નૈષધીય ચરિત : સંસ્કૃત ભાષામાં રચાયેલું પ્રસિદ્ધ મહાકાવ્ય. મહાકવિ શ્રી હર્ષ(અગિયારમી કે બારમી સદી)નું સંસ્કૃત પંચમહાકાવ્યોમાં ગણના પામેલું સુપ્રસિદ્ધ મહાકાવ્ય. એમાં નિષધ દેશના રાજા નળના વિદર્ભ દેશની રાજકુમારી દમયંતી સાથેના પ્રણયનું નિરૂપણ છે. તેમાં હંસ, દિકપાલો અને સ્વયંવરની ઘટનાઓ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તેમાં નળ વનવિહાર કરતાં પકડેલા હંસ પાસેથી દમયંતીના સૌંદર્યની પ્રશંસા સાંભળે છે. એ પછી દમયંતી નળના સૌંદર્યની પ્રશંસા સાંભળી વિયોગનું દુ:ખ અનુભવે છે. પિતા ભીમક દમયંતીનો સ્વયંવર યોજે છે ત્યારે ઇન્દ્ર, અગ્નિ, વરુણ અને યમ પોતાના દૂત તરીકે નળને મોકલી પોતાને પસંદ કરવાની વાત કહેવડાવે છે. એ સાંભળી દમંયતી રડે છે અને દૂત નળ પોતાનો પરિચય હંસના પ્રેરવાથી આપે છે. સ્વયંવરમાં આવેલા રાજાઓ અને દેવોનો પરિચય સખી સરસ્વતી આપે છે. દમયંતી સાચા નળને વરે છે. લગ્નવિધિ પૂરો થતાં પાછા ફરી રહેલા દેવો સાથે કળિ વેદની પ્રમાણભૂતતા વિશે વાદવિવાદ કરે છે. અંતે નળ-દમયંતીના લગ્નોત્તર વિલાસોનાં વર્ણન સાથે મહાકાવ્ય સમાપ્ત થાય છે. આ મહાકાવ્ય અત્યારે બાવીસ સર્ગો સુધીનું અધૂરું જ મળી આવે છે. પણ પરંપરા મુજબ તો તે સાઠ કે એકસોવીસ સર્ગોનો વિસ્તાર ધરાવતું. સત્તરમા સર્ગમાં કલિ પ્રતિજ્ઞા કરે છે કે તે નળ અને દમયંતી વચ્ચે વિયોગ કરાવશે. પરંતુ અત્યારે પ્રાપ્ત થતા મહાકાવ્યનો તો નળ અને દમયંતીના લગ્નપ્રસંગ અને લગ્નજીવનના આનંદ-પ્રમોદના નિરૂપણ સાથે જ અંત આવે છે. નીલકમલ ભટ્ટાચાર્ય કહે છે કે આ મહાકાવ્યના બાવીસમા સર્ગના છેલ્લા ચાર શ્લોકો પ્રક્ષિપ્ત છે અને મહાકાવ્યનો બાકીનો ભાગ લુપ્ત થઈ ગયો છે. શ્રીહર્ષે પોતાની નૈયાયિક ઉદયનના મતોનું ખંડન કરતી ન્યાયવિષયક ‘ખંડનખંડખાદ્ય’ નામક શાસ્ત્રીય ખંડનમંડનાત્મક કૃતિમાં આ કાવ્યનો નિર્દેશ કર્યો છે. વારાણસીના પંડિત રામગોપાલ સ્મૃતિભૂષણે ઊડિયા લિપિમાં લખેલી આ કાવ્યની આદિથી અંત સુધીની એક હસ્તપ્રત નજરે જોઈ હોવાનું ડૉ. એમ. કૃષ્ણમાચારીઅરે નોંધ્યું છે.

આ મહાકાવ્યમાં ખૂબ લાંબાં વર્ણનો, સુંદર ચિંતનકણો અને  ઉત્કૃષ્ટ કલ્પનાઓનો ભંડાર છે. ભાષામાં સુબોધપણાનો અભાવ હોવાથી તે કેવળ વિદ્વદગાહ્ય છે. આ મહાકાવ્ય રચીને શ્રીહર્ષે મહાકાવ્યના ક્ષેત્રે એક નવો જ ચીલો પાડ્યો છે. તેઓ પોતે પ્રખર નૈયાયિક અને દાર્શનિક હોવાથી એમના વિચારો આ મહાકાવ્યમાં તેમણે ઠાંસી ઠાંસીને વર્ણનો, કલ્પનાઓ અને અલંકારોમાં ભરી દીધા છે. કાવ્યશાસ્ત્રનાં કૃત્રિમ મૂલ્યો માટે આ મહાકવિને આદર ન હતો. આલંકારિકોને આ કૃતિમાંથી અનેક કાવ્યદોષો મળી આવે છે, જેની વ્યાખ્યાકાર નારાયણે પોતાની નૈષધીયની ટીકામાં યથાસ્થાને નોંધ લીધી છે.

સંસ્કૃત સાહિત્યના અવનતિકાળનું આ મહાકાવ્ય મહાભારતના નળોપાખ્યાનને આધારે નળની પાવન કથા વર્ણવતું, શૃંગારરસપ્રધાન અને મોટા કદનું શાસ્ત્રકાવ્ય છે. બૃહતત્રયીમાં સ્થાન પામેલું આ મહાકાવ્ય કાલિદાસ અને માઘનાં મહાકાવ્યોથી પ્રભાવિત અને પદલાલિત્યમાં સર્વશ્રેષ્ઠ ગણાયું છે.

આ મહાકાવ્ય ઉપર પાંત્રીસથી વધુ ટીકાગ્રંથો લખાયા છે. તેમાં ધોળકાના નાગરબ્રાહ્મણ ચાંડુ પંડિતની ટીકા ઘણી પ્રસિદ્ધ છે. આ જ વસ્તુ ઉપર નંદનંદને પ્રતિનૈષધ મહાકાવ્ય આટલા જ સર્ગ, ભાવ અને વિચારવાળું રચેલું છે. તેની હસ્તપ્રત બિકાનેરની પેલેસ લાઇબ્રેરીમાં છે. નળોપાખ્યાન ઉપર નૈષધકાવ્ય શ્રેષ્ઠ પ્રકૃતિ-પુરુષ મહાકાવ્ય કહેવાય છે.

નારાયણ કંસારા