નૅશનલ બૉટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NBRI), લખનૌ : લખનૌમાં આવેલી રાષ્ટ્રીય વનસ્પતિ-સંશોધન સંસ્થા. તે ધ કાઉન્સિલ ઑવ્ સાયંટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR), નવી દિલ્હીની રાષ્ટ્રીય પ્રયોગશાળાનું એક ઘટક છે. મૂળભૂત રીતે તેની સ્થાપના 1948માં રાષ્ટ્રીય વનસ્પતિ-ઉદ્યાન (National Botanic Gardens) તરીકે થઈ હતી. ઉત્તરપ્રદેશની સરકારે આ ઉદ્યાનનું 1948માં આધુનિકીકરણ કરી તેનો વિસ્તાર વધાર્યો હતો.
લખનૌના નવાબ સાદત અલીખાને (1784–1814) એક વિશાળ રાજવંશી ઉદ્યાન તૈયાર કરાવ્યો હતો. પાછળથી અવધના છેલ્લા નવાબ વાજીદઅલીશાહે તેનો વધારે વિકાસ કર્યો અને તેની સુંદર માનીતી બેગમ સિકંદર મહાલ પાછળ તે ઉદ્યાનનું ‘સિકંદર બાગ’ નામ આપ્યું હતું. બ્રિટિશ રાજ્યમાં તેને સરકારી હૉર્ટિકલ્ચરલ ગાર્ડન તરીકે ઓળખાવાતો હતો. ભારત સરકારની કાઉન્સિલ ઑવ્ સાયંટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે તા. 25–10 –1978ના રોજ ઉદ્યાન પોતાને હસ્તક લઈ તેને ‘નૅશનલ બૉટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ નામ આપ્યું.
આ વનસ્પતિ-ઉદ્યાન ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌના કેન્દ્રમાં આવેલો છે. તે ગોમતી નદીના દક્ષિણ કિનારે (અક્ષાંશ 26° 55´ ઉ., રેખાંશથી 80° 59´ પૂ. રે.) 113 મી. ની ઊંચાઈએ 25 હેકટર જેટલો વિસ્તાર રોકે છે. ઉદ્યાન ભારતીય વનસ્પતિસમૂહના સંરક્ષણ માટેની રાષ્ટ્રીય સુવિધા પૂરી પાડે છે. અને ભારત તેમ જ વિદેશોના સંશોધકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ઉદ્યાનપ્રેમીઓને અભ્યાસ કરવાની તક આપે છે. 6000 જેટલી સ્થાનિક, શોભન (ornamental) તથા વિદેશી (exotic) જાતિઓનો સંગ્રહ ધરાવતી વનસ્પતિ-વિવિધતા (plantdiversity)ની સુંદર ગોઠવણી અને સ્પષ્ટ ઓળખ માટે તે ઊંચી પ્રતિષ્ઠા ધરાવે છે. વળી, ભાવિ વંશજો માટે વનસ્પતિ-સંપત્તિનું જીવંત કેન્દ્ર સુલભ બને તેવી તેની ભાત (design) છે.
જનનદ્રવ્ય (Germplasm) સંગ્રહ : વનસ્પતિ-ઉદ્યાનમાં વિવિધ વનસ્પતિ-જાતિઓને વૃક્ષોદ્યાન (arboretum), સંરક્ષણશાળા (conservatory), કૅક્ટસ અને માંસલ (succulent) વનસ્પતિગૃહ, તાડગૃહ, બૉન્સાઈ(bonsai)-વિભાગ, હંસરાજ(fern)-ગૃહ અને નૂતન સંરક્ષણશાળામાં વર્ગીકૃત કરવામાં આવી છે. આ ઉદ્યાનમાં બોગનવેલિયા (250 જાતો), કેના (150 જાતો), ગુલદાઉદી (450 જાતો), ગ્લેડીઓલસ (120) જાતો અને ગુલાબની 500 જેટલી સંકર જાતોનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
વૃક્ષોદ્યાન : તે મુખ્ય પ્રવેશદ્વારની ડાબી બાજુએ આવેલો છે; જેમાં લગભગ 500 જેટલી વૃક્ષજાતિઓનો સમાવેશ કરવામાં આવેલો છે. તેઓનો વ્યવસ્થિત ક્રમમાં યોગ્ય નામનિર્દેશ સહિત ઉછેર કરવામાં આવ્યો છે. કેટલીક નોંધપાત્ર સ્થાનિક અને વિદેશી જાતિઓ આ પ્રમાણે છે : ગોરખ આમલી (Aansonia digitata), સપ્તપર્ણી (Adstonia scholaris), મામફળ (Annona muricata), સલાઈ ગૂગળ (Boswellia serrata), કિંજલ (Bischofia javanica), પલાશ કેસૂડો (Butea monosperma), સફેદ રેશમનું વૃક્ષ (Chorisia insigmis), કપૂર (Cinnamomoum camphora), સી-ગ્રેપ (Coccoloba uvifera), કરંબલ (Dillenia indica), મલબાર અબન્ડસ (Diospyros malabarica), બર્મા બ્લૅકવૂડ (Dalbergia lanceolata), વડ (Ficus binghalensis), કૃષ્ણવડ (F. kishnae), મેંદાલકડી (Litsea glutinosa), અરલુ (Oroxylum indicum), બિયો (Pterocarpus marsupium), લાલ અશોક (Saraca declinata), સાલ/રાળ (Shorea robusta), ચંદન (Santalum album), ઝેરકોચલાનું ઝાડ (Strychnos nux-vomica), નિર્મળી (S. potatorum), ગુલાબજાંબુ (Syzygium jambos), પિંક ટ્રમ્પેટ ટ્રી (Tabelbuia palmeri), રગતરોહિડો (Tecomella unulata) અને સાગ (Tectona grandis).
સંરક્ષણશાળા : આ વિસ્તાર ઘોડાની નાળ આકારનો છે અને તે ઉષ્ણ અને ઉપોષ્ણ આબોહવાની 600 જેટલી શોભન, વન્ય અને સંવર્ધિત વનસ્પતિ જાતિઓનું સંરક્ષણસ્થાન છે. કેટલીક ચિત્તાકર્ષક વનસ્પતિઓ આ પ્રમાણે છે: બુદ્ધ વાંસ (Bambusa ventricosa), રેડ બટરફ્લાય વિંગ (Christia vespertilinois), સધર્ન આફ્રિકન આયકેડ (Encephalartos villosus), કૉમન બૅક્સ પ્લાન્ટ (Hoya carnosa), જાપાની એરાલિયા (Fatsia japomica), મૅડનહૅઅર ટ્રી (Ginkgo biloba), દરિયાનું નાળિયેર (Lodoicea maldivica) અને વેનિલા (vanilla plandifolic).
તે એગ્લાઉનેમા (Aglaonema), મહાકંદ (Alocasia), ઍન્થુરિયમ (Anthurium), શતાવરી (Asparagus), કૅલૅથિયા (Calathea), સફેદ મૂસળી (Chlorophytum), ગાર્ડન ક્રૉટોન (Codiaeum), ડમબકૅન ઑવ્ વેસ્ટ ઇન્ડીઝ (Dieffenbachia), ડ્રેસીના (Dracaena), પેપરોમિયા (Peperomia), ચીઝ પ્લાન્ટ (Philodendron), કેવડો (Pandanus) અને ઍરોહેડ પ્લાન્ટ (Syngonium) વગેરેનો વિશાળ સંગ્રહ ધરાવે છે.
કૅક્ટસ અને માંસલ વનસ્પતિગૃહ : તે અનેક માળવાળા ટાવર જેવું કાચઘર છે. તે શુષ્ક પ્રદેશોની 500 જેટલી કૅક્ટસ અને રસાળ વનસ્પતિઓની જાતિઓનો સંગ્રહ ધરાવે છે. તેમને જમીનમાં અથવા કૂંડાઓમાં ઉછેરવામાં આવે છે. કેટલીક નોંધપાત્ર જાતિઓ આ પ્રમાણે છે : ડેઝર્ટ સ્ટાર (Adenium obesum), હેઝહોગ ઍગેવ (Agave stricta), પૉનીટેલ પામ (Beaucamea recurvata), ઓલ્ડમૅન કૅક્ટસ (Cephalocercus sinilis), મૉન્સ્ટ્રોઝ ઍપલ કૅક્ટસ (Cereus peruvianus), નાઇટ-બ્લૂમિંગ કૅક્ટસ (C. grandiflorus), પિગ્સ્ ઈઅર (Cotyledon orbiculata), બ્રાઇટ ગ્રીન ડુડ્લેયા (Dudleya virens), ડિકિયા બ્રાઝિલ (Dyckia remotifolia), ગોલ્ડન બેરલ કૅક્ટસ (Echinocactus grusonii), ગ્રીનઍલો (Furcrea foetida), સ્પૉટેડ ગૅસ્ટેરિયા (Gasteria macula), મૂન કૅક્ટસ (Gymnoclycium mihanvichii), ઝિબ્રા કૅક્ટસ (Haworthia fasciata), સ્પૉટેડ કૅલેન્ચોઈ (Kalanchoe marmorata), પોની ટેલ પામ (Nolina stricta), ફ્લૅશીરગવીડ (Notonia grandiflora), સિલ્વર ચોલા (Opuntia argentea), બની કૅક્ટસ (O. microdasys, Albida), ઇન્ડિયન ફીગ ઓપુન્શીઆ (O. vulgaris), બાબૅડોસ ગૂઝબેરી (Pereskia aculeata), રોઝ કૅક્ટસ (R bleo), ટોડ પ્લાન્ટ (Stapelia gigantea), ચાઇના પામ (Yucca filifera) અને વિવિધ પ્રતિરોપિત કૅક્ટસ. તાજેતરમાં કિર્સ્ટનબૉશ્ક બૉટનિક ગાર્ડન, દક્ષિણ આફ્રિકા દ્વારા પ્રાપ્ત બીજમાંથી વેલ્વિત્શિયા (Welwitschia mirabilis) નામની વિરલ (rare) અનાવૃતબીજધારી વનસ્પતિઓનો પ્રવેશ કરાવાયો છે.
તાડગૃહ : તાડગૃહ એરીકેસી (= પામી) કુળની 60થી વધારે વનસ્પતિજાતિઓનો સંગ્રહ ધરાવે છે. કેટલીક જાણીતી જાતિઓમાં સુગર પામ (Arenga pinnata), સોપારી (Areca catechu), નાળિયેરી (cocos nucifera), શિવજટા (caryoa urens), ક્લસ્ટરિંગ ફિશટેલ પામ (C mitis), પાર્લર પામ (chamaedorea) elegans), સ્ટોલોન પામ (C. stolonifera), ગોલ્ડન કેન પામ (Chrysalidocarpus lutescens), ક્લસ્ટરિંગ રૅટન પામ (Daemonorops kunstteri), આફ્રિકન ઑઇલ પામ (Elaeis guineensis), રફલ્ડ ફૅન પામ (Licuala grandis), મૅન્ગ્રોવ ફૅન પામ જંગલી સેલાઈ (L. spinosa), ચાઇનીઝ ફૅન પામ (Livistona chinensis), ટેરો પામ (L.cochin-chinensis), સ્પિન્ડલ પામ (Mascarena verschafferti), વાઇલ્ડ ડેટ પામ (Phoenix rcelinata), મેકેર્થુર પામ (Ptychsperma macarthuri), બ્રૂમ પામ (Thrinax barbadensis) અને બ્રૉડ થેચ પામ (T. excelsa)નો સમાવેશ થાય છે.
આ વિભાગમાં 200 જેટલી બૉન્સાઈ-વનસ્પતિઓનો સુંદર સંગ્રહ કરવામાં આવ્યો છે.
હંસરાજ ગૃહ : પિરામિડ આકારના આ ગૃહમાં ભારતની અને વિદેશની 65 જેટલી હંસરાજની જાતિઓનો સંચય કરવામાં આવ્યો છે; જેમાં સધર્ન મેડન હેઅર ફર્ન (Adiantum capillus-veneris), રફ મૅડન હેઅર ફર્ન (A. hispidum), હૅમક ફર્ન (Blechnum occidentale), વેજીટેબલ ફર્ન (Diplazium esculentum), ઓક લીફ ફર્ન (Drynaria quercifolia), હોસૅટેલ (Equisetum debile), મેડનહેઅરક્રીપર (Lygadium flexosum), ટ્યુબર લેડર ફર્ન (Nephrolepis cordifolia), બટન ફર્ન (N.duffii), એક્તિર (Ophioglossum reticulatum), સ્કેલેટન ફૉર્ક ફર્ન (Psilotum nudum), વૅરિયેગેટેડ ટૅબલ્ક ફર્ન (Pteris cretica ‘alboilineata’) અને ચાઇનીઝ બ્રેક (P. wittata)નો સમાવેશ થાય છે.
નૂતન સંરક્ષણશાળા : આ વિભાગની સ્થાપના 1989માં થઈ હતી. તેમાં વિરલ (rare), આકર્ષક, આર્થિક અને ઔષધીય દૃષ્ટિએ ઉપયોગી વનસ્પતિઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે અને તેમની જાળવણી માટે કાળજી રાખવામાં આવે છે. તેઓની કૂંડાઓમાં ત્રિસ્તરીય પદ્ધતિ(three tier system)એ નામનિર્દેશ સહિત ગોઠવણી કરવામાં આવી છે. નામનિર્દેશમાં તેમનાં મહત્ત્વનાં લક્ષણો અને ઉપયોગોની ટૂંકી નોંધ પણ હોય છે.
વનસ્પતિ–પ્રવેશ (plant introduction) : વનસ્પતિ-ઉદ્યાનની આ સૌથી મહત્ત્વની પ્રવૃત્તિ છે; જેથી જનનદ્રવ્યસંગ્રહને સમૃદ્ધ બનાવી શકાય છે અને વિજ્ઞાનીઓને વિપુલ જનીનીય આધાર (geneticbase) પૂરો પાડી શકાય છે. ભારતના અને વિદેશના 250 જેટલા વનસ્પતિ ઉદ્યાનોમાંથી વિનિમય પદ્ધતિથી વનસ્પતિઓ અને બીજ એકત્રિત કરવામાં આવ્યાં છે. આ વનસ્પતિ-ઉદ્યાન સંશોધન અને વિકાસ માટે ભારતમાં અને વિદેશમાં ઘણી સંસ્થાઓને અધિકૃત જનનદ્રવ્ય પણ પૂરું પાડે છે.
તાજેતરમાં આ ઉદ્યાનમાં પ્રવેશ કરાયેલી કેટલીક મહત્ત્વની જાતિઓ આ પ્રમાણે છે : બૅઓબેબ (Adansonia za), જાયન્ટ ઍગેવ (Agave salmiana), ડચમૅન્સ પાઇપ (Aristolochia brasiliensis), પૉડ મહૉગની (Afzelia quanzensis), ગાર્ડન ઍસ્પેરેગસ (A. officinalis), શૅપરોન બોન્કો (caesalpinia velutina), ફાયર ફ્લેશ (Chlorophytum amaniense), (crescentia mirabilis), પેકૉસા પામ (Cycas media), ચેસ્ટનટ ડિઊન (Dioon edule), જાયન્ટ ડિઊન ગમ પામ (D. spinulosum), બ્રેડ પામ (Encephalartos gratus), ફિલિપ આઇલૅન્ડ હિબિસ્કસ (Hibiscus insularis), જેકેરેન્ડા (Jacaranda cupsidifolia), સ્કેલી ઝેમિયા (Lepidozarnia peroffskyana), જાયન્ટ નોલિના (Nolina paryii), પોની ટેલ પામ (N. stricta), ડ્યૂન બ્રાઇડ બુશ (Pavetta revoluta), કૅનેરી આઇલૅન્ડ ડૅટ પામ (Phoenix canariensis), ઇન્ડિગો વૂડલૅન્ડ સેજ (Salvia forkskohili), ડેવિડસ્ માઉન્ટેન લૉરેલ (Sophora davidii) અને ઍરોરૂટ (Zamia pumila).
પરસ્થાન(Ex situ)-સંરક્ષણ : ભારતીય ઉપખંડનો વનસ્પતિસમૂહ અત્યંત સમૃદ્ધ છે અને તેમાં ઉચ્ચ કક્ષાની સ્થાનિકતા (endemism) જોવા મળે છે. નૈસર્ગિક અને વિકાસકીય પ્રવૃત્તિઓને કારણે 4000થી વધારે જાતિઓનું અસ્તિત્વ જોખમમાં છે. આવી જાતિઓને વિલોપન(extinction)થી બચાવવાનો એક માત્ર ઉપાય પરસ્થાન-સંરક્ષણ છે અને તે વનસ્પતિ-ઉદ્યાનોનાં કાર્યનો સંકલિત ભાગ બનાવે છે. વનસ્પતિ-ઉદ્યાનો જનીનીય વિવિધતા- (genetic diversity)ના સંરક્ષણમાં મહત્ત્વનું પ્રદાન આપી શકે તેમ છે. તે પુસ્તકોમાં કે વનસ્પતિસંગ્રહાલય- (herbarium)માં જ માત્ર જોવા મળતી ઘણી વન્ય અને શોભન-વનસ્પતિઓના સંરક્ષણ માટેનું અત્યંત મહત્ત્વનું કેન્દ્ર છે. આ ઉદ્યાનમાં સંચિત કેટલીક વિરલ, ભયગ્રસ્ત (endangesed) અને સ્થાનિક (endemic) વનસ્પતિઓ આ પ્રમાણે છે : નિકોબાર પામ (Bentinckia nicobarica), ગૂગળ (Commiphora wightii), કોન્ડાઇથા પેરિટા (Cycas beddomei), બિચિસુતિઇ (C. pectinata), શિંદલ માકડી (Frereaindica), પેન્ડ્યુલસ વૅક્સ ફ્લાવર ( H. wighiit), સર્પગંધા (Rauvolfia serpentina), ક્લિફ્ ડૅટ પામ (Phoenix rupicola), જાપાની પગોડૅ ટ્રી (Sophora mollis), રગતરોહિડો (Tecomella undulata) અને વેનિલા (Vanilla planifolia).
પવિત્ર કમળ (Nelumbo) અને ફૉકસ નટ(Euryale ferox)ની જાતિઓ અને કૃષિજાતો (aultivars)ના જનનદ્રવ્યના સંગ્રહ, ગુણન (multiplication), સંરક્ષણ અને દસ્તાવેજીકરણ (documentation) માટે એક પરિયોજના હાથ ધરવામાં આવી છે.
તકનીકી પરામર્શન (consultancy), ભૂદૃશ્યનિર્માણ (landscaping) અને તાલીમ : વનસ્પતિ-ઉદ્યાન ભૂદૃશ્યનિર્માણ અને શોભન-વનસ્પતિઓના સંવર્ધન માટે ખાનગી અને સાર્વજનિક ક્ષેત્રની વ્યક્તિઓને તકનીકી માર્ગદર્શન આપે છે. તે રાષ્ટ્રીય સંસ્થાઓ અને સરકારી સંગઠનોને પણ સલાહ આપે છે.
ટૂંકા શૈક્ષણિક અને તાલીમી અભ્યાસક્રમો દ્વારા લોકોને શોભન-વનસ્પતિઓના સંવર્ધનની પદ્ધતિઓ; ભૂદૃશ્યનિર્માણ, ઉદ્યાનની યોજના અને ઉદ્યાનવિદ્યાની અર્વાચીન પદ્ધતિઓ અંગેનું માર્ગદર્શન તથા તકનીકી સહાય આપવામાં આવે છે. દરરોજ દેશવિદેશના લગભગ 500 જેટલા મુલાકાતીઓ, વિદ્યાર્થીઓ અને સંશોધકો વનસ્પતિ-ઉદ્યાનની મુલાકાત લે છે.
પુષ્પોત્પાદન (floricuture) સંશોધન અને વિકાસ : શોભન વનસ્પતિઓ પરનાં સંશોધન વનસ્પતિ-ઉદ્યાનની સૌથી આવશ્યક અને મહત્ત્વની પ્રવૃત્તિ છે. તેથી કોઈ પણ જાતિ (species) કે જૂની કૃષિજાત(cultivar)માંથી નવા સંકર કે ભિન્ન જાત(variety)નો વિકાસ કરી શકાય છે. સંશોધન અને વિકાસ માટે પસંદગી પામેલા નોંધપાત્ર શોભન-પાકમાં ઍમરેન્થસ, ગ્લેડિયોલસ, ક્રિસેન્થિયમ, બોગનવેલિયા, જર્બેરા, ગુલાબ અને પૉલિએન્થસ છે. અહીં જનનદ્રવ્ય સંગ્રહ, પ્રસર્જન, દસ્તાવેજીકરણ, વનસ્પતિજાત/જાતિની સુધારણા, મૂલ્યાંકન અને ઉદ્યાનવિદ્યાકીય વર્ગીકરણ પરનો અભ્યાસ કરવામાં આવે છે.
બોગનવિલિયાની જાતિઓ અને જાતો(250 કૃષિજાતો)નો આ ઉદ્યાનમાં વિશાળ સંચય કરવામાં આવ્યો છે. NBRI દ્વારા વિકસાવાયેલા બોગનવેલિયાની જાતોમાં શુભ્ર, અર્જુન, બેગમ સિકંદર, વાજીદઅલી શાહ, ચિત્રા, મિસિસ મૅક્ક્લીન અને અર્ચના વગેરેનો સમાવેશ થાય છે. તે જ રીતે ગ્લેડિયોલસની 120થી વધારે કૃષિજાતો વિકસાવાઈ છે.
વાર્ષિક પુષ્પ અને વિજ્ઞાન–પ્રદર્શન : વનસ્પતિ-ઉદ્યાન ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ક્રિસેન્થિમમ અને કોલીઅસનાં તથા ગુલાબ અને ગ્લેડિયોલસનાં આંતરરાષ્ટ્રીય કક્ષાનાં પ્રદર્શનોનું આયોજન કરે છે.
આમ, NBRI વનસ્પતિ-ઉદ્યાન દ્વારા થાય છે જૈવ વિવિધતાનો અભ્યાસ. તે વિજ્ઞાનીઓને અને ભૂદૃશ્યનિર્માતા (landscapers)ને જનનદ્રવ્ય પૂરું પાડે છે; પુષ્પીય પાકોની કૃષિતકનીકી (agrotechnology)નો કૃષિસમાજમાં પ્રસાર કરે છે; લોકોમાં સૌંદર્યશાસ્ત્ર (aesthetics) અને પર્યાવરણ વિશે રસ કેળવે છે તથા શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરે છે.
જયંત કાળે
બળદેવભાઈ પટેલ