નૈવેદ્ય (1961) : ડોલરરાય રં. માંકડની ષષ્ટિપૂર્તિ નિમિત્તે તેમનાં વિવેચન, અવલોકન, પુરાતત્વ અને ભાષાશાસ્ત્રના લેખોનો સંગ્રહ. ડોલરરાય માંકડમાં વિદ્વત્તા, સાહિત્યપદાર્થ વિશેની સ્પષ્ટ સમજ, કૃતિ કે વિચારને બહિરંતર તપાસતી તલાવગાહી દૃષ્ટિ, શાસ્ત્રનિષ્ઠા, કૃતિના રહસ્યને અવગત કરનારી ભાવયિત્રી પ્રતિભા, પુરાતત્વ કે ભાષાશાસ્ત્ર માટે આવશ્યક પૃથક્કરણશીલ તર્કબુદ્ધિ, સંસ્કૃત નાટ્યશાસ્ત્રની ઊંડી અભિજ્ઞતા અને તત્વગ્રહણશીલતા વગેરે ગુણો હોવાથી તેઓ ગુજરાતના અગ્રણી વિવેચક અને વિદ્વાન તરીકે સ્વીકૃતિ પામ્યા છે. તેમના આ ગુણોનો સરસ પરિચય ‘નૈવેદ્ય’ ગ્રંથ આપે છે.
‘નૈવેદ્ય’ના લેખોને વિવેચન, અવલોકન, ભાષાંતર, પુરાતત્વ અને ભાષાશાસ્ત્ર – એવા પાંચ વિભાગમાં વહેંચી શકાય. કેશવ હ. ધ્રુવની વાઙ્મયસેવાની સૂચિમાં, સંશોધક લેખકોને ઉપયોગી થાય તેમ, મુખ્ય નવા સિદ્ધાંતોનું વર્ગીકરણ કરી આપવાનો હેતુ છે. ‘નાટ્યશાસ્ત્રનાં કેટલાંક સ્વરૂપો’ ચિત્રો સાથે ભાવભેદ દર્શાવે છે. અહીં વિભાવ, અનુભાવ, સંચારીભાવ વગેરેને ચિત્રો દ્વારા વ્યાખ્યાયિત કરેલા છે. ‘નવલકથા અને નવલિકા’ લેખમાં સ્વરૂપ-બંધારણની દૃષ્ટિએ તપાસ કરી ગુજરાતીમાં તેનો વિકાસ કેવો છે તે તપાસ્યું છે. ‘ચમ્પૂકથા’માં તેની સ્વરૂપગત લાક્ષણિકતાઓનું સાધાર પૃથક્કરણ કર્યું છે. ‘ધૂતા’માં ‘મૃચ્છકટિક’ના ચારુદત્તની પત્ની ધૂતાની આદર્શમયતા અને તેના આત્મત્યાગને ઉપસાવ્યાં છે. ન્હાનાલાલકૃત ‘વસંતોત્સવ’નું ઉપમાકાવ્ય તરીકે, ઉપમાચિત્રોની છણાવટ દ્વારા મૂલ્યાંકન કરેલું છે. ‘એકાંકી નાટકો’માં કૃતિઓ-આધારિત સ્વરૂપ-ચર્ચા છે. ‘કલામાં ધ્વનિ’માં એક ચિત્રને આધારે વ્યંજનાની ખૂબીઓ પ્રગટાવેલી છે.
અવલોકનરૂપ કૃતિઓમાં ‘સરસ્વતીચંદ્ર’માં જીવનના ચારેય પુરુષાર્થોનું નિરૂપણ હોવાથી તેને ‘સકલકથા’ તરીકે વર્ણવી છે. ‘શર્વિલક’નું નાટક તરીકે આસ્વાદ-મૂલ્યાંકન કરેલ છે. ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’(ભાગ 1–2)નું કરુણા, મુદિતા, મૈત્રી અને ઉપેક્ષાના બૌદ્ધ વિચારતત્વોની દૃષ્ટિએ મૌલિક અર્થઘટન કર્યું છે. ‘કાલિદાસની નાટ્યવિભાવના’માં ત્રણ મુદ્દાઓની ટૂંકી ચર્ચા છે તો ‘અન્ત:કરણ પ્રવૃત્તિનું પ્રમાણત્વ’ ટૂંકો પણ માર્મિક લેખ છે. લેખક કોઈ પણ લેખક કે વિચાર સાથે અસંમત હોય તો તે બતાવવામાં નિર્ભયતા દાખવે છે. ‘સાહિત્ય અને વિવેચન’ લેખમાં કેશવ હ. ધ્રુવના લેખોનું પ્રદાન ઉપસાવી આપ્યું છે. ‘વૉલ્ગાથી ગંગા’ એ રાહુલ સાંકૃત્યાયનના ગ્રંથનું અવલોકન છે.
‘અનુશ્રુતિનું યાથાતથ્ય’, ‘કલ્કિ અવતાર’ અને ‘ઋગ્વેદમાં ઉત્તરધ્રુવ’ – આ ત્રણેય લેખોમાં સૂક્ષ્મ પ્રશ્નો ઊભા કરી નૂતન અર્થઘટન આપેલું છે. આ ત્રણેય લેખો માંકડની પુરાતત્વ વિશેની સજ્જતા અને વિદ્વત્તાને પ્રગટ કરનારા છે. ‘यज्ञफलम्’ ભાસનું નાટક નથી, પરંતુ આધુનિક કૃતિ છે તે વિવિધ આધારો આપી સ્થાપિત કરે છે.
‘ભગવદજ્જુકમ્’ બોધાયનના પ્રહસનનું પ્રાસાદિક ભાષાંતર છે, તો ‘શાકુંતલનું ભાષાંતર’ નિમિત્તે ભાષાંતરના સિદ્ધાંતો અને પ્રશ્નોની સૂક્ષ્મ વિચારણા કરેલી છે.
‘વિચારબળો’માં પૂર્વ-પશ્ચિમનાં વિચારબળોનું ચાલીસ વર્ષનું સરવૈયું રજૂ કરી સમન્વયની ખોજ ઉપર તેઓ ભાર મૂકે છે. આ લેખ માંકડની વિચારશક્તિનાં ઊંડાણ અને વ્યાપ દર્શાવે છે.
‘ભાષા’, ‘વાક્યવિચાર’, ‘‘ગુજરાતીમાં મૂર્ધન્ય ‘ડ’ અને મૂર્ધન્યતર ‘ડ’, ‘નપુંસક એકવચનનું આકારાન્તનું અંગ’ અને ‘નિરુક્ત’ વગેરે લેખો વ્યુત્પત્તિશાસ્ત્રી, ભાષાશાસ્ત્રી, વ્યાકરણશાસ્ત્રી માંકડની યોગ્યતા અને તેમના અધિકારનો પરિચય આપે છે.
‘નૈવેદ્ય’ના લેખો ડોલરરાય માંકડનાં વ્યાપક અભ્યાસ, સૂક્ષ્મ વિવેચનદૃષ્ટિ, સાહિત્ય અને કૃતિના સૈદ્ધાંતિક અને વ્યવહારુ પક્ષના મૂલ્યાંકનની સજ્જતા અને સ્વસ્થ અભિગમનો પરિચય આપે છે. તેથી તે ગુજરાતી વિવેચનક્ષેત્રનો નોંધપાત્ર ગ્રંથ છે. તેને દિલ્હીની સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત થયેલું. આ ગ્રંથની બીજી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ છે.
મનસુખ સલ્લા