નેચર : 1869માં સ્થાપિત થયેલું વિજ્ઞાનનું એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સાપ્તાહિક. તેના (1997–98ના) તંત્રી ફિલિપ કૅમ્પબૅલ અને પ્રબંધ-નિયામક રે બાર્કર છે. આ સાપ્તાહિકનો મુખ્ય તંત્રીવિભાગ તેમજ તેનું મુખ્ય કાર્યાલય પૉર્ટ્સ સાઉથ, 4, ક્રિનાન સ્ટ્રીટ, લંડન N19XW ખાતે આવેલું છે. ‘મૅકમિલન મૅગેઝિન્સ’ તેના પ્રકાશક છે. ડિસેમ્બર માસના છેલ્લા સપ્તાહ (નાતાલના દિવસો) સિવાય, તે નિયમિત રીતે, સપ્તાહના દર ગુરુવારે પ્રગટ થાય છે. તેની વાચનસામગ્રીમાં વિજ્ઞાનના વિષયો ઉપરના અભ્યાસપૂર્ણ લેખો, વિજ્ઞાન સમાચાર, પત્રો વગેરેનો સમાવેશ થાય છે. ચાર્લ્સ ડાર્વિન અને ટૉમસ હક્સલે જેવા મહાન વિજ્ઞાનીઓના લેખો પણ ‘નેચર’માં પ્રસિદ્ધ થયા હતા. આ સાપ્તાહિક કમ્પ્યૂટર નેટવર્ક જાળ (web) ઉપર પણ ઉપલબ્ધ છે. તેનો સંપર્ક શબ્દ http://www.nature.com તથા http://www.nature.-jpn.com. છે. માઇક્રોફિલ્મમાં પણ તે ઉપલબ્ધ છે, જે ‘યુનિવર્સિટી માઇક્રોફિલ્મ ઇન્ટરનેશનલ’ 300, નૉર્થ ઝીબ રોડ, એન આરબોર, M148106, યુ.એસ. પાસેથી ઉપલબ્ધ થઈ શકે છે.

વિહારી છાયા