાં દેશભરનાં જુદાં જુદાં રાજ્યોમાંથી પરિક્ષેત્ર-વન-અધિકારીઓની પસંદગી કરી તેમને તાંત્રિક તાલીમ આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી. તે વખતે કૉલેજ દહેરાદૂન શહેરના મધ્યમાં હતી. 1946માં આ કૉલેજનો અમુક ભાગ ‘ન્યૂ ફૉરેસ્ટ’ એટલે કે દહેરાદૂન શહેરથી પાંચ-છ કિલોમીટર પશ્ચિમે આવેલ વિસ્તારમાં ખસેડવામાં આવ્યો અને બંને જગ્યાએ તાલીમ અપાતી રહી. 1955માં આ કૉલેજને નૉર્ધર્ન ફૉરેસ્ટ રેન્જર્સ કૉલેજ, દહેરાદૂન તરીકે ઓળખાવવાનું શરૂ થયું અને ત્યારથી ભારતનાં ઉત્તરનાં રાજ્યોમાંથી પસંદગી પામેલ પરિક્ષેત્ર-તાલીમાર્થીઓને તાલીમ આપવાનું કામ આ કૉલેજમાં થાય છે, જ્યારે દેશભરનાં દક્ષિણનાં રાજ્યોમાંના તાલીમાર્થીઓ માટે તમિળનાડુના કોઇમ્બતુર ખાતેની સધર્ન ફૉરેસ્ટ રેન્જર્સ કૉલેજ સ્થાપવામાં આવી છે. 1981થી નૉર્ધર્ન ફૉરેસ્ટ રેન્જર્સ કૉલેજ ફરીને દહેરાદૂન શહેરમાંના મૂળ મકાનમાં જ ખસેડાઈ ગઈ અને ભારત સરકારના નિર્ણયને અનુલક્ષીને તાલીમનો સમય પણ બે વર્ષને બદલે એક વર્ષનો કરી નાખવામાં આવ્યો, જેમાં મુખ્યત્વે અમુક અમુક વિષયોના સૈદ્ધાંતિક તથા પ્રાયોગિક અભ્યાસક્રમમાં છટણી કરીને અભ્યાસ-કાર્યક્રમનો એકંદરે ગાળો ઘટાડવામાં આવ્યો. આ કૉલેજમાંથી અત્યાર સુધીમાં લગભગ 5000 જેટલા દેશના તાલીમાર્થીઓ ઉપરાંત વિદેશોના લગભગ 150 જેટલા તાલીમાર્થીઓને તાલીમ અપાઈ છે.
હવે તો પરિક્ષેત્ર-વનાધિકારીઓની તાલીમ ફરીથી બે વર્ષના ગાળાની થઈ ગયેલ છે અને દેશભરનાં વનોના વિકાસ માટેની પ્રક્રિયા માટે આવશ્યક મહેકમમાં થયેલ વૃદ્ધિને અનુલક્ષીને પરિક્ષેત્ર-વનાધિકારીઓ માટે વિવિધ રાજ્યોમાં પણ કૉલેજો સ્થપાઈ છે. આવી રાજ્ય હસ્તકની કૉલેજોમાં ઉત્તરપ્રદેશમાં હલફાની, મધ્યપ્રદેશમાં જબલપુર, ગુજરાતમાં રાજપીપળા, મહારાષ્ટ્રમાં ચંદ્રપુર, પ. બંગાળમાં કર્નીયાંગ, બિહારમાં રાંચી વગેરે ખાતેની કૉલેજોનો સમાવેશ થાય છે. આવી રાજ્ય-સંચાલિત રેન્જર્સ કૉલેજો તેમજ કેન્દ્ર-સંચાલિત રેન્જર્સ કૉલેજોની તાલીમમાં એકસૂત્રતા જળવાઈ રહે તે માટે બધી જ કૉલેજોમાં એકસરખો અભ્યાસક્રમ રખાયો છે અને તેમાં વાર્ષિક પરીક્ષાઓ ભારતીય વન-અનુસંધાન અને વનમહાવિદ્યાલય, દહેરાદૂન તરફથી જ ગોઠવાય છે. વળી આવી રાજ્યસંચાલિત કૉલેજોમાં આંતરરાજ્ય સુમેળનું વાતાવરણ રહે તે માટે 40 % જેટલા તાલીમાર્થીઓ ઇતર રાજ્યોમાંથી લેવાનું ઠરાવાયું છે.
આ કૉલેજમાં મુખ્યત્વે વનવિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર, વનવહીવટ, વનનીતિ, વનઅધિનિયમ, વનમાપિકી, વનઉપાયોજન, વન્યપ્રાણી-વ્યવસ્થા, ઇજનેરી, સર્વેક્ષણ, ભૂમિવિજ્ઞાન, ભૂસ્તરશાસ્ત્ર વગેરે વિષયો અંગે સૈદ્ધાંતિક તેમજ વ્યાવહારિક તાલીમ આપવામાં આવે છે. વળી તાલીમાર્થીઓને જુદાં જુદાં વનોમાં પ્રવાસ પર લઈ જઈ જુદી જુદી પરિસ્થિતિઓમાં કરાતી વનવ્યવસ્થા અંગે ક્ષેત્રીય તાલીમ પણ અપાય છે. વળી તાલીમાર્થીઓની માનસિક તેમજ શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે તે માટે રમતગમત, વ્યાયામ વગેરે પર પણ સારું એવું ધ્યાન આપવામાં આવે છે.
મૃગેન્દ્ર વૈષ્ણવ