નૂ, ઊ [જ. 25 મે 1907, વાકેમા, મ્યાનમાર (બ્રહ્મદેશ); અ. 11 ફેબ્રુઆરી 1995, રંગૂન] : મ્યાનમારના ભૂતપૂર્વ વડાપ્રધાન તથા અગ્રણી મુત્સદ્દી. વ્યાપારીના પુત્ર. રંગૂન ખાતે યુનિવર્સિટી-કૉલેજમાં શિક્ષણ લીધું. થોડાક સમય માટે પેન્ટાનાવ ખાતે નૅશનલ હાઈસ્કૂલમાં અધ્યાપન કર્યા બાદ કાયદાનો અભ્યાસ કરવા યુનિવર્સિટીમાં પાછા ફર્યા. 1936માં વિદ્યાર્થીઓની હડતાલની આગેવાની કરવા બદલ તેમને દેશનિકાલ કરવામાં આવ્યા. દેશના રાષ્ટ્રવાદી પક્ષ ‘થાકિન્સ’ના તેઓ આગેવાન સભ્ય રહ્યા. આ પક્ષે યુદ્ધોત્તર મ્યાનમારને રાજકીય નેતાગીરી પૂરી પાડી. બીજા વિશ્વયુદ્ધ(1939–45)ની શરૂઆત પછી રાષ્ટ્રદ્રોહના આરોપસર તેમને જેલમાં પૂરવામાં આવ્યા. મ્યાનમાર પર 1942માં જાપાને આક્રમણ કર્યું ત્યારે તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા.
મ્યાનમાર પરના જાપાનના કબજા દરમિયાન (1942–45) જાપાનીઓએ લાદેલી ડૉ. બા મૉની સરકારમાં ઊ નૂ કૅબિનેટ મંત્રી હતા. સાથોસાથ રાષ્ટ્રવાદી જૂથો સાથે પણ તેમણે સંપર્ક જાળવી રાખ્યો. રાષ્ટ્રવાદી સાથીઓએ દેશમાં જાપાનીઓનો વિરોધ કરવા સારુ ‘ઍન્ટિ-ફાસિસ્ટ લીગ’ની રચના કરી હતી. બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી તેમણે બ્રિટિશરો સાથે મ્યાનમારના સ્વાતંત્ર્ય અંગે વાટાઘાટો હાથ ધરી. ‘ઍન્ટિ-ફાસિસ્ટ પીપલ્સ ફ્રીડમ લીગ’ (AFPFL) પક્ષના ઉપપ્રમુખ તરીકે તથા બંધારણ પરિષદના ચૅરમૅન તરીકે તેમણે સેવાઓ આપી હતી. યુદ્ધોત્તર સમયના મ્યાનમારના પ્રથમ વડાપ્રધાન અને રાષ્ટ્રવાદી નેતા ઊ ઓંગ સાન તથા તેમની સરકારના મંત્રીઓની સામૂહિક કતલ (1947) બાદ ઊ નૂએ સર્વોચ્ચ રાષ્ટ્રવાદી નેતા તરીકે કામગીરી સંભાળી લીધી તથા દેશની સ્વતંત્રતા માટેની બ્રિટિશ સરકાર સાથેની વાટાઘાટો પૂરી કરી. જાન્યુઆરી, 1948માં ઊ નૂ સ્વતંત્ર મ્યાનમારના પ્રથમ વડાપ્રધાન બન્યા.
પોતાના શાસનના પ્રથમ દાયકા દરમિયાન તેમણે સામ્યવાદીઓ, રાજકીય અસંતુષ્ટો અને વિરોધી રાષ્ટ્રીય લઘુમતીઓનું પ્રતિનિધિત્વ કરનાર જૂથો પર કાબૂ મેળવી લીધો. ‘ઍન્ટિ-ફાસિસ્ટ પીપલ્સ ફ્રીડમ લીગ’ના રાજકીય શુદ્ધીકરણ માટે 1956માં તેમણે વડાપ્રધાનપદનું રાજીનામું આપ્યું. જૂન, 1958માં તેમણે દેશની સરકારમાંથી પોતાના પ્રતિસ્પર્ધીઓને જાકારો આપ્યો તથા નવેસરથી ચૂંટણીઓ જાહેર કરી.
1958ના અંતભાગમાં ઊ નૂએ જનરલ ને વિનના નેતૃત્વવાળી રખેવાળ સરકારને સત્તા સોંપી. તેઓ એક ચુસ્ત બૌદ્ધ તથા લોકશાહી અધિકારોના પ્રબળ હિમાયતી હતા. 1960ની ચૂંટણીઓમાં વિજય મેળવ્યા બાદ એપ્રિલ, 1960માં તેમણે દેશના વડાપ્રધાન તરીકેનો હોદ્દો ફરી ગ્રહણ કર્યો. 1962માં લશ્કરી દળોએ તેમની પાસેથી સત્તા છીનવી લીધી. અને ઊ નૂની અટકાયત કરવામાં આવી. 1966 સુધી તેમને કારાવાસમાં રાખવામાં આવ્યા. 1969માં તેઓ દેશ છોડી ગયા અને 1980 સુધી વિદેશોમાં રહ્યા. ત્યારબાદ તેઓ મ્યાનમાર પાછા ફર્યા અને રાજકારણમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ રંગૂનમાં બૌદ્ધ સાધુ તરીકે જીવન વ્યતીત કર્યું.
નવનીત દવે