નેસ્ટર્શીઅમ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા બ્રેસિકેસી (ક્રુ સિફેરી) કુળની  એક પ્રજાતિ. તે સાત છોડરૂપ જાતિઓની બનેલી નીની પ્રજાતિ છે અને ઉત્તર ગોળાર્ધમાં વિતરણ પામેલી છે. ભારતમાં તેની એક જ જાતિ થાય છે. આ જાતિઓ પાણીની તીખી ભાજીઓ (water cresses) તરીકે જાણીતી છે; જેમાં Nasturtium microphyllum (પાણીની તીખી ભાજી) N. officinale (પાણીની તીખી ભાજી), N.  a  fricanum, N. floridanum (ફ્લોરિડા પીળી તીખી ભાજી) અને N. gambelii (ગૅમ્બેલની તીખી ભાજી)નો સમાવેશ થાય છે. નેસ્ટર્શીઅમ પ્રજાતિનું પહેલાં ‘Rorippa’ સહનામ (synonyon) આપવામાં આવ્યું હતું; પરંતુ આણ્વિક પુરાવો તેને એક અલગ પ્રજાતિની કક્ષામાં મૂકે છે. નેસ્ટર્શીઅમ નામ લૅટિન (nasus tortus એટલે twisted nose, અમળાયેલું નાક) પરથી આપવામાં આવ્યું છે; કારણ કે તેને ખાવાથી નસકોરામાં સંવેદના થાય છે.

  1. officinale R Br. syn, N. fontanum Aschers. (પં. પિરિયાહલિમ; દખ્ખણ-લુટ્-પુટિયા, અં. વૉટરક્રૅસ) બહુવર્ષાયુ (perennial), બહુશાખિત, જલીય છોડ-સ્વરૂપ જાતિ છે. તેનું પ્રકાંડ ભૂપ્રસારી (creeping) કે તરતું હોય છે. તે યુરોપ, ઉત્તર આફ્રિકા અને પશ્ચિમ એશિયાની વતની છે. ભારત સહિત ઘણા દેશોમાં તેનું પ્રાકૃતિકીકરણ (naturalization) થયું છે. તે સામાન્યત: ખાબોચિયાં, છીછરાં ઝરણાંની કે તળાવની કિનારીએ 2100મી.ની ઊંચાઈ સુધી થાય છે. પર્ણો અયુગ્મ પીંછાકાર (imparipinnate) સંયુક્ત હોય છે. પર્ણિકાઓ 711, અદંડી(sessile), અંડ-લંબચોરસ (ovate-oblong) અથવા તરંગિત (sinuate), ખંડિત અને કુંઠાગ્ર (obtuse) હોય છે. પુષ્પો સફેદ, ટૂંકી કલગી(raceme)ના સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળો કૂટપટી (siliqua) પ્રકારનાં અને ટૂંકાં નળાકાર હોય છે. બીજ નાનાં, અંડાકાર અને રુક્ષવર્ધ (muriculate) હોય છે.

તેનું ઇંગ્લૅન્ડ અને અમેરિકાના ભાગોમાં કચુંબર માટે વાવેતર થાય છે. તેને ધીમેથી વહેતા સ્વચ્છ અને અસંદૂષિત (uncontaminated) પાણીથી તૈયાર કરેલી ક્યારીઓમાં ઉગાડવામાં આવે છે. તેને સ્થાયી પાણી અનુકૂળ નથી. તેનું પ્રસર્જન બીજ દ્વારા કે કટકારોપણ દ્વારા કરવામાં આવે છે.

N. officinale-ની પુષ્પ અને ફળ ધરાવતી શાખાઓ

ભારતીય તીખી ભાજીનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 89.2 %, પ્રોટીન 2.9 %,  લિપિડ (ઈથર-નિષ્કર્ષ) 0.2 %, કાર્બોદિતો 5.5 %  અને ખનિજદ્રવ્ય 2.2 %; કૅલ્શિયમ 290 મિગ્રા., ફૉસ્ફરસ 140 મિગ્રા. અને લોહ 4.6 મિગ્રા./ 100 ગ્રા.. તે સલ્ફર, આયોડિન અને મૅંગેનીઝ સારા પ્રમાણમાં ધરાવે છે. ભાજીમાં રહેલાં પ્રોટીનમાં ઍમિનોઍસિડોનું બંધારણ આ પ્રમાણે છે : લ્યુસિન 3.0 મિગ્રા., ફિનાઇલઍલેનિન 1.0 મિગ્રા., વૅલાઇન 1.2 મિગ્રા., લાયસિન 1.5 મિગ્રા., ટાયરોસિન 0.6 મિગ્રા., ઍલેનિન 1.0 મિગ્રા. થ્રીઓનિન 1.5 મિગ્રા., ગ્લુટામિક ઍસિડ 2.7 મિગ્રા., સેરિન 0.6 મિગ્રા., ઍસ્પાર્ટિક ઍસિડ 4.0 મિગ્રા., સિસ્ટિન 1.0 મિગ્રા., મિથિયોનિન સલ્ફોકસાઇડ 0.1 મિગ્રા. અને પ્રોલિન 0.4 મિગ્રા. /ગ્રા..

આ ભાજી વિટામિન A, E અને ઍસ્કોર્બિક ઍસિડનો સારો સ્રોત છે. તે વિટામિન A 4720 આઈ. યુ., થાયેમિન 0.08 મિગ્રા., રાઇબોફ્લેવિન 0.16 મિગ્રા., નાયેસિન 0.08 મિગ્રા., ઍસ્કોર્બિક ઍસિડ 77 મિગ્રા. અને બાયૉટિન 0.5 /100 ગ્રા. ધરાવે છે.

છોડના ઝીણા ભૂકાના  નિસ્યંદનથી 0.06 % બાષ્પશીલ તેલ પ્રાપ્ત થાય છે; જેમાં મુખ્યત્વે ફિનાઇલઇથાઇલ આઇસોથાયો સાયનેટ હોય છે. તે છોડમાં રહેલા ગ્લુકોનેસ્ટર્શિઇન (C15H20O9S2NK)નામના ગ્લુકોસાઇડના જલવિઘટન દરમિયાન ઉત્પન્ન થાય છે.

બીજમાં ગ્લુકોનેસ્ટર્શિઇન અને અબાષ્પશીલ મેદીય તેલ (24 %) હોય છે.

આ તીખી ભાજીનો કચુંબર, શાકભાજી અને ખાદ્ય-સજાવટ (garnish) તરીકે તથા પાનના નાના ટુકડાઓ ફળ, શાકભાજીના રસ, સૂપ અને બિસ્કિટ સાથે ભેળવવામાં આવે છે.

તે સ્કર્વીરોધી (antiscorbutic) અને ઉત્તેજક (stimulant) ગુણધર્મો ધરાવે છે તથા ક્ષુધાની સુધારણા માટે ખવાય છે. તે વિટામિન A, E અને Cનો તથા ખનિજોનો સારો સ્રોત ગણાય છે. તે બિંદુ મૂત્રકૃચ્છ (strangury) અને ગલગંડ(goitre)માં ઉપયોગી છે. તેનો રસ નાકના પૉલિપ (polyp) મટાડવા માટે વપરાય છે. તે જીવાણુરોધી (antibacterial) ગુણ ધરાવે છે અને સૂકું ગળું, માથાની શરદી, દમ અને ક્ષયમાં ઉપયોગમાં લેવાય છે. તેનો કાઢો રક્ત શુદ્ધ કરનાર, કૃમિનિસ્સારક(vermifuge) અને મૂત્રલ (diuretic)  હોય છે.

નેસ્ટર્શીઅમની ઉદ્યાનમાં ઉગાડવામાં આવતી જાતિ લગભગ 30–40 સેમી. ઊંચી હોય છે. તેનાં પર્ણો 5.0 સેમી. વ્યાસનાં ગોળાકાર હોય છે. પુષ્પો કેસરી-પીળા રંગનાં અને મધ્યમ કદનાં હોય છે. ઘણાં પુષ્પો પર્ણોની નીચે ઢંકાઈ જાય છે. એટલે પ્રદર્શન વખતે થોડાં પર્ણો કાઢી નાખવાં પડે છે. પરંતુ વધારે પર્ણો કાઢી નાખવાથી ક્યારેક છોડ નાશ પામે છે. નેસ્ટર્શીઅમને વધારે પડતું ખાતર આપવાથી પર્ણો વધારે આવે છે અને પુષ્પો આવતાં નથી અથવા ઓછાં આવે છે. તેની ઘણી જાતો બજારમાં ઉપલબ્ધ થાય છે. કેટલીક જાતો વેલની જેમ વિકાસ સાધે છે.

ગુજરાતમાં આ જાત શિયાળાની ઋતુઓ માટે સારી રહે છે. તેનાં બીજ સીધાં રોપીને ક્યારી તૈયાર કરવામાં આવે છે. બે છોડ વચ્ચે લગભગ 20.0 સેમી. અંતર રાખવામાં આવે છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ