નૅશવિલે (ડેવિડસન) : યુ.એસ.ના ટેનેસી રાજ્યનું પાટનગર અને બીજા ક્રમે આવતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 36° 09´ ઉ. અ. અને 86° 47´ પ. રે.. તે રાજ્યના ઉત્તર તરફના મધ્ય ભાગમાં કંબરલૅન્ડ નદી પર આવેલું છે. આ શહેર ડેવિડસન પ્રાંતનું વહીવટી કેન્દ્ર છે અને રાજ્યના નૈર્ઋત્ય છેડે આવેલા મેમ્ફિસથી 320 કિમી. દૂર ઈશાનમાં કંબરલૅન્ડ નદી પરનું બંદરી પ્રવેશદ્વાર પણ છે. એક વખતનું ફળદ્રૂપ ખેતરોના વિસ્તારમાં આવેલું આ શહેર હવે ઝડપથી ઔદ્યોગિક કેન્દ્રમાં ફેરવાતું જાય છે. આ નગરની વસ્તી 6,89,447 (2022) હતી અને વિસ્તાર 1,300 ચોકિમી. હતો, તે હવે ડેવિડસન, સુમનેર અને વિલ્સનના પ્રદેશોને આવરી લેતો મહાનગરનો વિસ્તાર આઠ જેટલા વિભાગોમાં વહેંચાયેલો છે અને વસ્તી 19,89,519 (2022) જેટલી છે.
અહીં વાર્ષિક સરેરાશ વરસાદ 1,170 મિમી. જેટલો પડે છે. જુલાઈનું અને જાન્યુઆરીનું સરેરાશ તાપમાન અનુક્રમે 27° સે. અને 3° સે. રહે છે.
આ શહેરમાં થઈને આંતરરાજ્ય ધોરી માર્ગો, રેલમાર્ગો અને વ્યાપારી હવાઈ માર્ગો પસાર થાય છે. કંબરલૅન્ડ નદી પરના બંધને કારણે તેમજ ટેનેસી વૅલી ઑથોરિટી પાસેથી મેળવાયેલી સસ્તી વીજળીને કારણે નૅશવિલેનો ઔદ્યોગિક વિકાસ 1930થી ઝડપી બન્યો છે. આ શહેર 600થી વધુ ઔદ્યોગિક પેઢીઓ ધરાવતું મહત્ત્વનું ઉત્પાદક ક્ષેત્ર બની રહ્યું છે. શહેરના વૈવિધ્યલક્ષી અર્થતંત્રને લીધે વાણિજ્ય, ઉદ્યોગ અને ખેતીવિષયક ઉત્પાદનો વિકસ્યાં છે રસાયણો, ઑટોમોબાઇલના કાચ, ખાદ્યપેદાશો, પગરખાં, યંત્રસામગ્રી, હવાઈ જહાજના ભાગો, કાપડ-ઉદ્યોગ, ટાયરો, કૃષિઓજારો, સૌંદર્ય-પ્રસાધનો, કાગળ, સિગારેટ, સિમેન્ટ વગેરેનું ઉત્પાદન થાય છે. આ ઉપરાંત માંસના ડબ્બા તૈયાર કરવાનું કામ પણ થાય છે. આ શહેરમાં દેશનો રેકૉર્ડિંગ ઉદ્યોગ અગ્રતાક્રમમાં બીજો આવે છે. છાપકામ અને વિશેષે કરીને ધાર્મિક સાહિત્ય અંગેનો પ્રકાશન-ઉદ્યોગ અહીં કેન્દ્રસ્થાને છે. રેકૉર્ડિંગ ઉદ્યોગ દ્વારા પ્રાદેશિક તેમજ પશ્ચિમી સંગીતમાં તે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. રેકોર્ડિંગ કંપનીઓ, રેકૉર્ડિંગ સ્ટુડિયો અને ગીતપ્રકાશન પેઢીઓ અહીં કાર્યરત છે. આ કારણે નૅશવિલેને ‘મ્યુઝિક સિટી’નું બિરુદ મળેલું છે. ગ્રાન્ડ ઓલે ઑપેરા દ્વારા રેડિયો-પ્રસારણ અને લોકસંગીતના કાર્યક્રમો રજૂ થતા રહે છે. દેશનો વિખ્યાત સંગીત-હૉલ અને સંગ્રહસ્થાન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલાં છે.
નૅશવિલે ધાર્મિક શિક્ષણના કેન્દ્ર તરીકે પ્રસિદ્ધ છે. ધર્મ સાથે સંકળાયેલી શૈક્ષણિક સંસ્થા સ્કેરિટ કૉલેજ (1892) અને બેલમોન્ટ કૉલેજ (1951) પ્રખ્યાત છે. વાન્ડરબિલ્ટ યુનિવર્સિટી અને ફિસ્ક યુનિવર્સિટી ઉચ્ચશિક્ષણ પૂરું પાડે છે. નૅશવિલેમાં ખેતીવાડી અને ઔદ્યોગિક સ્ટેટ યુનિવર્સિટી(1912)નું મથક છે. જ્યૉર્જ પિબૉડી કૉલેજ ખાતે દેશની જાણીતી લાઇબ્રેરી-સ્કૂલ આવેલી છે. સ્કેરિટ અને વાન્ડરબિલ્ટનાં સંયુક્ત યુનિવર્સિટી-પુસ્તકાલયોને કારણે નૅશવિલેને સંશોધનકેન્દ્રનો દરજ્જો મળેલો છે. શહેરમાં અને તેની આજુબાજુ ઘણાં ઐતિહાસિક સ્થળો આવેલાં છે. આ પૈકી 17 કિમી.ને અંતરે પૂર્વમાં આવેલું વિશિષ્ટ ગણાતું, ઘણાં સ્મૃતિચિહનો ધરાવતા સંગ્રહસ્થાન સહિતનું, ઍન્ડ્રૂ જૅક્સનનું નિવાસસ્થાન ‘હર્મિટેજ’, સામ ડેવિસનું મકાન, પ્રમુખ જેમ્સ કે. પૉલ્કની કબર (1855) અને પ્રથમ વસાહતીઓએ ક્રાંતિયુદ્ધના પરમવીર જનરલ ફ્રાન્સિસ નૅશના માનમાં 1779માં બાંધેલો નૅશબરોનો કિલ્લો જોવાલાયક છે. ત્યારપછીથી 1784માં આ નગરને ‘નૅશવિલે’ નામ અપાયું છે. સેન્ટેનિયલ પાર્કમાંનું ‘પાર્થનૉન’ નૅશવિલેમાં બધી ઇમારતોમાં અલગ પડી આવતું સ્થાપત્ય ગણાય છે. તે કદમાં અને અન્ય કારીગરીમાં મૂળ ઍથેનિયન મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ સમું છે. 1897માં તે પહેલી વાર પ્લાસ્ટરમાંથી બનાવેલું, પરંતુ 1921 અને 1931 દરમિયાન કૉંક્રીટથી તેનું પુનર્નિર્માણ કરવામાં આવેલું છે, જે ટેનેસી રાજ્યને ગૌરવ અર્પે છે. આ ઉપરાંત, કૅપિટોલ ટેકરી (Capitol Hill) પર ગ્રીક શૈલી દર્શાવતી જાહેર ઇમારતો પણ છે. આ ટેકરીની આજુબાજુમાં યુદ્ધનું સ્મારક, રાજ્ય કચેરીની ઇમારત, વરિષ્ઠ અદાલત તેમજ અન્ય ખાતાંઓની ઇમારતો આવેલી છે. ગ્રીક સંસ્કૃતિની શૈલી મુજબની ઇમારતો અને શૈક્ષણિક સંસ્થાઓને કારણે તેને ‘દક્ષિણના ઍથેન્સ’ તરીકે ઓળખવામાં આવે છે.
ઇતિહાસ : 1779ના ‘ક્રિસ્ટ્મસ ડે’ના અરસામાં જ્યારે જેમ્સ રૉબર્ટસને નૅશબરોના કિલ્લાનું બાંધકામ શરૂ કર્યું ત્યારે આ સ્થળ પર માત્ર સરહદી નાકા તરીકે વસવાટ શરૂ થયેલો. ઉત્તર કૅરોલિનાના ક્રાંતિકારી યુદ્ધવીર જનરલ ફ્રાન્સિસ નૅશના માનમાં આ કિલ્લાને ‘નૅશબરો’ નામ અપાયું. કિલ્લા નજીકના વિસ્તારમાં ઝડપથી નાની વસાહતનો વિકાસ થતો ગયો, 1784માં વિકસેલા નગરને ‘નૅશવિલે’ નામ અપાયું. 1806માં, તેનો વધુ વિકાસ થયેલો હોવાથી તેને શહેરનો દરજ્જો મળ્યો. ત્યારપછી કંબરલૅન્ડ નદીનો જળમાર્ગ તરીકે ઉપયોગ થવાથી તે વ્યાપારી અને રાજકીય કેન્દ્ર બન્યું. 1796માં ટેનેસી અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હોવા છતાં નૅશવિલે 1843 સુધી તો રાજ્યનું પાટનગર બન્યું ન હતું. 1850માં અહીં રેલમાર્ગવ્યવહારનો વિકાસ થવાથી તેનું વ્યાપારી મહત્ત્વ વધી ગયું. તે જ વર્ષે અહીં દક્ષિણનાં નવ રાજ્યોની પરિષદ ભરાવાથી તેનું મહત્ત્વ વધ્યું. 1862 પછીના થોડા ગાળા માટે આ શહેર સમવાયી ટુકડીઓના કાબૂ હેઠળ રહેલું; પરંતુ 1863માં નૅશવિલે અને ડેવિડસન પ્રાંતને ભેળવી દેવામાં આવ્યાં અને સમગ્ર વિસ્તાર માટે એક નગરપતિ અને એક કાઉન્સિલ દ્વારા વહીવટ શરૂ થયો.
ગિરીશ ભટ્ટ