નૈયર, ઓ. પી. (જ. 16 જાન્યુઆરી 1926, લાહોર; અ. 28 જાન્યુઆરી 2007, મુંબઈ) : હિન્દી ફિલ્મજગતનાં રિધમકિંગ.
બાળપણમાં સંગીત સાંભળવાનો શોખ ધરાવનાર ઓમકારપ્રસાદ નૈયરે સંગીતનું કોઈ પણ પ્રકારનું વિધિવત શિક્ષણ લીધું ન હતું. તે સમયનાં ન્યૂ થિયેટર્સના સંગીતકારો તથા ગાયકોથી તેઓ ઘણા જ પ્રભાવિત હતા. ફક્ત 11 વર્ષની વયે લાહોરના રેડિયોસ્ટેશન પરથી રજૂ થતા બાળકોના કાર્યક્રમોમાં તેઓ ભાગ લેતા. 12 વર્ષની વયે તેમને સમૂહસ્વરમાં પંજાબી ફિલ્મ ‘દુલ્હાભટ્ટી’માં ગાવાની તક મળી હતી. 15 વર્ષની વયે તેમણે તે સમયના જાણીતા કવિઓની કાવ્યરચનાઓની ધૂન બનાવીને રેડિયો પર પ્રસ્તુત કરી. એચ.એમ.વી. માટે માત્ર 17 વર્ષની વયે તેમણે કબીરવાણીની રચનાઓની ધૂન બનાવી હતી. 1948માં ફિલ્મ ‘કનિઝ’માં તેમણે પાર્શ્વસંગીત આપ્યું. 1952માં રજૂ થયેલ ફિલ્મ ‘આસમાન’ સંગીતની દૃષ્ટિએ સફળ રહી. ‘છમ છમા છમ’ (1952) ફિલ્મમાં નૈયરે કિશોરકુમારના અવાજમાં ‘યોડલેઇ’નો ઉપયોગ ‘ચલ રી અમીરન…’ ગીતમાં કર્યો, જે લોકોએ ખૂબ વધાવ્યો.

ઓ. પી. નૈયર
ફિલ્મ ‘બાજ’માં નૈયરની સંગીતની આગવી શૈલી જોવા મળી. તેમના સંઘર્ષમય આર્થિક સંજોગો વચ્ચે રજૂ થયેલી ફિલ્મ ‘આરપાર’નાં ગીતોને ચાહકોએ એટલાં બધાં પસંદ કર્યાં કે નૈયર સફળ સંગીતકાર તરીકે ઓળખાયા. આ ફિલ્મથી જ નૈયરે વાયોલિન, પિયાનો, ગિટાર, મેન્ડોલીન જેવાં પશ્ચિમી વાદ્યોનો બખૂબી ઉપયોગ કર્યો હતો. એક પ્રયોગશીલ સંગીતકાર તરીકે તેમણે ‘પિયા પિયા પિયા મોરા જીયા’ (બાપ રે બાપ)માં ઘોડાનાં ડાબલાંના અવાજનો રિધમ તરીકે ઉપયોગ કર્યો હતો. લોકસંગીત પર આધારિત રચના ‘ઠંડી હવા કાલી ઘટા’ શ્રોતાઓએ ખૂબ પસંદ કરી. ગીતા દત્તના સ્વરમાં સરોજ મોહિની નૈયરે(નૈયરનાં પત્ની) લખેલ ‘પ્રીતમ આન મિલો’ ઘણું વખણાયું. ફિલ્મ ‘નયા દૌર’માં તેમણે તબલા-ઢોલક સાથે તાળી દ્વારા મધુર લયસર્જન કરીને સંગીતરસિકોમાં ખૂબ ચાહના મેળવી. ઓ. પી. નૈયરે કુલ 78 ફિલ્મોમાં સંગીત આપ્યું અને લગભગ 642 જેટલાં ગીતો રચ્યાં. તેમનો સંગીતયુગ અસ્ત પામવા છતાંય તેમની મધુર તરજોનો અમૂલ્ય ખજાનો હજુય ચાહકો યાદ કરે છે. તેમની કેટલીક જાણીતી રચનાઓ – ‘કભી આર કભી પાર’, ‘મૈં પ્યાર કા રાહી હૂં’, ‘ચૈન સે હમકો કભી’, ‘દીવાના હુઆ બાદલ’, ‘જાઈએ આપ કહાં જાયેંગે’, ‘આપ કે હસીન રુખ પર’, ‘યહી વો જગહ હૈ’ વગેરે.
ફિલ્મ ‘નયા દૌર’ (1958) માટે તેમને શ્રેષ્ઠ સંગીતકારનો ફિલ્મફેર ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. ભારત સરકારે તેમના માનમાં 2013માં ટપાલટિકિટ બહાર પાડી હતી.
બીજલ બુટાલા
