નેલટુરિ, વ્યંકટ સુબય્યા (જ. 1915, નેલટુર ગામ, જિ. નેલ્લોર) : તેલુગુ ઇતિહાસકાર અને લેખક. શિક્ષણ ચેન્નાઈમાં. 1936માં ચેન્નાઈ યુનિવર્સિટીમાંથી ઇતિહાસ વિષય લઈને એમ. એ. થયા. તે પછી બૅંગાલુરુ તથા ચેન્નાઈમાં ઇતિહાસના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. 1940માં એમણે ‘દક્ષિણનાં મંદિરોના સ્રોત’ પર સંશોધન કરીને પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. 1940થી 1975 સુધી મદ્રાસ યુનિવર્સિટીના પુરાતત્વ તથા ઇતિહાસ-વિભાગના વડા તરીકે કામ કર્યું. ત્યાંથી નિવૃત્ત થયા પછી ‘સ્વતંત્રતા આંદોલનનો ઇતિહાસ’ તૈયાર કરવા માટે સંશોધન-અધિકારી તરીકે મદ્રાસ યુનિવર્સિટીમાં નિયુક્ત થયા.
દક્ષિણ ભારતના અને વિશેષે કરીને આંધ્રપ્રદેશના ઇતિહાસના તેઓ વિશેષજ્ઞ હતા. દક્ષિણના અનેક રાજવંશોના ઇતિહાસ પર એમણે પ્રકાશ પાથર્યો છે, એમણે દક્ષિણ ભારતના ઇતિહાસવિષયક દશ ગ્રંથો લખ્યા છે. એમના ઇતિહાસવિષયક લગભગ 150 સંશોધનલેખો પ્રસિદ્ધ થયા છે. તાંજોર તથા મદુરૈના નાયક રાજાઓના સમય વિશે એમણે ચાર પુસ્તકો લખ્યાં છે.
આ ઉપરાંત એમણે વાર્તાઓ પણ લખી છે. એમનો વાર્તાસંગ્રહ ‘મધુમાલતી’ 1958માં પ્રકાશિત થયો હતો. શ્રીકૃષ્ણદેવરાયલુના અંતિમ દિવસો પર આધારિત એમની વાર્તા ‘પશ્ચાત્તાપમુ’ અત્યંત લોકપ્રિય છે. એમણે વિજયનગરના ઇતિહાસની પશ્ચાદભૂ લઈને ચાર વાર્તાઓ લખી છે.
ચન્દ્રકાન્ત મહેતા