નૅપ્થૉલ : નૅપ્થેલીનનાં મૉનોહાઇડ્રૉક્સી સંયોજનો જેને મૉનોહાઇડ્રિક ફીનોલના સમાનાંતર નૅપ્થેલીન વ્યુત્પન્નો કહી શકાય. ફીનોલના જેવા જ રાસાયણિક ગુણધર્મો ધરાવતા બે નૅપ્થૉલ્સ C10H7OH (α – તથા β – અથવા 1- તથા 2-)રંગકોના મધ્યસ્થીઓ તરીકે વપરાય છે. α-નૅપ્થૉલ : ગ. બિ. 95° સે., ઉ.બિં. 282° સે. તેને α- નૅપ્થાઇલ એમાઇનમાંથી અથવા 1 – નૅપ્થેલીન સલ્ફૉનિક ઍસિડને સોડિયમ હાઇડ્રૉક્સાઇડ સાથે ગરમ કરીને મેળવવામાં આવે છે. તે રંગવિહીન, આછી વાસવાળો સ્ફટિકમય પદાર્થ છે તથા ઈથર અને આલ્કોહૉલમાં સુદ્રાવ્ય અને ગરમ પાણીમાં અલ્પ દ્રાવ્ય હોય છે. તે બાષ્પનિસ્યંદનશીલ, ઊર્ધ્વગમનશીલ (sublimable) અને જ્વલનશીલ પદાર્થ છે.

β – નૅપ્થૉલ : ગ.બિં 122° સે., ઉ.બિં. 288° સે. ધરાવતો ખૂબ અગત્યનો નૅપ્થૉલ છે. તે પાણીમાં અતિઅલ્પ દ્રાવ્ય છે, તથા ફેરિક ક્લૉરાઇડ સાથે લીલો રંગ દર્શાવે છે. (આ જ રીતે α-નૅપ્થૉલ જાંબલી રંગ દર્શાવે છે.) β- નૅપ્થૉલ કૉસ્ટિક સોડાના દ્રાવણમાં દ્રાવ્ય છે અને આ દ્રાવણમાં જ તે સામાન્યત: વાપરવામાં આવે છે. α-નૅપ્થૅલીન સલ્ફૉનિક ઍસિડને કૉસ્ટિક સોડા સાથે પિગાળીને તે બનાવવામાં આવે છે. તેમાંથી અનેક રંગકો તથા રંગક મધ્યસ્થી બનાવવા ઉપરાંત ચર્મશોધનકારક (tanning agent) તરીકે; રબર, ચરબી તથા તેલ માટે પ્રતિઉપચયનકારક તરીકે તથા જંતુઘ્ન તરીકે વપરાય છે. આ ઉપરાંત ફૂગનાશકો બનાવવામાં, ફાર્માસ્યુટિકલ્સમાં તથા અત્તર બનાવવામાં પણ તે વપરાય છે. કૅન્સર ઉત્પન્ન કરે તેવું રસાયણ હોવાથી ચામડી સાથે તે સંપર્કમાં ન આવે કે શ્વાસમાં ન જાય તેવી સાવચેતી રખાય છે.

જગદીશ જ. ત્રિવેદી