નૅશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, હૈદરાબાદ : જમીન, દરિયાઈ અને અવકાશી વિસ્તારમાં ભૂભૌતિક ક્ષેત્રે મોજણી અને સંશોધન કરતી હૈદરાબાદ(આન્ધ્ર)સ્થિત રાષ્ટ્રીય સંશોધન-સંસ્થા. સ્થાપના હૈદરાબાદ ખાતે 1962માં. ભારતમાં ભૂભૌતિક-વિજ્ઞાન (જિયોફિઝિક્સ) ક્ષેત્રે એક વિશ્વમાન્ય સંસ્થા સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ દેશની પ્રજાને વિજ્ઞાન અને ટૅકનૉલૉજી દ્વારા વિવિધ લાભ મળે તે માટેનો છે. વિજ્ઞાન અને ટૅકનૉલૉજીથી પ્રજાની ઉન્નતિ થઈ શકે એવી ધારણાથી સંસ્થામાં વિવિધ પ્રકારનાં સંશોધનો અને વિકાસકાર્યો હાથ પર લેવામાં આવે છે.
ઉદ્દેશ અને કાર્યો : જમીન, દરિયાઈ અને અવકાશી વિસ્તારમાં ભૂભૌતિકીય (geophysical) ક્ષેત્રે વિવિધ મોજણીઓ હાથ ધરીને ખનિજ-સંપત્તિની તથા ભૂગર્ભમાં રહેલા પાણીની સંપૂર્ણ શોધ, સંશોધનને ઉપયોગી અદ્યતન ઉપકરણોનાં ડિઝાઇન અને ઉત્પાદનની કામગીરી, આંતરરાષ્ટ્રીય સંશોધનમાં સહયોગ-સંપર્ક તેમજ ભૂવિજ્ઞાનનાં વિવિધ પાસાંની તરતપાસ – આવી વિવિધ પ્રકારની કામગીરી આ સંસ્થા બજાવે છે.
સંસ્થાએ આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઉત્તરપ્રદેશમાં ખનિજસંપત્તિ અંગે સંશોધન કરીને દેશને આ રાજ્યોમાં રહેલ ખનિજસંપત્તિ અંગે મહત્ત્વની માહિતી ઉપલબ્ધ કરી આપી છે. ઓડિસાનો દરિયાકાંઠાનો વિસ્તાર, આસામ અને મેઘાલય ખાતે સંશોધન કરીને આ રાજ્યોમાં ઉપલબ્ધ ખનિજતેલ (પેટ્રોલિયમ) અંગેની વિગતો મેળવી છે.
સંસ્થાના મુખ્ય સંશોધન અને વિકાસ કાર્યક્રમમાં (1) ભૂભૌતિકીય અન્વેષણ, (2) લિથોસ્ફિરિક સંરચના અને ગતિશાસ્ત્ર, (3) કુદરતી આપત્તિની ગણતરી, (4) ભૂગર્ભ જલસંશોધન અને વ્યવસ્થાપન તથા (5) ભૂભૌતિક ઉપકરણોના નિર્માણનો સમાવેશ થાય છે.
ખાસ સવલતો : સંસ્થામાં યુનેસ્કોપ્રેરિત 6 અઠવાડિયાંનો એક ખાસ તાલીમ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ તાલીમ કાર્યક્રમમાં ‘ભૂગર્ભ-જલસંશોધન’ અંગેની વિશેષ તાલીમ આપવામાં આવે છે. સંસ્થામાં પથ્થર, માટી તેમજ પાણીના નમૂનાઓની ચકાસણી કરવાની સગવડ ઉપલબ્ધ છે. વિવિધ કામગીરીને અનુલક્ષીને સંસ્થા પાસે વિશેષ પ્રકારની અદ્યતન યંત્રસામગ્રી છે. સંસ્થાનો ઉપકરણન(instrumentation)-વિભાગ અદ્યતન ભૂભૌતિક ઉપકરણો કે સાધનોનાં ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદનની કામગીરી કરે છે. સંસ્થા પાસે યંત્રસામગ્રીથી સજ્જ કાર્યશાળા છે, જે સંસ્થાની વિવિધ જરૂરિયાતો પૂરી કરે છે.
પુસ્તકાલય અને માહિતીકેન્દ્ર : સંસ્થાના પુસ્તકાલયમાં 30 હજારથી વધુ ગ્રંથો છે, જે સંસ્થાના 400 જેટલા અધ્યયન-સંશોધનના વિષયોને આવરી લે છે. સંસ્થાએ ખાસ ‘પ્રેસક્લિપિંગ વિભાગ’ પણ રાખ્યો છે. તે સંસ્થાગત વિષયસંશોધનની અદ્યતન માહિતી પૂરી પાડે છે.
સંસ્થા સંબંધિત વિષયોને લગતાં પરિસંવાદો, પરિષદો, કાર્યશાળાઓ વગેરેનું આયોજન કરે છે. આ ઉપરાંત સંસ્થાના વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો ભૂભૌતિક વિષયોને લગતાં આંતરરાષ્ટ્રીય કક્ષાનાં પરિસંવાદો, પરિષદો વગેરેમાં સક્રિય ભાગ લે છે.
પ્રકાશનો : સંસ્થા પોતાના વાર્ષિક અહેવાલ ઉપરાંત સંબંધિત વિષયોને લગતાં પ્રકાશનો અને બુલેટિન પ્રગટ કરે છે.
દસ્તાવેજી ચિત્રપટો : સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓને આવરી લેતાં 4 દસ્તાવેજી ચિત્રપટો તૈયાર કરવામાં આવ્યાં છે.
જયંત કાળે