નૈયર મસૂદ (સૈયદ નૈયર મસૂદ રિઝવી)
January, 1998
નૈયર મસૂદ (સૈયદ નૈયર મસૂદ રિઝવી) (જ. 16 નવેમ્બર 1936, લખનૌ, ઉત્તરપ્રદેશ; અ. 24 જુલાઈ 2017, લખનૌ) : ઉર્દૂ વાર્તાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘તાઊસ ચમન કી મૈના’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી ફારસીમાં એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી અને અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી ઉર્દૂમાં ડી.ફિલ.ની ડિગ્રી મેળવી હતી. તેઓ બરેલીની એફ. આર. ઇસ્લામિયા કૉલેજમાં ફારસી અને ઉર્દૂના અધ્યાપક રહેલા અને લખનૌ યુનિવર્સિટીમાંથી ફારસી વિભાગના વડા તરીકે સેવાનિવૃત્ત થયા.
તેમણે ઉર્દૂમાં 24 પુસ્તકો આપ્યાં છે. તેમાં ચરિત્ર, નાટક, વાર્તાસંગ્રહ, વિવેચન, અનુવાદ અને સંપાદનનો સમાવેશ થાય છે. ‘રજબ અલી બેગ સુરૂર’ (1967, ચરિત્ર); ‘કાફકા-કે-અફ્સાને’ (1978, અનુવાદ); ‘દુલ્હા સાહબ ઉરૂઝ’ (1980, ચરિત્ર); ‘સીમિયા’ (1980), ‘ઈતે-એ-કાફૂર’ (1990, વાર્તાસંગ્રહો); ‘સોતા જગત’ (1985, નાટક), ‘મર્સિયા ખ્વાની કફન’ (1990, સાંસ્કૃતિક ઇતિહાસ) મુખ્ય છે. ‘તબીર-એ-ગાલિબ’ (1973), ‘બઝ્મ-એ-અનીસ’ (1990); ‘યગાના અહવાલ ઓ આસાર’ (1991) તેમના વિવેચનગ્રંથો છે. તેમને ઑલ ઇન્ડિયા મીર અકાદમીના ઇફ્તિખાર-એ-મીર પુરસ્કાર(1991)થી તેમજ કથા પુરસ્કાર (1993, 1997), ઉત્તરપ્રદેશ ઉર્દૂ અકાદમી પુરસ્કાર અને ભારતીય ફનકાર સોસાયટીના મૌલાના હાલી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. 2007માં તેમને સરસ્વતી સન્માન પ્રાપ્ત થયું હતું.
તેમની ‘પુરસ્કૃત કૃતિ ‘તાઊસ ચમન કી મૈના’માં તેઓ તેમના વ્યક્તિગત અનુભવ, ઇતિહાસ, કિંવદંતી અને કલ્પના દ્વારા પોતાના પરિવેશને અભિવ્યક્ત કરે છે. આ વાર્તાઓનાં પાત્ર ભય અને વિષાદની પીડાથી ત્રસ્ત હોય એવું નિરૂપણ થયું છે. ટૂંકાં વાક્યો, વિશેષણો અને રૂપકોવાળી શૈલી વડે વાર્તાની રચના પર તેમની પૂરી પકડ વ્યક્ત થતી હોવાને કારણે આ કૃતિ ઉર્દૂમાં લખાયેલ ભારતીય કથાસાહિત્યનું મહત્વનું પ્રદાન મનાય છે. તેમની વાર્તાઓમાંથી પસંદગી કરીને એમ. યુ. મેનને અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે તે વાર્તાઓ ‘ધ સ્નેક કેચર’ અને ‘એસન્સ ઑવ્ કૅમ્ફોર’ આ બે સંગ્રહોમાં સંગૃહીત છે.
બળદેવભાઈ કનીજિયા