નૅશનલ મેટૅલર્જિકલ લૅબોરેટરી, જમશેદપુર, ઝારખંડ : ધાતુ અને આનુષંગિક ક્ષેત્રના વિકાસાર્થે જરૂરી સંશોધન, ચકાસણી અને અન્વેષણ કરતી જમશેદપુરસ્થિત રાષ્ટ્રીય પ્રયોગશાળા. રાષ્ટ્રીય કક્ષાએ CSIR દ્વારા શરૂઆતમાં જે વિવિધ પ્રયોગશાળાઓ સ્થાપવામાં આવી તેમાંની આ એક છે. ઔદ્યોગિક આયોજન સમિતિની ભલામણથી આ સંસ્થાનો શિલાન્યાસ નવેમ્બર, 1946માં કરવામાં આવ્યો હતો. તેના પ્રથમ નિયામક તરીકે અમેરિકન ધાતુકર્મવિદ (metallurgist) જ્યૉર્જ સાક્સ (George Sachs)ની નિમણૂક કરવામાં આવી હતી. 1949માં તેનો ટૅકનૉલૉજિકલ વિભાગ (block) શરૂ થયો જ્યારે 26 નવેમ્બર, 1950ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુના વરદ હસ્તે આ પ્રયોગશાળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
ધાતુ અને આનુષંગિક ક્ષેત્રના વિકાસાર્થે જરૂરી સંશોધન, ચકાસણી, અન્વેષણ કરવાનો આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે. દેશમાં મળી આવતાં ખનિજો, રિફ્રૅક્ટરીઝ, લોહ અને બિન-લોહ ધાતુ, મિશ્ર ધાતુઓ (alloys) વગેરે અંગેની તાંત્રિક જાણકારી મેળવવાનો, ઔદ્યોગિક ઉત્પાદનની પ્રક્રિયા વિકસાવવાનો, ઉદ્યોગસાહસિકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડીને નવા ઉદ્યોગો સ્થાપવા પ્રેરિત કરવાનો ઉદ્દેશ પણ સંસ્થાએ રાખ્યો છે. તે માટે ઉદ્યોગ-સાહસિકો નવી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરી શકે તથા નવી ઉત્પાદનપદ્ધતિઓ વિકસાવી શકે તે માટે સંશોધન કરવાની કામગીરી આ સંસ્થા કરે છે.
સંસ્થાએ સંશોધિત કરેલ પ્રક્રિયાઓને પરિણામે રૂરકેલા, દુર્ગાપુર અને ભિલાઈ ખાતે આવેલ સ્ટીલ પ્લાન્ટ, જમશેદપુર ખાતે આવેલા ટાટા સ્ટીલ ઉદ્યોગના કારખાનામાં આયર્ન ઓર સજ્જીકરણ (iron ore beneficiation) પ્લાન્ટ કાર્યાન્વિત થયા છે. તાંબું, ફ્લોરસ્પાર, ઍલ્યુમિનિયમ, મિશ્રધાતુઓ વગેરે બાબતોમાં સંસ્થા તેમજ સંસ્થાનાં ક્ષેત્રીય કેન્દ્રોમાં કરવામાં આવેલ સંશોધનોનો લાભ દેશના ઉદ્યોગકારોને વિપુલ પ્રમાણમાં મળ્યો છે. યુનિડો (UNIDO) સાથે સહકાર કરી સંસ્થાએ ઇજિપ્ત, સીરિયા અને અન્ય દેશોમાં પણ તાંત્રિક સહાય આપી ત્યાંના ઉદ્યોગોને વિકસાવવામાં મદદ કરી છે.
દેશના જુદા જુદા વિસ્તારોની જરૂરિયાતોને ખ્યાલમાં રાખીને સંસ્થાએ ચેન્નાઈ, અમદાવાદ, મિદનાપુર (પ. બંગાળ), બટાલા (પંજાબ), હાવડા અને કૉલકાતા ખાતે ક્ષેત્રીય કેન્દ્રો/પ્રયોગશાળાઓ સ્થાપ્યાં છે. આ કેન્દ્રોમાં સંશોધન ઉપરાંત જે તે વિસ્તારમાં આવેલા ઉદ્યોગોને તાંત્રિક માર્ગદર્શન, ચકાસણીની સગવડ વગેરે સેવાઓ આપવામાં આવે છે.
સંસ્થા અને તેનાં કેન્દ્રો ખનિજ અને ધાતુઉદ્યોગને તકનીકી માર્ગદર્શન આપે છે. સ્થાનિક ઉદ્યોગો જે કાચા માલ વાપરે તેમની, તથા તે ઉદ્યોગો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓની ગુણવત્તા-ચકાસણી માટેની સેવા પણ આ સંસ્થા પૂરી પાડે છે. કાચા/તૈયાર માલને ચકાસીને આઇ.એસ.આઇ. અથવા અન્ય ધોરણો મુજબ પ્રમાણિત કરી પ્રમાણપત્ર આપવાની કામગીરી પણ કરવામાં આવે છે. સંસ્થા સમયાન્તરે પોતાના વિષયક્ષેત્રને લગતા તાલીમ-વર્ગોનું આયોજન કરે છે. સંસ્થા પાસે અદ્યતન સાધન-સામગ્રી, યંત્રસામગ્રી તથા પાઇલટ પ્લાન્ટ છે.
મુખ્ય પ્રયોગશાળાના ગ્રંથાલયમાં 80 હજારથી વધુ ગ્રંથો તેમજ સામયિકો, સંશોધન-લેખો વગેરે રાખવામાં આવ્યાં છે. વધુમાં ક્ષેત્રીય કેન્દ્રોમાં પણ ગ્રંથાલય અને માહિતી-કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ છે. સંસ્થા દ્વારા પરિસંવાદો, પરિષદો, કાર્યશાળાઓ વગેરેનું આયોજન કરવામાં આવતું હોય છે. સંસ્થા તરફથી વાર્ષિક અહેવાલ તથા ટૅકનિકલ મૅગેઝિન પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે. સંસ્થા સંશોધિત કરેલાં ગ્રંથ-પ્રકાશનો પણ આપતી રહે છે.
જયંત કાળે