નૅશનલ રેલ મ્યુઝિયમ : નવી દિલ્હીના ચાણક્યપુરી ખાતે આવેલું ભારતીય રેલ વિરાસતનું સંગ્રહાલય.
આ રેલવે મ્યુઝિયમમાં ભારતમાં રેલવેનો આરંભ થયો ત્યારથી આજ સુધીનો રેલવેની ચીજવસ્તુઓનો સંગ્રહ થયો છે અને તેની જોવાલાયક વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. તેની શરૂઆત 1 ફેબ્રુઆરી, 1977માં થઈ. તે દસ એકર(એટલે કે 40,000 વર્ગ માઈલ)ના વિસ્તારમાં ફેલાયેલું છે. તેમાં મકાનની અંદર અને બહારના મેદાની વિસ્તારમાં જોવાલાયક ચીજવસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. તે જનતાને જોવા માટે કામના કલાકો દરમિયાન ખુલ્લું રહે છે. તેની પ્રેક્ષક-દીર્ઘા નવસંસ્કરણ પામતી રહે છે અને તેને વધુ ને વધુ અદ્યતન બનાવી શકાય તે માટે વિશેષ ધ્યાન અપાય છે. મુલાકાતીઓનું આકર્ષણ વધારવા સતત નવી સામગ્રી તેમાં ઉમેરાતી રહે છે.
તેમાં 1:8ના માપની (સ્કેલની) રમકડાની (ટૉય) ટ્રેન પ્રદર્શન સાથે મુકાયેલી છે, જેમાં મુસાફરી પણ થઈ શકે છે. એ જ રીતે ડીઝલ સિમ્યુલેટર, સ્ટીમ સિમ્યુલેટર અને કોચ (રેલવેના ડબ્બાઓના) સિમ્યુલેટર અમુક દિવસે દોડે છે. વધુમાં તે જોવાલાયક કેટલાક ખાસ વિભાગો પણ ધરાવે છે.
જૂના પતિયાલા રાજ્યની મોનોરેલ (એક જ પાટા પર દોડતી ટ્રેન) જોવાલાયક ચીજ છે. જૂના પતિયાલા રાજ્યની આ એક અજોડ ટ્રેન હતી, જેની રચના 1907માં થઈ હતી. આ ટ્રેન ‘ઈવિંગ પદ્ધતિ’(Ewing System)થી તૈયાર કરવામાં આવેલી. એ જમાનાના પતિયાલા રાજ્યના ‘બસ્સીથી સિરહિંદ’ નામના લગભગ છ માઈલના વિસ્તાર સુધી તે ચાલતી હતી. કર્નલ બોવલ્સે તે તૈયાર કરી હતી. બર્લિન(જર્મની)ની ઓરેન્સ્ટેન અને કોપલ કંપનીએ તે તૈયાર કરી હતી. 1927 સુધી તે સેવામાં હતી. તે પછી વાહનવ્યવહારનાં વધુ અને ઝડપી સાધનોનો વિકાસ થવાને કારણે આ ગાડીનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો. તેનો ઉપયોગ બંધ થતાં તેને રેલવેના ભંગારવાડામાં મૂકી દેવામાં આવી. તે પછી રેલવેવ્યવહારના એક ઇતિહાસકાર, નામે માઈક સાટોવે તેને શોધી કાઢી. અમૃતસર ખાતેના રેલવે વર્કશૉપ દ્વારા તેનું સમારકામ કરવામાં આવ્યું અને તેને ચાલુ કરી આ સંગ્રહાલયમાં મૂકવામાં આવી, આજે પણ તે ચાલુ હાલતમાં કાર્યરત છે.
એવી જ રીતે ‘ફેરી ક્વીન’ નામનું વિશ્વનું સૌથી જૂનું વરાળથી ચાલતું લોકોમોટિવ એંજિન ત્યાં ચાલુ હાલતમાં છે. મેસર્સ જ્હૉન મોરિસ ઍન્ડ સન્સ લિમિટેડ સાલફોર્ડ, લૅંકેશાયર દ્વારા 1914માં બનાવવામાં આવેલું મોરિસ ફાયર એંજિન આ સંગ્રહાલયમાં છે. વિશ્વમાં આજે આવાં માત્ર બે જ એંજિન કાર્યરત છે જેમાંનું એક આ નવી દિલ્હી ખાતે છે. આવું બીજું એક એંજિન વ્હાઇટવેબ્સ મ્યુઝિયમ ઑવ્ ટ્રાન્સપૉર્ટ, ક્લે હિલ, લંડન ખાતે અદ્યતન સ્વરૂપે સચવાયું છે. ભારતનું ઉપર્યુક્ત એંજિન નક્કર રબરનાં પૈડાં ધરાવે છે અને હવે આ પ્રકારનું એ એક માત્ર એંજિન છે. પ્રિન્સ ઑવ્ વેલ્સ(પાછળથી કિંગ એડવર્ડ ત્રીજા તરીકે ઓળખાયેલા)ની ભારતની મુલાકાત વેળા તૈયાર થયેલ સલૂન (ખાસ સગવડો ધરાવતો રેલવેનો ડબ્બો) તે ધરાવે છે. તદુપરાંત ઇન્દોરના મહારાજા હોલ્કરનું સલૂન અને જૂના મૈસૂર રાજ્યના રાજાનું સલૂન તે ધરાવે છે. મૈસૂર રાજ્યવાળું સલૂન સાગમાંથી બનેલું હોવા સાથે હાથીદાંત અને સોનાની ધારીઓથી સુશોભિત કરાયેલું છે. ઇલેક્ટ્રિક લોકોમોટિવ 4502 નંબર ધરાવતું સર લેસ્લી વિલ્સનનું એક એંજિન ત્યાં છે, જે આ પ્રકારનું સૌપ્રથમ એંજિન છે. તે એક ખાસ પ્રકારના અવાજ સાથે ચાલતું. જે અવાજ કરચલાના જેવો હોવાથી રેલવે કર્મચારીઓ તેને ‘ખેકદાસ’ (હિન્દીમાં કરચલો) તરીકે ઓળખે છે. આ એંજિન એવી ખાસ રચના ધરાવે છે કે જેથી તે પર્વતના વાંકાચૂકા ઘાટ પસાર કરી શકે. 1994 સુધી તે મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસમાં કાર્યરત હતું. એવું જ બીજું સર રોજર લુમલીનું ઇલેક્ટ્રિક એંજિન છે. તે ખાસ પૈડાં ધરાવે છે. તે આજે જોવા મળે છે તેવાં પૈડાં નથી. આ એંજિન બ્રિટનની વલ્કન ફાઉન્ડ્રી દ્વારા 1930માં બનાવવામાં આવેલું. આ એંજિનની પ્રતિકૃતિ મુંબઈ ખાતેના નહેરુ સાયન્સ સેન્ટર ખાતે પ્રજાને જોવા માટે મુકાયેલી છે.
આ ઉપરાંત ક્રેનટેંક, કાલકા-સિમલા રેલબસ (નાની રેલવે), માથેરાન રેલકાર નં. 8899, અગ્નિ વિનાનું વરાળનું એંજિન, ઊટીના હવા ખાવાના સ્થળ માટે વપરાતું વરાળથી ચાલતું એંજિન નં X-37385 જેવાં ઘણાં રેલવેનાં એંજિન ત્યાં મુકાયેલાં છે. રાજકોટ-બેટી ટ્રામવેઝનું એંજિન જે ‘બેટી ટ્રામવેઝ’ નામથી ઓળખાતું તે પણ ત્યાં જોવા માટે મુકાયેલું છે.
આમ આ નૅશનલ રેલ મ્યુઝિયમ જૂના રેલવેવ્યવહારની યાદો જીવંત બનાવે છે અને રેલવેવ્યવહાર આજ સુધી કેવા વિવિધ તબક્કાઓમાંથી પસાર થયો છે તેનું સળંગ ચિત્ર પ્રેક્ષકોના મનમાં ઊભું કરે છે, આ અર્થમાં આ સંગ્રહાલય ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે.
રક્ષા મ. વ્યાસ