નેધરલૅન્ડ્ઝ ઍન્ટિલીઝ

January, 1998

નેધરલૅન્ડ્ઝ ઍન્ટિલીઝ : કૅરિબિયન સમુદ્રમાં આવેલા ‘લઘુ ઍન્ટિલીઝ’ (Lesser Antilles) જૂથના ટાપુઓ પૈકીના બે ટાપુસમૂહો. ભૌગોલિક સ્થાન : 12° 15´ ઉ. અ. અને  69° 00´ પ. રે.. તે બંને સમૂહો સ્વાયત્ત સત્તા ધરાવતાં ડચ સંસ્થાન છે અને ડચ વેસ્ટ ઇન્ડીઝના નામથી પણ ઓળખાય છે. મુખ્ય ટાપુસમૂહ વેનેઝુએલાથી ઉત્તરમાં આશરે 80 કિમી.ને અંતરે છે, જેમાં ક્યુરાસો અને બોનેર ટાપુઓનો સમાવેશ થાય છે. ક્યુરાસો નજીક આવેલો અરૂબા ટાપુ  1845થી નેધરલૅન્ડ્ઝ ઍન્ટિલીઝનો જ એક ભાગ હતો, પરંતુ 1986થી તે બંધારણીય રીતે અલગ પડી ગયેલો છે. વેનેઝુએલાના ઉત્તર કિનારા નજીક આવેલા આ દક્ષિણના ટાપુસમૂહ પૈકી નજીકમાં નજીકનો અને પશ્ચિમ તરફ આવેલો ટાપુ અરૂબા છે (જે હવે તેમાં ગણાતો નથી). તે પેરાગ્વેના દ્વીપકલ્પથી ઉત્તરે 32 કિમી.ના અંતરે આવેલો છે. અરૂબાથી આશરે 72 કિમી. પૂર્વમાં 444 ચોકિમી.વાળો સૌથી મોટો ક્યુરાસો ટાપુ અને ત્યાંથી 48 કિમી. વધુ પૂર્વ તરફ બોનેરનો ટાપુ આવેલો છે. આ ટાપુઓ જ્વાળામુખીની ઉત્પત્તિવાળા છે, ભૂપૃષ્ઠ ખડકાળ અને પરવાળાંના ખરાબાવાળું છે. તે ઓછી ઊંચાઈ ધરાવે છે. ક્યુરાસો ટાપુ પરની ટેકરીનું ક્રિસ્ટોફેલબર્ગ શિખર આશરે 372 મી. ઊંચું છે. બોનેરના ટાપુ પર ખાસ કરીને સીસલની ખેતી થાય છે. આ ઉપરાંત અહીં થતાં ટૂંકાં ઘાસ-છોડ પર ઘેટાંબકરાંનો ઉછેર કરવામાં આવે છે. આ ટાપુના પરવાળાંના ખરાબા પર ફ્લૅમિંગો પક્ષીઓની દુનિયાની સૌથી મોટી વસાહત આવેલી છે, તેને નિહાળવા – તેનો અભ્યાસ કરવા માટે પક્ષીવિદો તથા પર્યટકોનો ભારે ધસારો રહે છે. આ ટાપુઓ પર વેનેઝુએલાની દરિયાઈ સાંકડી પટ્ટી પર અનુભવાતી આબોહવા જેવાં જ લક્ષણો જોવા મળે છે. આ ટાપુઓ વેનેઝુએલાના ખનિજતેલ-ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. ક્યુરાસોનું મુખ્ય શહેર અને બંદર વિલેમસ્ટાડ સુવિધાયુક્ત બારું તથા ખનિજતેલની વિરાટ રિફાઇનરી ધરાવે છે. આ બંદર પર વિશાળ ખનિજતેલવાહક જહાજોની અવરજવર વધુ રહે છે. ક્યુરાસોની ભૂમિ વધુ પડતી ખડકાળ હોવાથી તે ખેતીને અનુકૂળ નથી, તેથી ખાદ્ય ચીજોની આયાત કરવાની ફરજ પડે છે.

નાનો ટાપુસમૂહ આ મુખ્ય ટાપુસમૂહથી ઈશાનમાં આશરે 800 કિમી.ને અંતરે અને પ્યુર્ટોરીકોથી પૂર્વમાં આશરે 255 કિમી.ને અંતરે આવેલો છે, જેમાં સાબા સિન્ટ યુસ્ટેશિયસ તથા સેન્ટ માર્ટિન (માત્ર દક્ષિણ હિસ્સો; ઉત્તર હિસ્સો ફ્રાન્સ હેઠળ છે) ટાપુઓનો સમાવેશ થાય છે. સેન્ટ કિટ્સથી 12 કિમી. વાયવ્યમાં સેન્ટ યુસ્ટેશિયસ ટાપુ, ત્યાંથી વધુ 25 કિમી.ના અંતરે વાયવ્યમાં સાબા અને સેન્ટ યુસ્ટેશિયસથી આશરે 48 કિમી. ઉત્તરે સેન્ટ માર્ટિનનો ટાપુ આવેલો છે. આ ટાપુઓ પણ જ્વાળામુખીની ઉત્પત્તિવાળા છે, પરંતુ તેના ભૂપૃષ્ઠની ઊંચાઈ પ્રમાણમાં વધુ છે. જ્વાળામુખી-શંકુથી બનેલો સાબા ટાપુ મૃત જ્વાળામુખી પ્રકારનો છે અને તેનું માઉન્ટ સીનેરી શિખર 870 મીટરની ઊંચાઈ ધરાવે છે. તેના કિનારાના વધુ ભેજવાળા હવામાનથી બચવા માટે અહીંના લોકો ઊંચાઈએ આવેલી ખીણોમાં વસવાનું પસંદ કરે છે. આ ટાપુની વસતી 1,000થી વધુ નથી. તેમાં થોડા ડચ અને અંગ્રેજ ઉપરાંત મોટાભાગના નિગ્રો છે; તેઓ મુખ્યત્વે ખેતી, મચ્છીમારી અને નાવ બાંધવાની પ્રવૃત્તિ કરે છે. પહાડી ભૂપૃષ્ઠ ધરાવતા સિન્ટ યુસ્ટેશિયસ ટાપુનું મેઝિંગા શિખર 600 મી. ઊંચું છે. આ ટાપુ મુખ્યત્વે પ્રવાસન-વ્યવસાયમાંથી સારી આવક મેળવે છે, તે સિવાય થોડા પ્રમાણમાં ખેતી પણ થાય છે. ઓરોન્યેસ્ટાડ તેનું મુખ્ય બંદર છે. સેન્ટ માર્ટિન ટાપુનો ઉત્તર ભાગ ફ્રેંચ સંસ્થાનનો છે અને દક્ષિણ ભાગ ડચ સંસ્થાન – નેધરલૅન્ડ્ઝ ઍન્ટિલીઝનો એક હિસ્સો છે. રજાઓ ગાળવા આવનાર પર્યટકો માટે આ ટાપુ મુખ્યત્વે સુંદર પહાડી દૃશ્યો, જુગારખાનાં (casinos), ભોગાલયો, રાત્રિક્લબો તેમજ બજારમાંથી મળતી જકાતમુક્ત ચીજવસ્તુઓ દ્વારા વિશેષ આકર્ષણ પૂરું પાડે છે. અહીંનું મારીગો બંદર પર્યટકો માટેનું વિહારધામ બની રહેલું છે. આ ટાપુ પર મુખ્યત્વે કપાસ, શેરડી અને ફળફળાદિની ખેતી થાય છે. નેધરલૅન્ડ્ઝ ઍન્ટિલીઝના બધા ટાપુઓનું કુલ ક્ષેત્રફળ આશરે 800 ચોકિમી. અને કુલ વસ્તી 2,11,871 (2013) છે. ક્યુરાસો ટાપુ પર આવેલું વિલેમસ્ટાડ બધા ટાપુઓ માટેનું પાટનગર છે. 732 ચોકિમી.નો વિસ્તાર આવરી લેતા ક્યુરાસો અને બોનેરના ટાપુઓ નેધરલૅન્ડ્ઝ ઍન્ટિલીઝના કુલ ક્ષેત્રફળનો 9/10 ભાગ ધરાવે છે.

આ બધા ટાપુઓનું અર્થતંત્ર પહેલાં તો અરૂબા અને ક્યુરાસો ટાપુઓમાં આવેલી રિફાઇનરી પર આધારિત હતું, પરંતુ અરૂબા અલગ થયું છે અને હવે સ્વયંસંચાલિત તકનીકી વિકાસને કારણે નોકરિયાતોમાં પણ ઘટાડો થયો છે; આથી અર્થતંત્રને ઉપસાવવા માટેના વિવિધ ઉપાયો યોજવામાં આવી રહ્યા છે. મીઠા-ઉદ્યોગ અને ફૉસ્ફેટનું ખાણકાર્ય કરવામાં આવી રહ્યું છે. ફળોની ખેતી તેમજ પશુપાલન પણ થાય છે.

નેધરલૅન્ડ્ઝ ઍન્ટિલીઝના નિવાસીઓ મૂળ ઇન્ડિયનોના વંશજો છે. ડચ, પોર્ટુગીઝો, યહૂદીઓ અને આફ્રિકી ગુલામોના વંશજો પણ છે. સોળમી સદીમાં (1527માં) સ્પૅનિશ વસાહતો ઊભી થઈ, સત્તરમી સદીમાં (1634માં) ડચ લોકો આવીને વસ્યા. 80 %થી વધુ વતનીઓ કાળા અથવા મિશ્ર જાતિના છે. અહીંની સત્તાવાર ભાષા ડચ છે, તેમ છતાં ડચ-પોર્ટુગીઝ-સ્પૅનિશ-આફ્રિકી ભાષાના મિશ્રણમાંથી બનેલી પેપિમેન્ટો ભાષાનો વધુ ઉપયોગ થાય છે. ઉત્તરના નિવાસીઓ અંગ્રેજી ભાષા બોલે છે. અહીં કોઈ નિરક્ષર જોવા મળતું નથી. કૅરિબિયન પ્રદેશો પૈકી આ ટાપુઓનું જીવનધોરણ ઊંચું છે.

1948માં આ ટાપુઓનું ‘નેધરલૅન્ડ્ઝ વેસ્ટ ઇન્ડીઝ’ નામ બદલીને ‘નેધરલૅન્ડ્ઝ ઍન્ટિલીઝ’ કરવામાં આવેલું છે. 1954ના કરારનામા (charter) મુજબ આ ટાપુઓ સ્વાયત્ત બન્યા છે. નેધરલૅન્ડ્ઝ સામ્રાજ્યની મુખ્ય સત્તા તરફથી અહીંના પ્રતિનિધિ તરીકે ગવર્નરની નિમણૂક કરવામાં આવે છે, અને ધારાકીય રીતે ચૂંટાયેલા સભ્યોની બનેલી કાઉન્સિલ ગવર્નરને મદદ કરે છે.

બીજલ પરમાર