નેલ્લોર (શ્રીપોટ્ટી સિરારમુલુ) (જિલ્લો)
January, 1998
નેલ્લોર (શ્રીપોટ્ટી સિરારમુલુ) (જિલ્લો) : આંધ્રપ્રદેશના દક્ષિણ ભાગમાં બંગાળના ઉપસાગરના કિનારે આવેલો જિલ્લો અને શહેર.
ભૌગોલિક સ્થાન : તે આશરે 13° 35´થી 16° 0´ ઉ. અ. અને 79° 12´થી 80° 15´ પૂ. રે. વચ્ચે આવેલો છે. આંધ્રપ્રદેશના 26 જિલ્લાઓમાંનો એક જિલ્લો. તેની પૂર્વે બંગાળનો ઉપસાગર, પશ્ચિમે કડપ્પા અને અન્નામાયા(Annamayya) જિલ્લા, ઉત્તરે પ્રકાશમ જિલ્લો અને દક્ષિણે તિરુપતિ જિલ્લા સીમા રૂપે આવેલા છે.
ભૂસ્તર : જિલ્લાનો મોટો ભાગ પ્રી-કેમ્બ્રિયન યુગના આર્કિયન, ધારવાડ અને કડાપ્પા વયના અતિપ્રાચીન ખડકોથી બનેલો છે. શિસ્ટ, નાઇસ, ક્વાર્ટ્ઝાઇટ મુખ્ય ખડકપ્રકારો છે. આ ઉપરાંત ગ્રૅનાઇટ, પેગ્મેટાઇટ, ડૉલેરાઇટ, ડાયોરાઇટ જેવાં અંતર્ભેદનો પણ છે. ટ્રાયાસિક, ક્રિટેશિયસ અને ટર્શ્યરી કાળના તેમજ અર્વાચીન સમયના (લેટરાઇટ) ખડકો પણ અહીંથી મળે છે, તેમાં શેલ, સ્લેટ અને રેતીખડકો મુખ્ય છે.
ભૂપૃષ્ઠ : આ જિલ્લામાં ‘વેલીકોન્ડા’ સ્થાનિક નામથી ઓળખાતી પૂર્વઘાટની ટેકરીઓની હારમાળા આવેલી છે. તે વેંકટગિરિના દક્ષિણ ભાગમાં જોવા મળે છે. આ હારમાળા નેલ્લોર, કડપ્પા અને અન્નામાયા જિલ્લાઓને અલગ પાડતી સીમા નજીક આવેલી છે. કિનારાનું મેદાન સાંકડું પણ ફળદ્રૂપ છે.
નદીઓ : આ જિલ્લાની મુખ્ય નદીઓ પેન્નાર, સ્વર્ણમુખી, કંડલેરુ, પલેરુ, મન્નેરુ, ગુંડલકમ્મા અને મુસી છે. સૌથી વધુ મહત્ત્વની નદી પેન્નાર કર્ણાટક રાજ્યની યેન્નાકેશવ ટેકરીઓમાંથી નીકળીને નેલ્લોર જિલ્લામાં સોમસિલા નજીક વેલીકોન્ડા હારમાળામાં પ્રવેશી, આત્મકુર અને નેલ્લોર તાલુકાઓમાંથી પસાર થઈ, નેલ્લોરથી 29 કિમી. દૂર બંગાળના ઉપસાગરને મળે છે. અહીં તે 112 કિમી. જેટલો લાંબો વહનમાર્ગ ધરાવે છે. તેને મળતી શાખાનદીઓમાં જલમંગલી, ચિત્રાવતી, પાપઘ્ની, કંડેરુ, સાગીલેરુ અને ચેય્યેરુનો સમાવેશ થાય છે. આ નદી પર નેલ્લોર અને સંગમ ખાતે સિંચાઈ માટે બંધ બાંધવામાં આવેલા છે. આ ઉપરાંત કેટલીક નાની નદીઓ પણ છે.
જમીનો : આ જિલ્લામાં લાલ, કાળી, રેતાળ અને કાંપની – એમ ચાર પ્રકારની જમીનો જોવા મળે છે. મોટા ભાગના તાલુકાઓમાં લેટરાઇટજન્ય લાલ રંગની ઓછી ફળદ્રૂપ જમીનો આવેલી છે. ટેકરીઓના સીધા ઢોળાવો પરની અને તળેટીમાં આવેલી જમીનો ઘસારાનો ભોગ બનેલી છે.
આબોહવા : આ જિલ્લો ઉષ્ણકટિબંધમાં તેમજ સમુદ્ર નજીક આવેલો હોવાથી ગરમ પણ સમધાત પ્રકારની હૂંફાળી-ભેજવાળી આબોહવા ધરાવે છે. ઉનાળાનું મહત્તમ તાપમાન 36થી 46સે. અનુભવાય છે. જ્યારે શિયાળાનું લઘુતમ તાપમાન 23થી 25 સે. રહે છે. સરેરાશ વરસાદ 1080 મિમી. પડે છે. મોટે ભાગે નૈર્ઋત્યથી ઈશાન દિશા તરફ વાતા પવનો અહીં આશરે 400 મિમી. જેટલો વરસાદ આપે છે.
વનસ્પતિ : જિલ્લાના કુલ વિસ્તારના માત્ર 12.5 % જેટલા ભાગમાં જંગલો આવેલાં છે. ડુંગરાળ પ્રદેશમાં મિશ્ર પ્રકારનાં પર્ણપાતી જંગલો છે. મેદાની ભાગમાં સતત લીલાં, કાંટાળાં વૃક્ષો જોવા મળે છે. દરિયાકિનારે ચેર, તાડ, નાળિયેરી જેવાં વૃક્ષો તેમજ અન્યત્ર સાગ, નીલગિરિ, વાંસ, ચંદન, કેસ્યુરિના, બાવળ જેવાં વૃક્ષો જોવા મળે છે. ટેકરીઓના આછા ઢોળાવો પરનાં જંગલો જમીનનું ધોવાણ અટકાવવામાં મદદરૂપ બની રહે છે.
પ્રાણીજીવન : પૂર્વઘાટની ટેકરીઓનાં જંગલોમાં રીંછ, દીપડો, ચીતળ અને સાબર રહે છે. કડાપ્પાનાં જંગલોમાંથી વાઘ જેવાં વન્ય પ્રાણીઓ ક્યારેક આવે છે. મેદાની પ્રદેશનાં જંગલોમાં રીંછ, સસલાં અને શાહુડી જોવા મળે છે. પુલીકટ સરોવર પર સ્થળાંતર કરીને આવતાં પક્ષીઓ જોવા મળે છે. સુરખાબ, પૅલિકન, કાજિયું, વિવિધ પ્રકારના બગલા, કબૂતર, તેતર, મોર, કાગડો, કલકલિયો વગેરે અહીંનાં મુખ્ય પક્ષીઓ છે. પાળેલાં પશુઓ પૈકી મુખ્યત્વે ગાય-ભેંસ, ઘેટાં-બકરાં અને ભુંડ વિશેષ પ્રમાણમાં છે.
ખેતી અને પશુપાલન : અહીં ચોમાસાની ઋતુમાં તેમજ શિયાળામાં એમ બે વખત ડાંગરનો પાક લેવાય છે. આ સિવાય, જુવાર, બાજરો, રાગી, અડદ, એરંડા, મગફળી, તમાકુ અને નાગરવેલનાં પાન પણ મુખ્ય પાકો તરીકે ઉગાડાય છે. 87.7% જમીનમાં ખાદ્ય પાકો અને 12.3% જમીનમાં અન્ય રોકડિયા પાકોની ખેતી થાય છે. જિલ્લાના 70% લોકો ખેતીમાં રોકાયેલા છે. સિંચાઈ માટે પેન્નાર નદી પર બાંધેલા બંધોની નહેરો, તળાવો અને કૂવાઓનાં પાણીનો ઉપયોગ થાય છે. નાગાર્જુનસાગર બંધનું પાણી પણ હવે મળવા લાગ્યું છે. સિંચાઈની સગવડ મળવાથી પડતર રહેતી જમીનનો પણ ઉપયોગ થાય છે.
10% જમીન ચરિયાણના ઉપયોગમાં લેવાય છે. તેથી પશુપાલન અને ડેરી-ઉદ્યોગ ખેતીનો સહાયક ઉદ્યોગ બની રહ્યો છે. ઊન અને માંસ માટે ઘેટાં-બકરાં અને ડુક્કરનો ઉછેર કરવામાં આવે છે. મરઘા-ઉછેર માટે આ જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમે આવે છે.
ખાણઉદ્યોગ : આ જિલ્લાના રાપુર, ગુડુર અને આત્મકુર તાલુકાઓમાં અબરખનો ખાણઉદ્યોગ મોટા પાયા પર વિકસ્યો છે. અબરખના ખાણઉદ્યોગમાં અહીંની કંપનીઓ કાર્યરત છે. સ્લેટ અને સારી કક્ષાનું હેમેટાઇટ (લોહખનિજ) પણ અહીંથી ખોદી કાઢવામાં આવે છે, હેમેટાઇટની વિવિધ દેશોમાં નિકાસ થાય છે. પુલિકટ સરોવરના ખુલ્લા પટમાંથી ચૂનાયુક્ત છીપો (lime shells) મળે છે. ઉદયગિરિ તાલુકામાંથી બેરાઇટ અને ચૂનાખડકો મળે છે. ચિનાઈ માટી છૂટાછવાયા પડ રૂપે અબરખની ખાણોમાંથી આડપેદાશ તરીકે મળે છે. તાંબાનાં ખનિજો, કાયનાઇટ અને કિરણોત્સારી તત્વધારક ખનિજો પ્રમાણમાં ઓછાં હોવાથી તેમનું ખનનકાર્ય કરવામાં આવતું નથી.
અન્ય ઉદ્યોગો : સુલુરપેટ ખાતે સુતરાઉ કાપડની મિલ અને ગુડુર ખાતે સિરામિક ઉદ્યોગ શરૂ કરાયો છે. વિવિધ પ્રકારની ચીજવસ્તુઓના લઘુઉદ્યોગ એકમો છે. સાડી, ધોતિયાં અને લુંગી હાથસાળ-ઉદ્યોગ પર તૈયાર થાય છે. રંગાટીકામ, ચર્મઉદ્યોગ અને કાષ્ઠકલાકારીગરીના ગૃહઉદ્યોગો પણ છે. ઉદ્યોગોમાં કામ કરતા માણસો માટે નેલ્લોર ખાતે ઔદ્યોગિક વસાહત પણ છે. અહીં શાકભાજીમાં લીંબુ, ટમેટા, રોકડિયા પાકમાં શેરડી તેમજ દૂધ, માંસ અને મત્સ્ય પણ મેળવાય છે. જેમાં મીઠા પાણીના અને ખારા પાણીના મત્સ્ય છે.
પરિવહન : રેણીગુંટા–ગુડુર, વિજયવાડા–ગુંટકલ અને કૉલકાતા–ચેન્નાઈ રેલમાર્ગો આ જિલ્લામાં થઈને પસાર થાય છે. કૉલકાતા–ચેન્નાઈ જતો ‘ગ્રેટ નૉર્ધન ટ્રન્ક રોડ’ આ જિલ્લામાંથી પસાર થાય છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 16, 67 અને 565 નેલ્લોર જિલ્લામાંથી પસાર થાય છે. ગંતુર–કુર્નુલ માર્ગ પણ મહત્ત્વનો છે. જાહેર બાંધકામ ખાતા હસ્તક અને રાજ્ય જિલ્લા પરિષદ હસ્તક રસ્તા આવેલા છે. આ પૈકીના 700 કિમી. લંબાઈના ધોરી માર્ગ છે.
વસ્તી : આ જિલ્લાનો વિસ્તાર 10,447 ચો.કિમી. જ્યારે વસ્તી (2011 મુજબ) 24,69,712 છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 968 મહિલાઓ છે. સાક્ષરતાનું પ્રમાણ 69.15% છે. પછાત જાતિ અને આદિવાસી જાતિનું પ્રમાણ અનુક્રમે 20.45% અને 8.72% છે. આ જિલ્લાની મુખ્ય ભાષા તેલુગુ છે જેની ટકાવારી 88.34% છે. જ્યારે ઉર્દૂ ભાષાની ટકાવારી 9.56% છે. આ સિવાય તમિળ, કન્નડ અને હિન્દીનો પણ ઉપયોગ થાય છે. અહીં હિન્દુઓની વસ્તી 88.71%, મુસ્લિમ વસ્તી 10.73% છે. અહીં 4 મહેસૂલી વિભાગો અને 38 મંડળો આવ્યાં છે. 1,117 ગામડાં અને 12 શહેરો આવેલાં છે. 940 ગ્રામપંચાયતો, 3 મ્યુનિસિપાલિટી અને 1 મ્યુનિસિપાલિટી કૉર્પોરેશન છે જે નેલ્લોર ખાતે છે.
આ જિલ્લામાં 2017–18ના વર્ષમાં 4,489 શાળાઓ હતી. જેમાં 21 સરકારી શાળા, 3,140 મંડળો અને જિલ્લા પરિષદ દ્વારા સંચાલિત છે. 1077 ખાનગી, 10 કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલય, 106 મ્યુનિસિપાલિટી સંચાલિત છે. કુલ વિદ્યાર્થીઓની સંખ્યા (2017–18) 3,95,092 હતી. ટૅકનિકલ શિક્ષણ આપતી વિવિધ કક્ષાની સંસ્થાઓ આવેલી છે. તે પૈકી પોલિટૅકનિક, આઈટીઆઈ, સિરામિક શાળા, પ્રી-વૉકેશનલ કેન્દ્રો તેમજ બુનિયાદી શાળાઓ છે.
ઇતિહાસ : અહીં આમળાં અથવા નેલ્લી(Nelli)નાં વૃક્ષો વધુ હતા. તેલુગુ ભાષામાં તે Nelli – ooru એટલે આમળાનાં વૃક્ષો એમ અર્થ થાય.
2008ના વર્ષમાં આ જિલ્લાનું નામ શ્રી પોટ્ટી સિરારમુલુ થયું. 1970ના વર્ષમાં નેલ્લુર જિલ્લાનો ઉત્તરનો ભાગ પ્રકાશમ્ જિલ્લા તરીકે ઓળખાયો. 2022ની 4થી એપ્રિલના રોજ જિલ્લાનો દક્ષિણ ભાગ તિરુપતિ જિલ્લા તરીકે બનાવાયો. આથી આ જિલ્લાના વિસ્તારમાં બદલાવ આવ્યો.
નેલ્લોર (શહેર) : નેલ્લોર જિલ્લાનું જિલ્લામથક અને શહેર છે. તે 14 44´ ઉ. અ. અને 79 98´ પૂ. રે. પર આવેલું છે. તે સમુદ્રસપાટીથી સરેરાશ 18 મીટરની ઊંચાઈએ છે. તેનો વિસ્તાર 149.2 ચો.કિમી. જ્યારે વસ્તી (2011 મુજબ) 6,00,869 હતી, તે પેન્નાર નદીને કાંઠે વસ્યું છે.
આ શહેરની આબોહવા ઉષ્ણકટિબંધીય સવાના પ્રકારની કહી શકાય એટલે કે ગરમ અને ભેજવાળી છે. એપ્રિલ–મે માસ દરમિયાન મહત્તમ ગરમી અનુભવાય છે. જે મોટે ભાગે જૂનના અંત સુધી રહે છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ પ્રમાણમાં ઠંડો રહે છે. બંગાળનો ઉપસાગર ફક્ત 24 કિમી. જ દૂર છે. પરિણામે દિવસ દરમિયાન સામુદ્રિક ભેજવાળા પવનો ફૂંકાતા રહેતા હોવાથી વાતાવરણ સમધાત રહે છે. વાતાવારણમાં ભેજનું પ્રમાણ અધિક હોય છે. અહીં નૈર્ઋત્યના પવનો વરસાદનો અનુભવ કરાવતા નથી. મોટે ભાગે ઑક્ટોબર–ડિસેમ્બર માસના ઈશાની પવનો વરસાદનો અનુભવ કરાવે છે. જેની ટકાવારી 60% કરતાં પણ વધુ છે. ચક્રવાતને કારણે કિનારાના વિસ્તારમાં દરિયાઈ મોજાં ધસી આવતાં ત્યાં પારાવાર નુકસાન થતું રહે છે. અહીં ઉનાળાનું મહત્તમ તાપમાન 36થી 46 સે. જ્યારે શિયાળામાં લઘુતમ તાપમાન 23થી 25 સે. રહે છે. અહીં અવારનવાર વરસાદના અભાવે દુકાળ અને તોફાની પવનોને કારણે દરિયાઈ મોજાં ધસી આવતાં નુકસાન પણ થાય છે.
નેલ્લોર એ જિલ્લાનું મુખ્ય શહેર હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં થતી ડાંગરનું મોટું બજાર છે. પરિણામે ડાંગર છડવાની મિલો, તેલ મિલો, તમાકુ પર પ્રક્રિયા કરવાનાં, કાપડના રંગકામનાં, ચિનાઈ માટીનાં વાસણો બનાવવાનાં, મોટરોને મરામત કરવાનાં તેમજ લોખંડ અને કાચને લગતા એકમો આવેલા છે. અબરખ શુદ્ધીકરણનાં કારખાનાં પણ છે.
નેલ્લોર શહેરનું બસસ્ટૅન્ડ કે જ્યાંથી રાજ્ય પરિવહન અને ખાનગી બસોની સુવિધા રહેલી છે. બે, ત્રણ અને ચાર પૈડાનાં વાહનોની સંખ્યા અધિક છે. જેમાં રિક્ષાઓની સંખ્યા 7000 જેટલી છે. અહીં આંતરરાજ્ય અને પડોશી રાજ્યોની બસોની સુવિધા છે. શહેરમાં રસ્તાની લંબાઈ આશરે 1,189 કિમી. છે. રિંગ રોડ નિર્માણ કરવાનું આયોજન છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ 16નું મુખ્ય મથક છે. આ સિવાય એશિયા ધોરી માર્ગ 45 અને ગોલ્ડન કુઆરીલેટરલ (Quadrilateral) એટલે કે સુવર્ણ ચતુર્ભુજ રોડ નજીકથી પસાર થાય છે. હૈદરાબાદ, કાકીનાડા, મછલીપત્તનમ્, કુર્નલ, કડપ્પા જેવાં શહેરો સાથે તે મોટર માર્ગે સંકળાયેલ છે. નેલ્લાર રેલવેસ્ટેશન ֹ‘A’ ગ્રેડનું અને આદર્શ રેલવેસ્ટેશન ગણાય છે. દક્ષિણ મધ્ય રેલવે વિભાગમાં તેનો સમાવેશ થયો છે. આ શહેરની નજીક જે રેલવેસ્ટેશનો છે તેમાં દક્ષિણ નેલ્લોર, વેદાયપાલમ્ અને પડુગુપાડુ છે. નેલ્લોર અને ચેન્નાઈ વચ્ચે દરરોજ ‘મેમુ’ કાર્યરત છે. જે કૉલકાતા અને ચેન્નાઈને સાંકળતા રેલમાર્ગનું મુખ્ય જંકશન છે. નેલ્લોર અને વિજયવાડા વચ્ચેનું અંતર 279 કિમી., ચેન્નાઈ અને નેલ્લોર વચ્ચેનું અંતર 170 કિમી. છે. જ્યારે બૅંગાલુરુ અને નેલ્લોર વચ્ચેનું અંતર 380 કિમી. છે.
આ શહેરમાં હિન્દુ, મુસ્લિમ અને ક્રિશ્ચિયનો રહે છે તેમની ટકાવારી અનુક્રમે 78.72%, 19.03% અને 1.59% છે. સાક્ષરતાનું પ્રમાણ 83.59% છે. આ શહેર આજુબાજુના વિસ્તાર માટેનું મહત્ત્વનું શિક્ષણ કેન્દ્ર છે. અહીં ઉચ્ચશિક્ષણ આપતી કૉલેજ, વેદ સંસ્કૃત પાઠશાળા આવેલી છે. રાજ્ય દ્વારા સંચાલિત પ્રાથમિક શાળા, માધ્યમિક શાળાઓ આવેલી છે. ખાનગી શાળાઓ પણ છે. મોટે ભાગે શિક્ષણ તેલુગુ અને અંગ્રેજી ભાષામાં અપાય છે. અહીંની માંસાહારી જાણીતી વાનગી ‘ચેપાલા પુલુસુ’ (Fish Curry) છે. મીઠાઈમાં મલાઈ ખાજા છે. જેની બનાવટમાં મેંદો, દૂધ અને ખાંડનો ઉપયોગ થાય છે. તેલુગુ ભાષાના મહાકવિ ટીકન્તા સોમયાજીએ અહીં રહીને તેલુગુ ભાષામાં મહાભારતનું ભાષાંતર કરેલું. હિન્દુ મંદિરો, મસ્જિદો અને ખ્રિસ્તી દેવળો આવેલાં છે. પેન્નાર નદીકાંઠે તલ્પગિરિ રંગનાથ સ્વામીનું મંદિર, મૂલસ્થાનેશ્વર સ્વામી મંદિર, વેણુગોપાલ સ્વામી મંદિર અને ધર્મરાજના મંદિર જોવાલાયક છે. તેમજ બારાશહીદ દરગાહ કે જેના વાર્ષિક ‘ઉર્સ’ વખતે ‘રોટેલા પન્ડુગા’ (રોટલા ઉત્સવ) થાય છે. જેમાં ભાગ લેવા મુસ્લિમો આવે છે.
આ શહેર ઉપર મૌર્ય, શતવહાનસ, ચોલા, પલ્લવસ, પંડ્યા, ખારાવેલા લોકોનું આધિપત્ય હતું. ત્રીજી સદીમાં મૌર્ય વંશના સમ્રાટ અશોકનું પ્રભુત્વ હતું. આ સિવાય વિજયનગરના રાજા, ગોલકોન્ડાના સુલતાન મોગલો અને અરકોટના નવાબનું પ્રભુત્વ રહ્યું હતું. 1758માં મરાઠાઓએ જીતી લીધું હતું ત્યાર બાદ અંગ્રેજોએ નેલ્લોરને પોતાના હસ્તક લીધું હતું. ભારત સ્વતંત્ર થતાં તેનો સમાવેશ આંધ્રપ્રદેશમાં થયો.
શિવપ્રસાદ રાજગોર
નીતિન કોઠારી