નૅપ (Nappe) : આવરણ (જર્મન અર્થ); જળસંચયસ્તર (aquifer) માટે વપરાતો સમાનાર્થી પર્યાય (બેલ્જિયમ માટે); સ્તરભંગ પામેલી વ્યસ્તગેડ; અતિધસારા દ્વારા કે ક્ષિતિજસમાંતર અક્ષતલીય ગેડીકરણ દ્વારા તેના મૂળસ્થાનેથી બે કે વધુ કિલોમીટરના અંતરે સરકી જઈને અન્યત્ર ગોઠવાયેલો વિશાળ ખડકજથ્થો; પર્યાયના મૂળ અર્થ તરીકે બેસાલ્ટ લાવાપ્રવાહ જેવા થરથી બનેલું આવરણ. આ શબ્દ હજી આજે પણ અંગ્રેજી અને ફ્રેંચ સાહિત્યમાં જોવા મળે છે; જળવહન(hydraulics)માં બંધ જેવા બાંધકામના મથાળાની સપાટી પર થઈને વહી જતો પાણીનો પટ. નૅપરચનામાં ખડકપટની ઉપલી અને નીચલી સપાટી અન્ય ખડકોથી સ્પષ્ટપણે અલગ પાડી શકાય છે. મોટાભાગની નૅપરચનાઓમાં ગેડપટનું અક્ષીય તલ સંપૂર્ણ કે લગભગ ક્ષિતિજસમાંતર હોય છે.
ઉત્પત્તિસ્થિતિ (mode of formation) : વધુ પડતા દાબનાં પ્રતિબળોની અસર હેઠળ આવેલા પર્વતપટ્ટા વિરૂપતા પામે છે, ગેડીકરણ થતું જાય છે, પ્રતિબળો હદમર્યાદા વટાવી જાય ત્યારે ગેડપટ તેમની અક્ષીય તલસપાટીમાંથી તૂટે છે અને ખસતા જઈ ધસારાસપાટીમાં ફેરવાય છે. તૂટેલા ખડકપટનો વિભાગ પોતાના મૂળ સ્થાનેથી ધસારાસપાટી પર આશરે બે કે વધુ કિલોમીટરના અંતર સુધી સરકી જઈને અન્યત્ર ગોઠવાય છે. સામાન્ય રીતે આવી ધસારાસપાટી 10° જેટલા આછા નમનકોણવાળી હોય છે, પરંતુ તે 20°–30°ની પણ હોઈ શકે છે. આ પ્રકારનો અન્યત્ર ગોઠવાયેલો વિશાળ ક્ષિતિજસમાંતર ખડક-ગેડપટ નૅપ તરીકે ઓળખાય છે. ઉપર રહેલો ખડકપટ જૂના વયનો અને તેની નીચે ધસારાસપાટીના સંપર્કમાં રહેલા ખડકસ્તરો નવા વયના હોય છે. આવી નૅપરચનાઓ આલ્પ્સ અને હિમાલય જેવા ગેડપર્વતોમાં જોવા મળે છે.
સ્વિટ્ઝર્લૅન્ડમાં આવેલા આલ્પ્સ ગેડપર્વતપટ્ટામાં વાયવ્ય તરફી ધસારાથી ઉદભવેલા નૅપ-વિભાગો રહેલા છે, જ્યાં તેમને ત્રણ સ્પષ્ટ વિભાગોમાં વહેંચેલા છે – મધ્ય અક્ષવિભાગ અતિ વિરૂપતા અને વિકૃતીકરણ પામેલો છે, જે ‘પેનાઇન નૅપ’ તરીકે ઓળખાય છે; તેની બાજુએ રહેલો આવરણવિભાગ ઓછી વિરૂપતાવાળા જળકૃત ખડકોથી બનેલો છે, તે ક્ષિતિજસમાંતર ગેડવાળો છે અને તે ‘હેલ્વેટીક નૅપ’ કહેવાય છે; બહાર તરફનો વિભાગ થાળામાં જમાવટ પામેલી મોલાસ રચનાથી બનેલો છે, જે ‘સ્વિસ મેદાન’ તરીકે જાણીતો છે.
હિમાલયની ગિરિનિર્માણક્રિયામાં ખડકસ્તરો ઉપર થયેલા પ્રચંડ સંકોચન અને પ્રતિબળ હેઠળ અમુક ગેડો વ્યસ્ત બની ગઈ છે. ગેડનો મધ્ય અવયવ તેની બળમર્યાદા સુધી પહોંચી જઈને નમન દર્શાવતી ધસારાસપાટીમાંથી પસાર થયો છે, ગેડનો તૂટેલો ભાગ દીર્ઘ અંતર સુધી આપોઆપ સરકી ગયો છે. આ રીતે પર્વતોની અંદરની હારમાળાઓના જૂના ખડકો બાહ્ય હારમાળાના નવા ખડકોની ઉપર ધસી ગયેલા છે. ક્ષિતિજસમાંતર અક્ષગેડ(નૅપરચનાઓ)ને રચતા આ અતિધસારાના વિપરીત સ્તરભંગો બાહ્ય હિમાલયનું વિશિષ્ટ લક્ષણ બની રહેલા છે. જ્યાં જ્યાં બાહ્ય હારમાળાઓના ટર્શ્યરી ખડકો જૂની રચનાઓના સંપર્કમાં જોવા મળે છે ત્યાં સંધિસપાટી હંમેશાં ઓછા નમનવાળા વિપરીત ધસારાસ્વરૂપે જ હોય છે. આવી સપાટીઓમાં સ્તરરચનાના ગેડપટ નૅપસ્વરૂપે દક્ષિણ તરફ ઘણા કિલોમીટર સુધી ખસ્યા છે અને જ્યાં ગોઠવાયા છે ત્યાં તેમની નીચે નવી વયના સ્તરો છે. આ ધસારાઓને સ્થાનિક નામ અપાયાં છે. મધ્યની હારમાળાઓ તરફ જઈએ તેમ શરૂઆતમાં મરી અને નહાન ધસારા, અંદર જતાં પંજાલ અને ક્રોલ ધસારા અને ત્યાંથી અંદર તરફ જતાં ઝંસ્કાર, ગિરિ અને ગઢવાલ ધસારા ક્રમશ: આવે છે. ઉત્તરથી દક્ષિણ તરફ આવતાં હિમાલયની તળેટી ટેકરીઓના વિભાગો ક્યાંક ક્યાંક ખૂબ જ સંકોચાઈ ગયા છે. આ લક્ષણ દાર્જીલિંગની દક્ષિણે ભુતાનની તળેટી ટેકરીઓમાં વિશિષ્ટપણે જોવા મળે છે, જ્યાં મધ્ય હિમાલયમાંથી ઉદભવેલો ધસારાનો પટ દક્ષિણ તરફ ખસ્યો છે અને શિવાલિક ખડકોને સમાવી લઈને આખાય ટર્શ્યરી વિભાગની ઉપર તરફ થઈને ઉત્તર બંગાળનાં કાંપનાં મેદાનોની ધાર સામે આવીને રહેલો છે.
પીરપંજાલ હારમાળા અને સિમલા-ગઢવાલમાં વિપરીત સ્તરભંગોથી અલગ પડેલી ક્ષિતિજ સમાંતર અક્ષતલીય ગેડ પ્રકારની રચના રહેલી છે. આ ધસારાસપાટીમાં પર્વતોના આખા ને આખા જથ્થા દક્ષિણ તરફ ખસેલા છે. આ વિભાગ હિમાલયના નૅપ-વિભાગ તરીકે ઓળખાય છે. જેલમથી રાવી સુધી પીરપંજાલ હારમાળાની તળેટીની સળંગ લંબાઈમાં લગભગ સમાંતર અને એકધારી રહેલી બે ધસારાસપાટીઓ મળેલી છે. આ પૈકી બાહ્ય ધસારો મરી ધસારો ગણાય છે જ્યાં કાર્બોનિફેરસ-ઇયોસીન ખડકોનો પટ્ટો મધ્ય ટર્શ્યરી મરી શ્રેણી ઉપર ધસી ગયો છે, જ્યારે અંદરનો પંજાલ ધસારો પ્રાચીન પુરાના સમૂહના શિસ્ટ અને સ્લેટ ખડકો કાર્બોનિફેરસ-ઇયોસીન ઉપર ક્ષિતિજસમાંતર સપાટીમાં ધસી ગયેલો છે.
હિમાલયમાંના ધસારાઓ સ્કૉટલૅન્ડના પર્વતપ્રદેશોની ધસારા-સપાટીઓની યાદ આપે છે. હિમાલયની મધ્ય સ્ફટિકમય અક્ષ અને આ નૅપ-વિભાગની વચ્ચે હઝારા અને કાશ્મીરનાં વિશાળ જળકૃત થાળાં વિરૂપતા કે વિપરીત લક્ષણો બતાવતાં નથી, જે દર્શાવે છે કે આ નૅપ-રચનાઓ તે પછીથી વિરૂપતાની અસર હેઠળ આવેલી નથી. ધસી આવીને અન્યત્ર ગોઠવાયેલા ખડકપટ જ્યાં જ્યાં ધસારો થયો છે ત્યાં ત્યાં ટેકરીઓના સ્વરૂપે ક્લીપન અને નીચેના ભાગોમાં જીર્ણવિવૃતિઓ તૈયાર થયેલાં છે. (ક્લીપન અને જીર્ણવિવૃતિ માટે જુઓ ભૂસંચલનજન્ય જીર્ણવિવૃતિ.)
ગિરીશભાઈ પંડ્યા